Thursday, August 8, 2019


જીવન જીવવાની કળા
                                                                   જીવનમાં બીમારીઓ અને માનસિક રોગોથી પીડાતા લોકો દવાઓ  ખાય છે. કસરતો અને યોગા દ્વારા પીડાઓનો નિકાલ કરવા પ્રયત્ન કરે છે. પરંતુ એનાથી પીડાઓમાંથી  તદ્દન મુક્તિ મેળવી મુશ્કેલ બને છે. આપણામાં કહેવત છે કે ' પહેલું સુખ તે જાતે નર્યા' એટલેકે જ્યા સુધી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ન હોય ત્યાં સુધી કોઈ પણ જાતનો  આનંદ ભોગવવો મુશ્કેલ છે. ખરા અર્થમાં સુખી થવા માટે માનસિક અને  શારીરિક  તંદુરસ્તી  સિવાય  શક્ય નથી.
                                                                એને માટે જીવન તરફનો આપણો અભિગમ બદલવાની જરૂરત છે.  આપણી દ્રષ્ટિ બદલવાની જરૂરત  છે .  ઘણીવાર આપણે સુખની શોધમાં આખી જિંદગી વેડફી નાખીએ  છીએ.  જાણીતા લેખક શયદા એ  એની શાયરીમાં   નિરાશામય  જીવન જીવી એને વેડફી નાખતા  લોકો માટે  લખ્યું છે કે ' અમસ્તી   વેડફી નાખું છું  એનું  કારણ છે ,જરૂરથી વધારે જિન્દગાની  લઈને આવ્યો  છું. '  જિંદગી એ પ્રભુએ   માનવીને આપેલી અમૂલ્ય ભેટ છે એને જીવી જાણવી જોઈએ. એટલા માટે આપણે  દષ્ટિકોણ અને આપણા બીજાસાથેના  વ્યહવાર  બદલવાની  જરુરત  છે.
                                                              ઘણાખરા રોગોના મૂળમાં   કાલ્પનિક માનસિક ચીજો હોય છે. તે ઉપરાંત અનિયમિત  જીવન પણ  એને માટે  જવાબદાર હોય.  એનાથી  નિદ્રામાં અડચણ થાય છે.  કલાકો સુધી  નિદ્રા લીધા પછી પણ  એ ઊંડી અને ઉત્તમ કક્ષાની ઊંઘ હોતી નથી. આવા સંજોગોમાં  માનવી થાક અને  બેચેની અનુભવે છે અને સુખ તથા  આનંદનો અભાવ અનુભવે છે. આવા સંજોગોમાં  તબિયત બગડે છે. આથી સુખમય અને તંદુરસ્ત  જીવન માટે સારી ઊંઘની જરૂરત છે.

                                                            લાગણીઓ પર પણ અંકુશ રાખવો આવશ્યક છે. નાની બાબતોમાં  છેડાઈ જવું એ જીવન માટે હાનિકારક  છે. કાલ્પનિક ભયોથી ઉશ્કેરાઈ જવાથી  એની અવળી અસર માનવીના જીવન પર પડે છે. આથી લાગણીઓને અંકુશમાં રાખવા માટે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂરત છે. એનાથી જીવનમાં આનંદ વધે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે.
                                                         'ચિંતા એ ચિતા સમાન છે'. એ કાલ્પનિક હોય છે. એના પર આપણો કોઈ અંકુશ નથી હોતો. પરંતુ એ જીવનમાં તણાવ વધારે છે.  તણાવ બ્લડ પ્રેસર , હૃદયરોગને  જેવા રોગોનું  મૂળ છે. આથી જે વસ્તુ પર આપણો કાબુ નથી અને ભવિષ્ય માં બની શકે  એ વસ્તુપર  તણાવ વધારવો  એ સારી નિશાની નથી. આથી તણાવને  દૂર રાખી મનને વાળવાની  કળા શીખવાની જરૂર છે. એમાં પણ સકારત્મક દ્રષ્ટિકોણ મદદ રૂપ બની રહે છે.

                                                          સુખ અને શાંતિમય જીવન જીવવા માટે  પ્રભુમાં શ્રદ્ધાની  જરૂરત છે કારણકે જીવનમાં ઘણી વસ્તુઓ બને છે અને બનવાની છે એના  માટે  કઈ કરી શકાતું નથી. એટલા માટે કેટલીક વસ્તુ પ્રભુ પર છોડવાથી જીવન શાંતિમય અને આનંદમય  બની રહે છે.   આજ જીવન જીવવાની  ઉત્તમ કળા છે.
                                  ****************************************
           

No comments:

Post a Comment