કુદરતનું સ્વર્ગ
કુદરતમાં જ સ્વર્ગ સમાયેલું છે એવું આપણા પૂર્વજો માનતા હતા એથી કુદરતના ભાગરૂપ નદી , સમુદ્ર, હિમપર્વતો, વાયુ , નીર, અગ્નિ અને ધરતી વગેરેની પુંજા કરતા. એમની જાળવણી કરતા. આથી કુદરત પણ એમના પર આફરીન રહેતી અને એમના અસ્તિત્વને જાળવવામાં હંમેશ અનુકૂળ રહેતી. પરંતુ પ્રગતિના નામે અથવા પોતાના સ્વાર્થ સાધવા જ્યારથી માનવોએ કુદરતને લૂંટવા માંડી ત્યારથી કુદરત રૂઠી છે અને હવે વાવાઝોડા, નદીઓમાં પૂર, દરિયાનું તાંડવ, હિમ પ્રપાત અને ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓ સામાન્ય થઇ ગઈ છે. હવામાન વિપરીતથઈ ગયું છે. માનવજાતને માટે વાતાવરણ વિષમય બની ગયું છે . રોગચાળો વધી ગયો છે.
ભૂતકાળમાં જે કુદરતને ખોળે માનવો અંતિમ જીવન ગાળતા તેને બદલે કુદરતી આપત્તિઓથી રિબાઈ રિબાઈને મરી રહયા છે . માનવો અને ધરતીતો એજ છે, ફક્ત કુદરતી વાતાવરણ બદલાઈ ગયું છે. આજે પણ સંતો , સાધુઓ કુદરતને શરણે જ રહે છે કારણકે એજ ધર્મ કહે છે.
ભૂતકાળમાં પણ સાધુ સંતો હિમ પ્રદેશોમાં કુદરતને ખોળે રહેતા અને અદ્રશ્ય થઇ જતા. મહાભારતમાં પણ શ્રી કૃષ્ણની સલાહ મુજબ પાંડવો પિતાનું રાજકાજ છોડીને સ્વર્ગમય હિમાલયમાં જ કુદરતને શરણે થયા હતા કારણકે આખરે કુદરતને ખોળે જ સ્વર્ગ સમાયેલું છે. એ સ્વર્ગમાં દિવ્ય માનવીઓ જ લાંબો વખત પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. એને કવિએ બહુજ સુંદર રીતે મૂક્યું છે.
હિમાલયની નીરવ શાંતિમાં -
હિમાલયની નીરવ શાંતિમાં ધર્મરાજ આંસુઓ વહાવે
કુદરત પણ વિલાપ કરે પ્રચંડ પડઘાઓના રૂપમાં
રઝળતા રઝળતા લોથપોથ થઈને ગુમ ભાઈઓને શોધે
જે કદી ન હતા, એમને છેહ દેનારા
હિમાલયની નીરવ શાંતિમાં -----
માથું ઠંડીમાં ફાટે, પણ દબાવી આપનાર નકુલ ક્યાં છે ?
થાકમાં ખભે લઇ દોડનારો ભાઈ ભીમ ક્યાં છે.?
કપરા કાળનો માર્ગદર્શક સહદેવ દેખાતો નથી
એમના એકજ શબ્દે ગાંડીવ ચઢાવનાર અર્જુન પણ ગુમ છે.
હિમાલયની નીરવ શાંતિમાં ---
ક્યાં છે મારા મિત્ર કૃષ્ણ, યાદવોના સ્વામી
મુસીબતોમાં ખડકની જેમ સાથે રહેનારા
બધા બાંધવોને બરફ ખાઈ ગયા છે.
નિરાશ ધર્મરાજ એકલા શ્વાન સાથે સ્વર્ગ દ્વારે જઈ ચઢયા
હિમાલયની નીરવ શાંતિમાં ----
ચારેકોર કુદરતી સૌંદર્ય જોઈને ધર્મરાજ અચરજ ઉભા
ગમ એટલોજ છે કે એ જોવા એના ભાઈઓ ન રહયા
ભારત દેસાઈ
ટૂંકમાં કુદરતનું સૌંદર્યમય સ્વરૂપ જ સ્વર્ગ છે.
*************************************