મિત્ર
સાચા મિત્રનું સ્થાન જીવનમાં ઘણું હોય છે. એની સાથે મન ખોલીને વાત કરી શકાય છે. જીવનના ઉકળતા પ્રશ્નો વિષે સાચી સલાહ પણ મેળવી શકાય છે. સાચો મિત્રનો અભિપ્રાય ગમે તેટલો કઠોર પણ હોય તેને અવગણતા પહેલા એના પર ઊંડાણ પૂર્વક વિચાર કરવો જોઈએ. એની સાથે તમે ભૂતકાળ , વર્તમાન અને ભવિષ્ય વિષે પણ નિખાલસ પૂર્વક ચર્ચા કરી શકાય છે. મિત્રનું સ્થાન કુટુંબ કરતા ઘણી બાબતોમાં વધી જાય છે.
મિત્રતા જેટલી જૂની હોય તેટલી એની મધુરતા વધી જાય છે. એથી નાનપણના મિત્રો એટલેકે શાળાના મિત્રોની મિત્રતા વધારે ગહેરી બની રહે છે. સાચી મિત્રતા કદી ગુમાવી શકતી નથી.તે ઉપરાંત એ મહત્વનું નથી તમે કોની સાથે વધારે સમય પસાર કરો છે પરંતુ તમે કોની સાથે જીવનનો ઉત્તમ સમય પસાર કરો છે. એમાં મિત્રનું સ્થાન બહુજ અગત્યનું આવે છે.
સાચા મિત્રને દરરોજ ન પણ મળો અને એની સાથે વાત ન કરો તો પણ મિત્રતામાં કોઈ ફરક પડતો નથી. ખરી મિત્રતામાં એકબીજાના પ્રશ્નો સંભાળી લેવામાં આવે છે. જેથી પ્રશ્નો સરળ બની જાય છે. સાચો મિત્ર તો તમારું દર્દ તમારી આંખમાંથી પારખી જાય છે એના માટે તમને ઢંઢોળવાની જરૂરિયાત રહેતી નથી.
લોકો જે તમારી પાછળ બોલતા હોય છે તે તમારો સાચો મિત્ર તમારા મોઢા પર કહેતા અચકાશે નહિ . બધા જ દર્દનો ઉપાય સાચા મિત્ર સાથે સહવાસથી જ પ્રાપ્ત થાય છે . આથી સાચો મિત્ર મળવો એ જીવનની મોટામાં મોટી બક્ષિસ છે.
**********************************