Monday, February 1, 2021




આદર્શ નેતાઓ - લોકો માટે એક દ્રષ્ટાંત 

                                                                         ઉત્તમ નેતાઓજ દુનિયામાં બદલાવ લાવી શકે છે.  ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮માં   એક શખ્સે  મહાત્મા ગાંધીને ગોળીઓથી વીંધી નાખ્યા હતા . એવીજ રીતે અબ્રાહમ લિંકનને પણ એક સભાગૃહમાં વીંધી નાખ્યા હતા. પરંતુ બંને નેતાઓએ એમની કારકિર્દીમાં અજબ બદલાવ  લાવ્યા હતા . મહાત્મા ગાંધીએ ભારતને આઝાદી અપાવી અને એમના  માર્ગ દુનિયાના બીજા પરાધીન  દેશોને પણ આઝાદી માટે તૈયાર કર્યા અને તેમને પણ આઝાદી અપાવી. એમનું જીવન શુદ્ધ અને આદર્શમય હતું. લોક સેવા સિવાય એમને બીજો કોઈ ઉદ્દેશ ન હતો. 'મારું જીવન જ મારો સંદેશ છે'  દ્વારા એમણે કરોડો લોકોને સાદું, નીતિમય અને ધાર્મિક જીવન જીવતા શીખવ્યું . 



                                                          એવી જ રીતે અબ્રાહમ લીન્કને અમેરિકામાં ગુલામી પ્રથા દૂર કરી રંગભેદ ને નાબૂદ કર્યો.  એમણે એમના જીવનમાં અમુક સિદ્ધાંતોનું પાલન કરીને લોકોમાં દાખલા  બેસાડ્યા. એમના દીકરાને એની સ્કૂલમાં બીજા બધા વિદ્યાર્થીની જેમ જ  ગણવાની એના શિક્ષકોને તાકીદ કરી હતી.  એમનો  શિક્ષકને લખેલો એ  પત્ર  આજે પણ  ઇતિહાસિક  બની ગયો છે. તેઓ માનતા કે દરેકને 'સમાન માનવાના' બંધારણીય હક્કો છે. એમનું સાદું જીવન અને આદર્શમય સિદ્ધાંતો અમેરિકન લોકો માટે એક સંદેશ રૂપ બની ચુક્યા છે.



     


                                                   

 નેતાઓ સાદું અને સિદ્ધાંત પ્રેરિત જીવન સમાજમાં લોકોની દ્રષ્ટિમાં પણ બદલાવ લાવે છે. સ્વાર્થી અને નીતિ વગરના નેતાઓ સમાજમાં  દુરાચાર ફેલાવી શકે છે.  એથી નેતાઓના દુરાચારને લીધે જ આજે દુનિયામાં ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. લાલબહાદુર જેવા નેતાઓને આજે પણલોકો યાદ  કરે છે કારણકે એમણે એમના સાદા અને સ્વચ્છ જીવન દ્વારા લોકોમાં દાખલો બેસાડ્યો હતો. એમણે કાર ખરીદવા માટે બેંક પાસેથી લોન લીધી હતી.  ભારતના  વડા  પ્રધાન હોવા છતાં એમની પાસે કોઈપણ મૂડી ન હતો. તેઓ પ્રધાન હોવા છતાં પણ એની જાણ એમની માતાને  ન હતી કારણકે  તેઓ માનતા કે તેમની ' માં' ભૂલથી પણ એમના હોદ્દાનો ઉપયોગ ન કરે. એમનું જીવન જ લોકો માટે એક દ્રષ્ટાંત બની રહ્યુ  છે .  પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ પણ એમની જે કઈ થોડી બચત એમના સરકારી આવકમાંથી મળી હતી તે કુટુંબ ને આપવાને બદલે  વિદ્યાપીઠને આપી દીધી હતી. એમને મળેલી નાની મોટી કિંમતી  ભેટો પણ લોકસંસ્થાઓને આપી દીધી હતી.  આજે તો કેટલાક નેતાઓએ રાજકારણને  એક આર્થિક ઉત્પાદનનો  ધંધો બનાવી દીધો છે જે લોકોને  ગલત સંદેશો આપે છે.



                                          અમેરિકન પ્રમુખ  ટ્રુમેન સામાન્ય કુટુંબમાંથી  આવતા હતા અને ધંધામાં પણ એમને સફળતા મળી ન હતી .  તે છતાં મહેનત અને ઈમાનદારીથી અમેરિકાના પ્રમુખના પદે પહોંચ્યા હતા.  બીજા વિશ્વ યુદ્ધનો અંત લાવી  શાંતિ સ્થાપવામાં એમનો મોટો ફાળો હતો.  એમણે અમેરિકાને યુદ્ધ દરમિયાન   બહાદુર નેતાગિરી  પુરી  પાડી  હતી.  પરંતુ એમનું જીવન સાદું અને પ્રામાણિક હતું.  વાઈટ હૉઉસ છોડ્યા પછી એમની પાસે રહેવાનું ઘર ન હતું એટલે એમણે એમના સાસુના ઘરમાં રહેવું પડ્યું હતું. નિવૃત્ત પ્રમુખને મળતું ૨૫૦૦૦ ડોલરના વાર્ષિક પેંશનમાંથી જ પોતાનું  જીવન વિતાવ્યું હતું. એ પહેલા પ્રમુખ હતા જેણે રાજ્ય તરફતી મળતા સ્વાસ્થ્ય લાભ' મેડિકેર' નો ઉપયોગ કર્યો હતો.  કેટલાએ પ્રમુખો એમના નિવૃત્તિ સમયમાં કરોડો ડોલરના માલિકો હોય છે.  ટૂંકમાં  'ટ્રુમેન વાઈટ હૉઉસમાં   કઈ પણ  લીધા વગર આવ્યા હતા ને કઈ પણ લીધા સિવાય સામાન્ય માણસની જેમ  ગયા હતા' . આજ એમના સ્વચ્છ  રાજકીય જીવનનો પુરાવો છે.  લોકો માટે અને રાજકારણીઓ માટે ઉમદા દ્રષ્ટાંત છે.

                                           આદર્શ  નેતાઓજ  સમાજમાં બદલાવ લાવી શકે છે.

                                       ********************************************* 

                        

No comments:

Post a Comment