વિસ્મૃતિ
ઘડપણમાં વર્ષો જતા ઘણા વૃદ્ધોને વિસ્મૃતિનો રોગ લાગુ પડે છે અને કેટલીકવાર તો એવો સમય પણ આવે છેકે લોકોને ઓળખવામાં પણ મુશ્કેલી પડે છે. અંગ્રેજીમાં એને ડિમેન્સિયા અને છેલ્લે એક ભયજનક રોગમાં પરિણમે છે જેને અલ્ઝેમર તરીકે ઓળખવામાં આવે છે. એમાં માનવી દુનિયામાં એનું અસ્તિત્વ ગુમાવી દે છે. તે છતાં માનવી વૃદ્ધ અવસ્થામાં થોડી પ્રવૃતિઓ ચાલુ રાખે તો ઘણીવાર દર્દમય અવસ્થામાંથી બચી શકાય છે. પશ્ચિમી દેશોમાં વિસ્મૃતિના રોગોનું પ્રમાણ વધારે છે કારણકે ઘણા લોકો એકદમ પ્રવૃતિમય જીવનમાંથી વૃદ્ધાવસ્થામાં પ્રવૃત્તિવિહીન પરિસ્થિતિમાં આવી પડે છે. પૂર્વ અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગન પણ તેમના આખરી દિવસોમાં અલ્ઝેમર રોગથી પીડાઈને મૃત્યુને ભેટયા હતા. આવા ભયજનક રોગ માટે ઘણીવાર શારીરિક ઉણપો પણ જવાબદાર હોયછે પરંતુ વિસ્મૃતિના ભયાનક રોગોને ટાળી પણ શકાય છે જેના માટે વૃદ્ધ અવસ્થામાં અમુક પ્રવૃતિઓ કરવી આવશ્યક છે.
નિવૃત્તિ સમય દરમિયાન વૃદ્ધ અવસ્થામાં લોકસેવા કરતી પ્રવૃત્તિમાં ભાગ લઇ માનસિક રીતે મગજને પવૃત્તિમય રાખી શકાય છે. વૃદ્ધો પોતાના શોખો જેવાકે સંગીત , લેખન , નાટક , ફિલ્મો , ચિત્રકામ , નૃત્ય વગેરેમાં ભાગ લઇ પોતાને માનસિક રીતે પ્રવૃતિમય રાખી શકે છે. આવી પ્રવૃતિઓ પણ માનવીને માનસિક રીતે તંદુરસ્ત રાખી શકે છે.
બગીચામાં થોડો સમય કામ કરવાથી પણ સારો એવો ફાયદો માનસિક રીતે થઇ શકે છે. સવાર સાંજ દિવસના ૧૫ મિનિટ ચાલવાથી મન અને શરીર બંને પ્રફૂલ્લિત થાય છે . નિયમિત વાંચન , જુદી જુદી રમતો રમવાથી અને નવી ભાષાઓ શીખવાથી મગજને સારીએવી કસરત મળે છે.
શાસ્ત્રીય સંગીત સાંભળવાથી અને મ્યુઝિકલ વાજિંત્રો શીખવાથી પણ માનસિક તંદુરસ્તી વધે છે. પ્રવાસો મનુષ્યને માનસિક અને શારીરિક રીતે પ્રફૂલ્લિત રાખે છે. તે ઉપરાંત રાત્રે પૂરતી નિદ્રા અને દિવસ દરમિયાન પ્રાર્થના અને ધ્યાન કરવું પણ આવશ્યક છે.
કેટલાક ભયજનક રોગોને વૃદ્ધ અવસ્થામાં આપ પ્રયત્નો દ્વારા દૂર રાખી શકાય એના માટે પ્રયત્નો ચાલુ હોવા જોઈએ.
****************************************************