Monday, February 12, 2024



હોશિયારી અને ડહાપણ      

                                               હોશિયારી  અને ડહાપણ હંમેશા સાથે જતા નથી. એટલેકે એકજ વ્યક્તિમાં  એ બંને ગુણો સાથે હોવા મુશ્કેલ છે. અને જ્યા એ બંને સાથે જોવામાં આવે છે તે વ્યક્તિ માટે સફળતા હંમેશા વરમાળા પહેરાવે છે. એનું કારણ એ બંને ગુણોમાં તફાવત પણ છે.

                                               હોશિયાર વ્યક્તિઓ હંમેશા તર્ક અને વિજ્ઞાનિક કારણોને વધારે મહત્વ આપે છે.  હોશિયારો હંમેશા ચર્ચા અને વિવાદ કરતા હોય છે. જયારે ડહાપણ વાળા સમાધાન શોધતા હોય છે.  હોશિયારો પોતાના જ્ઞાનની શક્તિ બતાવતા હોય છે.



                                               ડહાપણવાળા પોતાના આત્મબળથી આગળ વધે છે. એ  લોકો લાગણી અને પ્રેમથી બીજાને જીતવા  પ્રયત્ન કરે  છે. અને  હરીફ ને માફ કરી દે છે. તેઓ નેતાગીરીને બદલે લોકોને માર્ગદર્શન આપે છે. તેઓ અનુભવમાંથી શીખવા માગે છે. એમની વિચારશરણી બહુજ મરડાય એવી હોય છે. અને એ બીજાઓને શિખામણ આપે છે અને પછી એનો અમલ એ વ્યક્તિ પાર છોડી દે છે. તેઓ લાંબા પ્રવચનોને સાંભળી લે છે પણ જે કહેવાનું રહી ગયું હોય છે એનું પણ અધ્યયન કરી લે છે. ડહાપણ ધરાવતી વ્યક્તિઓ જરૂર કરતા વધારે બોલતા પણ નથી.



                                              હોશિયાર માણસોની પ્રકૃતિ જુદી  હોય છે. એ હંમેશા પોતાના જ્ઞાનથી બીજાને શિખામણ આપે છે.અને ઘણીવાર કહે  છે કે 'એને બધુજ જ્ઞાન છે'. તેઓ દરેક વસ્તુમાં પોતાના મતને વળગી રહેવા પ્રયત્ન કરે છે. એમનામાં નેતાગીરી કરવાની તમન્ના હોય છે. એમને ઘણીવાર વણમાગી સલાહ આપવાની વૃત્તિ હોય છે. એ  બીજા  જે કહે એને સમજી શકે છે.  હોશિયારો  હજારો અને લાખોને  કાબુમાં રાખવા પણ પ્રયત્ન  કરે છે. 

                                                    ટૂંકમાં હોશિયારી એ સારી વસ્તુ છે  પરંતુ ડહાપણ પણ સારું પરિણામ લાવે છે. એ બંનેનો મેળાપ એ સોનામાં સુગંધ જેવો છે.

                                     ***************************************** 

No comments:

Post a Comment