વૃદ્ધાવસ્થા
બુઝર્ગો જેઓ રાષ્ટ્રના ઘડતરમાં પોતાનો ફાળો વિવિધ ક્ષેત્રોમાં આપીને નિવૃત્ત થાય છે ત્યારે તેમની સાથે સમાજ કેવો વ્યહવાર કરે છે એના પર માટે સમાજનું મૂલ્યાંકન થાય છે. બુઝર્ગોનું સમાજ કેટલું સન્માન કરેછે અને સગવડો આપીને એમની નિવૃત્ત જીવન સરળ બનાવે એના પર જ સમાજની સંસ્કૃતિનો ખ્યાલ આવે છે. દુનિયામાં વૃદ્ધોનું જીવન ધારીએ એટલું સરળ નથી એમાં સમાજની એને મદદ અને સહાનુભૂતિ આવશ્યક છે.
પશ્ચિમી સમાજમાં વૃદ્ધોને યોગ્ય માન અને સ્થાન આપવામાં આવે છે. એમના માટે જુદી બેઠકો, વિકલાંગ બુઝર્ગો માટે જુદી વ્યવસ્થાઓ, એમના માટે અમુક દિવસોએ ઓછા ભાવથી વેચાણોની વ્યવસ્થા કરવામાં આવે છે. રેલવે/ વિમાન પ્રવાસમાં અને સિનેમામાં પણ ઓછી કિંમતે ટિકિટો આપી એમના જીવનને હળવું બનાવવામાં આવે છે. એમને ઉત્તમ મેડિકલ સગવડો એમની આવક પ્રમાણે પુરી પાડવામાં આવે છે . વાહન ધારકો માટે પણ બુઝર્ગોને લાગતા ઉત્તમ નીતિ નિયમો બનાવ્યા છે. જ્યારે બુઝર્ગો રસ્તા પરથી પસાર થતા હોય તો વાહનો તેમનાથી દૂર રાખવાના નિયમો બનાવવામાં આવ્યા છે. આ રીતે રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેનું એમનું ઋણ અદા કરવામાં આવે છે. સામાજિક સમારંભો એમને અગત્યનું સ્થાન પણ આપવામાં આવે છે. સરકાર એમની ફરિયાદોને મહત્વ આપેછે . એમના માટે જુદા જુદા કમિશનો બનાવવામાં આવ્યા છે જે એમની શારીરિક , આર્થિક જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. પરંતુ એમાં એકજ ઉણપ છેકે વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોની નાજુક લાગણીઓની ઘણીવાર અવગણના થતી હોય છે. એમાં સમાજની આર્થિક અને કુટુમ્બીક વ્યવસ્થા જવાબદાર બની રહે છે. ઘણીવાર બધી સગવડો સાથે બુઝર્ગોની સ્થિતિ મશીન સમાન બની રહે છે. કુટુંબીજનો તરફથી એમની ઈમોશનલ જરૂરિયાતઓ સમયને અભાવે સંતોષાતી નથી. એજ ભૌતિક સમાજની કમનસીબી છે. વૃદ્ધ અવસ્થામાં ઘણીવાર આર્થિક સાથે પ્રેમ અને કુટુમ્બીક કાળજીની પણ જરૂરિયાત હોય છે. આજ પશ્ચિમી સંસ્કૃતિની કમી છે.
પૂર્વની સંસ્કૃતિમાં સયુંકત કુટુંબ પ્રથાએ એક સમયે વૃદ્ધોની સ્થિતિ સારી હતી. એમનું સમાજમાં માન દરજ્જો જળવાઈ રહેતો હતો . એમના જીવનના અનુભવો અને જ્ઞાનનો ઉપયોગ કુટુંબમાં ઉપયોગમાં લેવાતો. ભારત, ચીન અને જાપાન જેવા દેશોમાં સમાન સંસ્કૃતિ અને સંજોગો પ્રવર્તતા હતા પરંતુ દેશોની ભૌતિક પ્રગતિએ અને ઉદ્યોગીકરણે માનવી પોતાની જાત અને પોતાના કુટુંબને મહત્વ આપવા માંડયું અને સંયુક્ત કુટુંબ તૂટવા મંડાતા કુટુંબોમાં વૃદ્ધોની પરિસ્થિતિ વિપરીત થવા માંડી. કુટુંબોમાં એમનું માન ઓછું થવા માંડયું અને એમને કુટુંબમાં એક બોજા સમાન કેટલાક લોકો માનવા લાગ્યા . આથી આજે ઘરડા ઘરો વૃદ્ધોથી ઉભરાવા માંડ્યા છે .અને ઘણા વૃદ્ધોની હાલત ખરાબ બની રહી છે. હવે સરકાર અને સમાજ વૃદ્ધો માટે જાત જાતની નાણાકીય સહાય અને કાયદાઓ બનાવી રાહત આપવા પ્રયત્નશીલ છે પરંતુ કુટુમ્બીક લાગણી અને પ્રેમ જેવી રાહત આવી ભૌતિક વસ્તુઓ વૃદ્ધોને વૃદ્ધાવસ્થામાં આપી શકે નહીં . ઘણીવાર વૃદ્ધોની અવગણના કરવામાં પણ આવે છે. ઘણા સભારંભોમાં એમને અલગ પાડી એમને દૂર પણ રાખવામાં આવે છે. કેટલીક યુવા વસ્તી એમને વપરાઈ ગયેલી શક્તિ સમજી એમની અવગણના પણ કરે છે. એ લોકો એ પણ ભૂલી જાય છે કે એક દિવસે તેઓ પણ વૃદ્ધાવસ્થામાં પહોંચવાના છે. આ સમાજની એક કમનસીબી જ ગણાય.
વૃદ્ધો વિષે જે સર્વેના આંકડા જોઈએ તો વૃદ્ધોની બેહાલી સમજી શકાય છે. સર્વે કહેછે કે ૫૦%વૃદ્ધોને જમવા જુદા બેસાડાય છે. ૨૦% ને સગવડો હોવા છતાં ઘરના લોકોથી અલગ રખાય છે. ૯૦%પુત્રોને કામ પરથી આવ્યા પછી માબાપ સાથે વાત કરવાનો સમય હોતો નથી . ૭૦% માં બાપને તમને શું સમજ પડે કહી ટાળવામાં આવે છે. ૯૦% માં બાપને સામેથી પૈસા વૃદ્ધ અવસ્થામાં માંગવા પડે છે . શરીર સારું નથી ચાલતું હોતું નથી. નજદીકના સગા સ્નેહીઓ, મિત્રો અને કદીક પતિ પત્નીમાંથી એક ચાલી જવાથી એકલા પડી જાય છે અને નવા નવા લોકો સાથે પારો પડે છે એનાથી એમની તકલીફો વધી જાય છે.
વૃદ્ધ પ્રત્યે દરેકનો અભિગમ ખરાબ હોય છે એમ કહેવું યોગ્ય નથી પરંતુ એમાં અપવાદોને ગણી શકાય નહિ . મૂળમાં તો બુઝર્ગોને એમની વૃદ્ધાવસ્થામાં પ્રેમ, લાગણી અને માવજતની પૈસા કરતા વધારે જરુરુયાત હોય છે. જે સમાજની અને કટુંબની ફરજ બની રહે છે.
***************************************