Tuesday, December 19, 2023



 ચીનની આર્થિક  પડતી 

                                                   ચીન આખી દુનિયામાં પોતાનો સસ્તો માલ વેચીને આર્થિક સંપત્તિઓ ઉભી કરી છે. આથી એ અમેરિકા જેવા સુપર શક્તિશાળી દેશને પણ હંફાવવા પ્રયત્ન કરી રહ્યો છે. એક તો ચીન સરમુખત્યાર  દેશ છે અને  એના લોકોને ઓછા વેતન દ્વારા કામ કરાવી તૈયાર માલ પરદેશમાં વેચી  સારું એવું નાણું  ભેગું કરે છે. અને એ નાણાંની મદદથી દુનિયામાં પ્રભુત્વ જમાવી રહ્યું  છે.  ચીની માલ  દેખાવમાં સુંદર અને સસ્તો હોય છે પરંતુ એટલો ટકાવ  હોતો નથી.



                                     એક વાતમાં તથ્ય  છેકે ભેગીકરેલી સંપત્તિથી  ચીન આખી દુનિયા પાર દાદાગીરી કરી રહ્યું છે. દાદાગીરી એટલી હદે છે કે ચીનને અડીને આવેલા આશરે અઢાર જેટલા દેશો સાથે એનો સરહદ અંગેનો ઝગડાઓ છે. તે ઉપરાંત ગરીબ અને  પૈસાના તંગી વાળા દેશોની કુદરતી સંપત્તિઓ હડપ કરવા તેમને આર્થિક સહાય આપે છે અને પછી એનું શોષણ કરવાની એની નીતિ છે. એમાં તાજોજ દાખલો શ્રી લંકા અને આફ્રિકાના પણ અનેક દેશો છે. 

                                     અમેરિકન પ્રમુખ ટ્રમ્પએ જ્યારથી ચીન સાથે અસહકાર અને વેપારી લડત ચલાવી ત્યારથી ચીનની પનોતી બેઠી છે.  અત્યારના અમેરિકન  પ્રમુખ બાઇડને પણ એ લડત ઘણે અંશે ચાલુ રાખી છે. અમેરિકન કંપનીઓએ પણ પોતાની ઓફિસો ચીનમાંથી ખસેડવા માંડી છે. એનાથી ચીનને સારું એવું આર્થિક નુકશાન થયું છે. અમેરિકાએ   ઊંચ કક્ષાની હાઈ ટેક  માહિતી  ચીનને આપવા સામે પ્રતિબંધો લગાવ્યા છે.

                                     તે ઉપરાંત ચીનની આર્થિક નીતિ પણ હવે નિષફળતા તરફ જવા માંડી છે.  આર્થિક પ્રગતિનો વાર્ષિક દર  ૩.૨%  પહોંચી ગયો છે. ઘરોની કિંમત પણ ઓછી થઇ રહી છે. આથી ઘર બાંધતી કંપનીઓ હવે તકલીફમાં  આવવા માંડી છે. વેપારમાં રોકાણ , નિકાસ  અને  લોકોની ખરીદ શક્તિ ઓછી થઇ ગઈ છે. આખી દુનિયામાં અત્યારે ભાવ વધારો ચાલી રહ્યો છે જયારે ચીનમાં અત્યારે ચીજોના ભાવ તદ્દન ઉતરી  રહ્યા છે કારણકે લોકોની ખરીદ શક્તિ તદ્દન નીચે ગઈ છે. આ આર્થિક રીતે ખરાબ ચિન્હ છે.



                                  લોકોના દેવા પણ વધી રહ્યા છે. તે ઉપરાંત મજબૂત , સફળ અને સાહસિક ઉદ્યોપતિઓને  કાબુમાં રાખવા માટે  ૨૦૨૦માં એમના પર સરકાર દ્વારા   હુમલા  કરવામાં આવ્યા.  મજબૂત અને સફળ લોકો પર કાબુ જમાવવા જતા  એના પ્રત્યાઘાતો ઘણા વિપરીત પડ્યા અને એથી ચીનને આર્થિક રીતે સહન કરવો પડ્યો. આ બધા માટે સત્તાને એક જગાએ કેન્દ્રિત કરવાની નીતિ જવાબદાર માનવામાં આવે છે.  સરમુખત્યારીની આ મોટામાં મોટી નિર્બળતા હોય છે.

                                           ચીનની વસ્તી પણ હવે  વૃદ્ધાવસ્થા  તરફ આગળ  વધી રહી છે. ચીનનો જીડીપી ઘટી રહ્યો છે.  અમેરિકા એક વખત માનતું હતું કે ચીનની  આબાદી સાથે ચીનમાં લોકશાહીના ઉદયને  તક મળશે પરંતુ એનાથી ઉલટુંજ બની રહ્યું છે. સરમુખત્યારીના મૂળિયાં જડ બની રહ્યા છે અને અંતે ચીનની પ્રગતિને નુકસાન રૂપ બની ગયા છે.

                                          મૂળમાં સરમુખત્યારીનું  ચિંત્ર થોડા સમય માટે સુંદર લાગે પરંતુ અંતે તો તો એનું કદરૂપ ચહેરો બતાવી જ દે છે.

                                             ************************************

                                             

                                                

Tuesday, December 12, 2023



હાયપરલૂપ ટ્રાન્સપોર્ટેશન   

                                 ભારતના વિકાસમાં નવસર્જન કરવાની  આવડતમાં  ભારતીય  યુવાનો પાછા પડે એમ નથી.  ભારતીય શિક્ષણ સંસ્થાઓ પણ તેમાં સહકાર આપી રહી છે. એમની ઉચ્ચ કક્ષાની સંસ્થાઓ ઇન્ડિયન  ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ આખા વિશ્વમાં એવી વ્યક્તિઓ પુરી પાડી છેકે જેણે દુનિયાનો ચહેરો બદલી નાખ્યો છે.

                                 મોટી અમેરિકન કંપનીઓ  'માઇક્રોસોફ્ટ' અને  'ગૂગલ'  પણ હવે ભારતીયઓ જ ચલાવી રહ્યા. તે ઉપરાંત અનેક અમેરિકન કંપનીઓમાં ૪૦ % જેટલા ભારતીય યુવાનો  કામ કરી રહ્યા છે. એમાં  ઉચ્ચ  કક્ષાએ બેઠેલા કેટલાએ યુવાનો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના જ ફરજંદ છે. આવી જ એક ચેન્નાઈની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ તાજેતર દુનિયામાં નામ ઉજાળ્યું છે.  એના વિદ્યારથીઓએ પ્રવાસમાં ક્રાંતિ લાવે એવું એક 'હાયપરલૂપનું  'પ્રોટોટાઈપ મોડેલ '  રજુ કર્યું છે.



                                 તે  હાઈસ્પીડ ટ્રેન કરતા પણ વધુ ગતિથી દોડી શકે છે.  એરોપ્લેનની ગતિ સારી એવીહોય છે પણ એ અવાજ અને હવામાં પ્રદુષણ વધારે છે. તે ઉપરાંત એને  મોટા એરપોર્ટ અને એના માટે વિશાળ  જમીનની જરૂર પડે છે.  જયારે 'હાયપરલૂપ' વાહનમાં અવાજનું અને વાયનું  પ્રદુષણ થતું નથી અને એને ટ્રેન સ્ટેશન જેવી જ જગ્યા ની  જરૂર હોય છે.

                                     સવાલ એ છેકે હાયપરલૂપ ટ્રાન્સપોર્ટેશન  છે શું ?  એ વેકક્યુમ ટ્યુબમાં ચાલે છે અને એની  ગતિ કલાકના  ૧૦૦૦ થી ૧૨૦૦ માઈલની  હોય છે. એટલે ચેન્નાઈથી બેંગ્લોર  ૨ કલાકમાં પહોંચી શકાય છે.  એમાં કોઈ પૈડાં હોતા નથી એથી ઘર્ષણ પણ ઓછું થાય છે.  એ એક બહુજ મોટો પ્રોજેક્ટ છે જેને ' ઇન્ડિયન રેલવે ' 'ટાટા સ્ટીલ ' અને  'એલ એન ટી 'જેવી કંપનીઓ આર્થિક મદદ કરી રહી છે.



                                      આ પ્રોજેક્ટનો જો   સફળતા પૂર્વક અમલ કરવામાં આવશે તો ભારતના 'પ્રવાસન' અને ટ્રાન્સપોર્ટેશન 'ઉદ્યોગમાં ક્રાંતિ લાવી દેશે  અને ભારતને દુનિયામાં સુપર પાવર તરીકે ઉભારવામાં બહુ જ મદદરૂપ થશે એમાં શંકા નથી.

                                  *********************************

 

Sunday, December 3, 2023



સુખનું  રહસ્ય 

                                               સુખનું રહસ્ય  માણસના પોતાના હાથમાં જ હોય છે. માણસના પોતાની જીવવાની રીત પરએનો આધાર છે. માણસની પોતાના શોખ , શરીરની તંદુરસ્તી  અને એની માનસિક   સ્થિતિ , અને આદતો પણ એના સુખને માટે જવાબદાર હોય છે.

                                             શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરિયાત પૂરતી ઊંઘ  લેવી જરૂરી છે.દરરોજ કસરત કરીને  શરીરને તંદુરસ્ત રાખી શકાય છે. તે ઉપરાંત  કુદરતને શરણે જવાથી શરીર તાજગી અનુભવે છે. ખુલ્લી હવામાં ફરવું અને પર્વતો પર મર્યાદામાં  ચઢાણ કરવું કે  પછી નિયમિત ચાલવું પણ  આવશ્યક છે . આપણામાં કહેવત  છેકે ' જાતે નર્યા એ પહેલું સુખ છે.

                                             તમારા શોખ  પણ  એવા  હોવા  જોઈએ કે જેમાં તમને  રસ  હોય  અને તમને આનંદ આપતા હોય . નવી નવી જગાઓનો પ્રવાસ  અને તે પણ મિત્રો અને કુટુંબના સભ્યો સાથે જેની સાથે સારો મેળ હોય. લેખન અને સાહિત્યમાં  રસ લેવાથી પણ અનોખો આનંદ મળે  છે. સંગીત અને નૃત્યમાં રસ લેવાથી પણ મન આનંદિત રહે છે.



                                              તે ઉપરાંત સારી માનસિક આદતો પણ માણસને  માનવીય બનાવી અનોખો આનંદ આપે છે. કોઈ પણ માણસ જો તમને કોઈ પણ જાતની નાની મોટી મદદ કરે છે તો એના તરફ કૃતજ્ઞતા બતાવવાથી માનવીય સુખ મળે છે. બીજાને નિશ્વાર્થ ભાવથી મદદ કરવાથી પણ  માનવી સુખ અનુભવી શકે છે.તે ઉપરાંત બીજાની સાથે હસતું મુખ રાખવાથી  બીજાને અને પોતાને પણ સંતોષનો  અનુભવ થાય છે. તે ઉપરાંત જો કોઈ તમને દુઃખ પહોંચાડે તો  એને માફ કરવાથી  દિલ હલકું થઇ જાય છેને દુઃખ પણ દૂર થતું જાય છે. અને સુખનો અનુભવ થાય છે.  સુખી થવાનો  એક રસ્તો એવો છેકે   માનવીએ પોતાની વર્તણુક  હંમેશા બીજાની સાથે  સારી હોવી જોઈએ જેથી બીજાને દુઃખ ન  થાય. કારણકે બીજાના સુખમાં પણ આપણે ઘણીવાર  આંનંદ અનુભવીએ છીએ .



                                     જો માનવી પોતાની મર્યાદાઓ સમજી જાય તો એને દુઃખનું કારણ રહેતું નથી અને એ સુખી રહે છે. જો માનવીએ મર્યાદા સમજવી હોય તો એને તત્વજ્ઞાનની જરૂરિયાત છે.  ધ્યાન , પ્રાર્થના ,અને પ્રભુમાં શ્રદ્ધા રાખવાથી માનવીય મર્યાદાનું જ્ઞાન સહેલાયથી પચી જાય છે અને પછી દુઃખને સ્થાન હોતું નથી અને માનવી સુખની પ્રાપ્તિ થાય છે.

                                    આજ સુખનું રહસ્ય છે.

                                   ************************************