સ્વતંત્રતાની રાત્રી અને લોકોની દિવાનગી
૧૯૪૭ ના ૧૫મી ઑગસ્ટના દિવસે આપણા ભારત દેશની સ્વતંત્રતાની રાત્રી હતી. મારી ઉંમર તે વખતે ૧૦વર્ષની હશે પરંતુ સ્વતંત્રતાનો નશો ચડ્યો હતો. હવે આપણે' ત્યા દૂધની નદીઓ વહસે અને આબાદી પાર નહી હોય' ઍવી ભાવનામા આખો દેશ તરબોળ હતો. લોકોમા ઉલ્લાસ અને આનંદની કોઈ સીમા ન હતી. આખી રાત અમે ઉઘાડી ટ્રકમા રોશનીમા તરબોળ થઈ મુંબઈમા ઘુમતા રહયા હતા. બધી સરકારી અને ખાનગી ઈમારતોને શણગારવામા આવી હતી. રસ્તા પર માનવો કીડીની જેમ ઉભરાતા હતા. કિકિયારીથી આખુ આકાશ તરબોળ હતુ. વાહનો પણ કીડીની ગતિથી ચાલતા હોય ઍમ લાગતુ હતુ. બ્રિટિશોની ૧૫૦ વર્ષની પણ બીજા આક્રમકારોની ૨૦૦૦ વર્ષોની ગુલામીમાથી સ્વતંત્ર થયેલા લોકોનોઍ શંખનાદ હતો. લોકોની કેટલી આકાંશાઓ, અભિલાશાઓ, ઍમા ભરાયેલી હતી. આવી ઉજ્જવળહતી- સ્વતંત્રતાની તે રાત્રી.
સ્વતંત્રતાની રાત -
સ્વતંત્રતાની રાતે લોકોમા દિવાનગી જોઈ
મદ પાન કર્યા વગરનો નશો જોયો
ગાંડપણ વગરની દિવાનગી જોઈ
આનંદ અને ઉલ્લાસમા તણાતી મેદની પણ જોઈ
સ્વતંત્રતાની રાત-
ત્યાર બાદ હિંસાના તાંડવ જોયા
ઘરબાર વગરના લોકોની કટારો પણ જોઈ
ભાગલાંમા રહેસાઈ ગયેલા લોકોની કિકિયારીઑ સંભળાઈ
ત્યારે ન સમજાયુ, આ સ્વતંત્રતા ક્યા ભોગે?
સ્વતંત્રતાની રાત-
આજે ૬૫ વર્ષ સુધી રાહ જોઈ
પણ ગરીબાઈ અને ગરીબાઈની પીડા ન ગઈ
લોકોમા સ્વતંત્રતાની કોઈ કીમત ન દેખાઈ
. લોકો હવે કહેતા થયા , 'ઉલામાથી ચુલામા પડ્યા' ભાઈ
સ્વતંત્રતાની રાત-
ભલે બધે ઘોર અંધકાર દેખાય
અંધકાર બાદ જ પ્રકાશ ફેલાય,
પ્રકાશ અને ઉલ્લાસ તો જરૂર આવશે
પરંતુ તે જોવાને અમ કદાચ ન રહીશુ
સ્વતંત્રતાની રાત-
ભારત દેસાઈ
******************************************