ભારતીય રાજકારણનું પતન
ભારતના રાજકારણમાં અધઃ પતન થયું છે એ આ વખતની ચૂંટણીમાં ચાલી રહેલી રાજકારણીઓની એક બીજા પ્રત્યેની ગાળાગાળી પરથી આવી જાય છે.
એમાં કોઈ પણ હોદ્દા કે નેતાનું માન જાળવવામાં આવતું નથી.
આપણા વડાપ્રધાનને ફેકુ, નીચ, અને જુઠ્ઠા કહેવામાં જરાપણ શરમ રાખવામાં આવતી નથી. રાહુલ ગાંધીને પપ્પુ અને અણસમજ કહેવું એક સામાન્ય વાત થઇ ગઈ છે. જયા પ્રદા જેવી અભિનેત્રી માટે રાજકારણમાં અનારકલી તરીકે ઉલ્લેખ કરવો એ એક સારી અને સંસ્કારી બાબત તો નથી જ. વડા પ્રધાન સામે એક મુખ્ય પ્રધાન ઉશ્કેરાઈ ને કહી નાખે કે એમને થપ્પડ મારી દઉ એમ થાય છે. જાણીતા અભિનેતા કમલ હસને તો નાથુરામ ગોડસેને હિન્દૂઆંતક વાદી તરીકે ચીતરી દીધો. એમાં એમનો 'આરએસએસ' પર સીધો હુમલો હતો.
આ બધું બતાવે છે કે આપણને મળેલી આઝાદી અને લોકશાહીને આપણે પચાવી શક્યા નથી. આપણે હજુ પણ એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ બજાવવામાં નિસ્ફળ નીવડી રહ્યા છે. સસ્તામાં મળી ગયેલી સારી વસ્તુઓને જવાબદારી પૂર્વક વાપરી શકતા નથી.
આ આઝાદી અને લોકશાહી પ્રાપ્ત કરવામાં આપણા સ્વાતંત્ર સૈનિકોએ કેટલો ભોગ આપ્યો છે એનું એમને ખ્યાલ નથી. એક લેખકે સાચું જ લખ્યું છે કે '
કેવી રીતે મળી આઝાદી ---
કેવી રીતે મળી આઝાદી એનો ખ્યાલ આજે ન આવે
કેટલી માતાઓના સૂના થયા તા ખોળા આજે યાદ ન આવે
આજે અમને મળી આબાદી, કઈ પણ કરી શકવાની આઝાદી
ઊંચા મસ્તકે ફરવાની આ ખુમારી કેવી રીતે આવી
એનો ખ્યાલ ના આવે, કેવી રીતે મળી આઝાદી એનો ખ્યાલ ન આવે
પરતંત્ર હતા તો નીચા મોઢે અન્યાયો સહી લેતા હતા ત્યારે
પરદેશોમાં પણ ક્યાં હતી પહેચાનો આપણી ત્યારે
માનપાન હવે બધે મળે છે ચારેબાજુ જયારે
ત્યારે ખબર નથી એની કિંમત કેટલી ચૂકવી છે આપણે
એનો ખ્યાલ ન આવે, કેવી રીતે મળી આઝાદી એનો ખ્યાલ ન આવે.
આથી દરેક ભારતીયની ફરજ બની રહે કે જવાબદાર નાગરિક તરીકે વર્તણુક કરે. અને દેશની આબરૂનું રક્ષણ કરે.
************************************