પુણ્ય ભૂમિ ગુજરાત
ગુજરાતની પુણ્ય ભૂમિ હજારો સાલથી પવિત્ર થયેલી છે. હજારો વર્ષ પહેલા ભગવાન કૃષ્ણે ગુજરાતમાં પોતાની રાજધાની દ્વારકા સ્થાપી એને પવિત્ર બનાવી દીધી હતી. આજે પણ આખી દુનિયાના હિંદુઓ જીવનમાં એકવાર એ ભૂમિના દર્શન માટે જરુર આવે છે.
મહાભારતકાળના દુર્યોધનથી તે આધુનિક યુગના વિવેકાનંદ્દ ટાગોર , નહેરુ જેવાએ કેટલીક વાર ગુજરાતની લટાર મારી ચુક્યા છે અને અહીંથી કૈક સારી પ્રેરણાઓ લઇ ગયા છે. વિવેકાનંદને અમેરિકા યાત્રાની પ્રેરણા અને મદદ ગુજરાતમાંથી જ મળી હતી. કોઈ પણ સદ્દવિચારને ગુજરાતે હંમેશા પ્રોત્સાહન અને મદદ આપી છે. હિન્દૂ ધર્મમાં આર્ય સમાજ દ્વારા પરિવર્તન અને સુધારા લાવનાર દયાનંદ સરસ્વતી એ ગુજરાતની જ દેણ છે.
હિંદુત્વની ભાવનાને દ્રઢ બનાવનાર રાષ્ટ્રીય સેવક સંઘની સ્થાપના ભલે નાગપુરમાં થઇ પરંતુ એમાં નેતાગીરી, ટેકો અને નાણા પુરા પાડનાર પણ ગુજરાત છે. ૫૫૦ થી વધારે દેશી રાજ્યોમાં વહેંચાયેલા ભારતને એક કરનાર સરદાર પટેલ ગુજરાતની ભૂમિની ભારતને ભેટ હતી ગાંધીજીએ ભારતને સ્વરાજ અપાવ્યું અને મહંમદ અલી ઝીંણા જેણે ભારતના ભાગલા કરાવ્યા એ બંને નેતાઓ ગુજરાતના જ હતા. એટલેકે ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા બંને ગુજરાતી હતા. ગુજરાતે આઝાદી પછી ભારતને મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી જેવા બે પ્રખર પ્રધાન મંત્રી પણ આપ્યા છે.
ગુજરાત પુરાણા કાલથી સમરુધ્ધ રહ્યું છે. ભારતના બધા જ રાજાઓ કે સમ્રાટો હંમેશા ગુજરાત જીત્યા વિના પોતાની જાતને અધૂરા સમજતા. તેઓ ગુજરાતની સમરુધ્ધિથી હંમેશા આકર્ષાયા હતા. મહંમદ ગઝનવી સોમનાથને લૂંટવા આવ્યો તો અકબરે ગુજરાતવિજયના ગર્વમાં પોતાની રાજધાની ફતેહપુર સિક્રીમાં બુલંદરવાજો બનાવ્યો .આજ ગુજરાતની સમરુધ્ધિની ઇતિહાસિક ગાથા છે. પોટુગીઝ , ડચ , અને અંગ્રેજો પણ સુરત બંદરે ગુજરાતના સમરુધ્ધ વેપારનો લાભ લેવા આવ્યા હતા . તે વખતે સુરત બન્દર પર ૫૬ દેશોના ઝંડાઓ ફરકતા હતા. આમ પણ ગુજરાતની સાહસિક પ્રજા સુમાત્રા, જાવા આફ્રિકા , મધ્ય એશિયા , અને યુરોપ સુધી પહોંચ્યા હતા. આજે પણ ગુજરાત વેપાર અને ઉદ્યોગોમાં આગળ છે જે ગુજરાતીઓની સાહસિકતા અને વેપારી લાક્ષણિતાને આભારી છે. કવિ ખબરદારે લખ્યું છે ને ' જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી. '
ગુજરાતની ઉત્તરમાં માં અંબા વસે છે .સૌરાષ્ટ્માં જ્યોતિર્લિંગ સોમનાથ અને દ્વારકામાં ભગવાન કૃષ્ણનું ધામ છે , મધ્ય ગુજરાતના ડાકોરમાં દ્વારકાધીશ છે. દક્ષિણ ગુજરાતમાં તડકેશ્વર મહાદેવ જેવા પવિત્ર ધામ છે. સૌરાષ્ટ્રમાંથી કલાપીનો કલરવ , નરસિંહ મહેતાના પ્રભાતિયાં , અને મેઘાણીના શોર્ય ગીતો આવ્યા તો ઉત્તર ગુજરાતમાંથી તાનારીરીના સંગીત નિપુણતા તો મધ્ય ગુજરાતમાંથી ગોવેર્ધનરામનો ભવ્ય ગ્રંથ સરસ્વતીચંદ્ર આવ્યો. નર્મદના ' યા હોમ કરીને પડો, ફતેહ છે આગે ' ના બુલંદ આહવાન પણ ગુજરાતને મળ્યા છે. બોટાદકરની પેલી કવિતા હજુ ગુજરાતમાં ગુંજે છે ' સાચે જ જનની જોડ જગે નહિ જડે રે લોલ. '
ગુજરાતની પુણ્ય ભૂમિમાં આજે પણ મોરારી બાપુની અને રમેશભાઈ ઓઝાની ધાર્મિક કથાઓ સંભળાય. ટાટા , અંબાણી , અદાણી અને અઝીઝ પ્રેમજી એવા ઉદ્યોગ પતિઓ આજે પણ ગુજરાતને સમૃદ્ધ બનાવી રહયા છે. નર્મદાના પાણી હવે ગુજરાતની રસાતાળ ધરતીને વધુને વધુ ફળદ્રુપ બનાવી રહ્યા છે. આવું છે રૂપાળું ગુજરાત -
"પશ્ચિમે ઘૂઘવાતો સાગર , પૃર્વે ગિરી માળાઓ છે
આવું રૂપાળું ગુજરાત જ્યાં સ્વર્ગમય દિન રાત છે
બનાસ, સાબરમતી વહે ઉત્તરે, મધ્યે નર્મદા અને મહી
દક્ષિણે તાપી અને અંબિકાએ લીલી જાજમ બિછાવી અહીં
નરસિંહના પ્રભાતિયાઓથી જ્યાં સૂર્યોદય થાય છે
કૃષ્ણ અને ગાંધીની ગાથાઓ જ્યાં રાત દિન ગવાય છે
પરદેશોમાં પર્વતો સાગરો અને ભવ્ય નદીઓ ત્યાં
તો પણ ગુજરાતીઓના ભૂલે ગુજરાતની માટી ત્યાં"
ભારત દેસાઈ
( અમેરિકામાં / કૅલિફૉર્નિયા ખાતે 'ગુજરાત દિવસ' ના સોવેનિયરમાં પ્રસિદ્ધ )
**********************************
No comments:
Post a Comment