મુક્તિનો માર્ગ
આપણા શાસ્ત્રોમાં તિબેટમાં આવેલા કૈલાસ ધામ અને માનસરોવર પહોંચવાથી મુક્તિ મળે છે એમ માનવામાં આવે છે. મહાભારતમાં પાંડવોએ પણ અંતિમ પડાવમાં હિમાલયમાં ગમન કર્યું હતું અને એ લોકો પણ સ્વર્ગ ધામ આખરે કૈલાશ ધામ પહોંચ્યા હશે જ્યાં તેમણે પોતાના શરીરનો ત્યાગ કરી સ્વર્ગે સિધાવ્યા હશે.એમ પણ કહેવાય છેકે ધર્મરાજ યુધિષ્ઠિર સ્વર્ગ દ્વારે પહોંચ્યા હતા બાકીના બધા ભાઈઓ બરફમાં ઓગળી ગયા હતા. આતો એક ધાર્મિક વાત છે.
કૈલાશને સ્વર્ગ ભૂમિ માનવામાં આવે છે જ્યાં શિવનો વાસ છે જે ત્યાગ અને સાદાઈનું એક પ્રતીક છે. શિવ એ સુંદરતા અને સત્યના પ્રતીક છે. શિવની સુંદરતા અને સત્યમાં જ મનુષ્ય જીવનનો મુક્તિ માર્ગ છે.
મહામૃત્યુંજય સ્લોકને લોકો બોલે છે એને સાચા અર્થમાં સમજવો મુશ્કેલ છે. કેટલાક કદાચ માનતા હશે કે એ મૃત્યુ પર વિજય મેળવી અમર બનાવે એવો મંત્ર છે. પરંતુ એના મૂળમાં મુક્તિના માર્ગ નો ઉકેલ હોય એમ લાગે છે.
મુક્તિનો માર્ગ એટલે જન્મો જન્મના ફેરામાંથી મુક્ત થવાની માનવી ખેવનાનો માર્ગ છે . એમાં માનવીય અમરતાની પ્રાપ્તિને કોઈ સબંધ નથી.
શિવની સાથે સત્યમ , શિવમ અને સુન્દરમ સંકળાયેલા છે. એમાં સુંદરમ એ માનવીય પ્રકૃતિ સાથે સંકળાયેલા સદ્દગુણો વિશેનો ઉલ્લેખ છે. મુક્તિના માર્ગમાં આધ્યામિકતા સાથે માણસે અમુક ગુણોને જીવનમાં ઉતારવા આવશ્યક છે જે માનવીય જીવને સહેલાઈથી મુક્તિ માર્ગે લઇ જાય છે. એટલેકે જીવને જન્મો જન્મમાંથી મુક્તિ અપાવી શકે છે.
એમાં મનુષ્યે અહંમ , ઈર્ષા અને દ્વેષને દૂર કરવા જોઈએ જે મનુષ્ય પ્રકૃતિના મોટામાં મોટા દુશ્મન છે. તે ઉપરાંત કોઈ જો અપમાન કરેતો એને ક્ષમા આપવાની પણ શક્તિ કેળવવી જોઈએ. અહિંસા દરેક જીવો પ્રત્યે હોવી જરૂરી છે. યોગ્ય માણસોની કદર કરવાની ઉદારતા પણ દાખવવી પણ જરૂરી છે.
ટૂંકમાં જીવને મુક્તિ અપાવવા પહેલા મનુષ્યે આ જગતમાં બધા અવગુણોનો ત્યાગ કરી પોતાને નિરાકારી બનાવી દેવી જોઈએ જેથી મુક્તિનો માર્ગ સરળ થાય,
શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે આપણે આપણા પિતૃઓના જીવોની મુક્તિ માટે ધાર્મિક ક્રિયા જરૂર કરીએ કારણકે એમાં એમના તરફનો પ્રેમ અને સદ્ભાવ પ્રગટ કરી શકીએ છીએ. પરંતુ પોતાના જીવની મુક્તિ માટે મનુષ્યે પોતાના જીવનમાં જ પ્રયત્ન કરવો રહ્યો. એજ જીવનનું સત્ય છે. આજ વસ્તુ ભગવાન કૃષ્ણે ગીતામાં વિસ્તારથી વર્ણવેલી છેકે મુક્તિ અને મોક્ષ માટે મનુષ્યે પોતે જ પોતાના જીવન દરમિયાન શુદ્ધ પુરુષ થવું આવશ્યક છે.
મૃત્યુ પછી જીવનું શું થશે એ કહેવું મુશ્કેલ છે. પણ સદ્દગુણી માણસોના જીવ મોક્ષ પામે છે એમાં બહુમતી લોકો સંમત થશે એમાં શંકા નથી.
*******************************************
No comments:
Post a Comment