મોહ
મોહ જ બધા દુઃખોના મૂળમાં હોય છે . મોહમાંથી જ માયા ઉત્ત્પન થાય છે જે એક મૃગજળ સમાન છે . ઘણા સંતો વિદ્વાનો ,અને ચિંતકોએ મોહ પર સારું એવું લખી કે કહી ગયા છે. પુત્ર મોહ, પૈસામોહ , કીર્તિ મોહ અને અહમને સંતોષવાના મોહે જ દુનિયામાં મોટા સંગર્ષો, અને દુષણો ઉભા કર્યા છે. મોહ એ એક મૃગજળ સમાન શા માટે માનવામાં આવે છે? એ બાબતમાં એક વિદ્વાને કહ્યું છેકે ' આજે જે તમારું છે જે ગઈકાલે બીજાનું હતું. આવતી કાલે એ કોઈ ત્રીજાનું થઈને રહેશે .આવી વસ્તુને તમે તમારું છે એમ માનીને આનંદ માણો છે. એ મૃગજળ સિવાય બીજું શું છે.? આમાં તમે ખોટ્ટો આનંદ અનુભવી રહયા છો એજ આ દુનિયાનું મોટામાં મોટું દુઃખ અને શોકનું કારણ છે.
તે ઉપરાંત મોહને વશ થઇ માનવી પોતાના શરીરની તૃપ્તિ અર્થે પણ ઘણું કરે છે. પરંતુ એ શરીર પણ માનવીને ખબર નથી કે તેમનું નથી રહેવાનું અને માનવી પણ તેની સાથે રહેવાનો નથી . કારણકે મૃત્યુ એક સત્ય છે , અને મૃત્યુ બાદ શરીરનો નાશ થાય છે. મૂળમાં તો માનવી એ વિચારવું જોઈએકે ' એની પાસે જે છે તે એ જન્મ વખતે સાથે લાવ્યા નથી . અહીં જ મેળવ્યુંછે અને મ્ર્ત્યુ બાદ સાથે લઇ જવાના નથી. જન્મ અને મ્ર્ત્યુ સત્ય છે એમ ગીતાએ કહ્યું છે. આથી તમે અહીં આવવાની અને દુનિયામાંથી જવાની પક્રિયામાં કઈ મેળવ્યું નથી અને કઈ ગુમાવ્યું પણ નથી. એથી જ તો કહેવાય છે કે આ દુનિયા મિથ્યા છે.
આથી જીવનમાં જે મળે છે એમાં સંતોષ માની આનંદ માનવો આવશ્યક છે. આપણે માંગેલું મળે એમાં આનંદ માનવા કરતા પ્રભુ ને ગમે અને આપે એમાં જ આનંદ માની લેવું જોઈએ. એથી જ ગીતા કહે છે 'કર્મનું ફળ ઈશ્વર પર છોડી દેવું જોઈએ.' મિથ્યા મોહમાંથી બહાર રહેવાથી જ જીવનમાં સાચો આનંદ મળે છે.
એક કવિએ એથી વૈરાગીની જેમ વિચારીને લખ્યું છે કે-
હરિને ભજનારાને --
હરિને ભજનારાને માયાનો કોઈ મોહ નહિ
હરિનો આવે બુલાવોતો એને કોઈ ગમ નહિ
એને ભાઈઓ શું અને ભાંડુઓ શું?
ભગિની અને પત્ની શું?
પ્રભુના મિલન સિવાય એને કોઈ રસ નહિ
એને ઈર્શા ના અને અભિમાન નહિ
અહંમ તણો એનામાં અંશ નહિ
પ્રભુનો આવે બુલાવોતો એને કોઈ ગમ નહિ
હરિને ભજનારાઓને -
આથી માયાને દૂર કરવાથી જ બધા દુઃખો દૂર થઇ શકે છે.
સુખમય જીવન જીવી શકાય છે.
************************************