Thursday, August 22, 2019



લોકશાહીની પરિપક્વતા
                                                                          ભારતમાં અને અમેરિકામાં  લોકશાહી છે. ભારત એ દુનિયાની મોટામાં મોટી લોકશાહી છે.  પરંતુ  લોકશાહી ત્યારેજ સફળ નીવડે કે જયારે લોકો પોતાના હક્કો સાથે  એમની ફરજો પણ સમજે. બધું સરકારજ  કરે તો  લોકશાહી ચલાવવી મુશ્કેલ બને છે. એમાં રાજનેતાઓ અને નાગરિકોનો સહકાર જરૂરી છે. લોકશાહી તો મળી જાય છે પરંતુ  માનસિક રીતે લોકશાહીનો અમલ કરવો મુશ્કેલ બને છે.

                                           અમેરિકામાં લોકશાહી ખરા અર્થમાં જામી છે. લોકો પોતાના  હક્કો માટે  જાગૃત છે અને પોતાની દેશ  પ્રત્યેની ફરજ બજાવતા રહે છે.અમેરિકન લોકો  લાઈન  ઉભા રહી પોતાના ટર્નની  રાહ જુએ છે. અને  લાઈનમાં એકબીજાથી અંતર રાખી સંયમથી ઉભા રહેછે.ઍ ઉત્તમસજાગ  નાગરિકતાનો નમૂનો છે  ત્યાં કાયદાઓનું પાલન સરકાર કરાવવા  કરતા નાગરિકો  વધારે જાગૃતતાથી પાલન કરે છે.  એના કેટલાએ દાખલાઓ છે. કચરો નાખવા માટે અમેરિકનો કચરા પેટીઓ શોધે છે અને એમાં જ નાખે છે. કોઈની મોટર કાર ને નુકશાન થયું હોય તો નુકશાન કરનાર એના માલિકની ગેરહાજરીમાં એના વિન્ડશિલ્ડ પાર એનું નામ અને સરનામું લખી જાય છે. જેથી કાર માલિક એનું નુકશાન વસુલ કરી શકે. ટ્રાફિકના કાયદાનું ઉલ્લઘન માટે નો દંડ કોઈ પણ જાતની દલીલ વગર પોલીસને ભરી દે છે.  અમેરિકન લોકશાહીમાં ગુનાઓ માટે સજાનો રસ્તો બહુ ટૂંકા સમયનો હોય છે. ન્યાયપાલિકાઓ ન્યાય કરવામાં બહુજ ગતિશીલ હોય છે. ઘણાખરા ગુનાઓ માં ગુનેગારો પોતાના ગુનાઓ કબૂલ કરી લેછે કારણકે જૂઠ બોલવાની સજા વધુ હોયછે. એમાં નાગરિકોનો સહકાર મળી રહેછે. ૯૭% લોકો કર ભરે છે. એ નાગરિક પ્રામાણિકતાનો  નમૂનો છે.

                                                          કોઈપણ સરકારી વ્યક્તિ એની સત્તાનો  દૂર ઉપયોગ કરે તો  અમેરિકન નાગરિકઓ  સહન કરતા નથી. એમને એમના હક્કો પ્રત્યે તેઓ સજાગ છે અને સત્તાવાળાઓ સામે આંદોલન કરે છે નહીં તો  કોર્ટમાં  જાય છે. રાજદ્વારીઓ પણ લોકમતથી સજાગ છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પણ એમણે આપેલા વચનોથી સજાગ છે અને  પ્રમુખની ફરી ચૂંટણી આવે તે પહેલા એમના વચનો પુરા કરવાના મૂડમાં છે. અમેરિકન રાજકારણીઓ એમને પ્રજાના સેવક સમજે છે એના માલિક નહિ. તેઓ પ્રજા સમક્ષ નમ્ર રીતે  વર્તણુક કરે છે. સત્તા પર આવ્યા બાદ એમની ભૂલ માટે કેટલાએ રસ્તા પ્રજા પાસે છે એનાથી તેઓ જાગૃત છે. એનું કારણ પ્રજા પણ જાગૃત છે.  કેટલાએ અમેરિકન પ્રમુખો અને રાજકારણીઓ સામે એમની ભૂલો માટે સજા ફટકારવાના દાખલાઓ મોજુદ છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રિચાર્ડ નિક્સનને એમના રાજકીય ગુના માટે એમનું પ્રમુખપદ છોડવું પડ્યું હતું . ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનને પણ  મહાવિયોગ  સામનો કરવો પડ્યો હતો . ઍ પણ પ્રજાની જાગૃતિને જ આભારી હતું.  અમેરિકાની પ્રજાની જાગૃતિ ને કારણે  અમેરિકામાં  વીઆઈપી સંસ્કૃતિ નથી.  રાજ્યના ગવર્નર પણ બાજુમાંથી પસાર થાય તો ખબર પડતી નથી.રાજકારણીઓ એમના મતદારો સાથે સતત સંપર્કમાં રહી એમના કરેલા લોકહિતના કાર્યોની માહિતી આપતા જ રહે છે. આજે પણ જે  અમેરિકન રાજકારણીઓના સંપર્કમાં હતો એમના સંપર્કઃ  સંદેશાઓ મળતા રહે છે. એ તો પરિપક્વ લોકશાહીનો પુરાવો છે.  આથીજ અમેરિકામાં ચૂંટાયેલા રાજકારણીઓનો  કોઈ પણ જનહિતના કાર્ય માટે મળવા મુશ્કેલી આવતી નથી.

                                                                                                                         હવે ભારતની લોકશાહી નું  અવલોકન કરો તો લોકો પોતાના હક્કો માટે જાગૃત છે પણ એમની દેશ પ્રત્યેની ફરજ પ્રત્યે અભાવ છે. કચરો ગમે ત્યાં રસ્તા પર નાખી દેતા પણ અચકાતા નથી. કોઈના વાહનને નુકશાન કરી કે કોઈ વ્યક્તિને ટક્કર મારી  નીકળી જવું એતો સામાન્ય છે. ત્રાફિક કાયદાઓનો ભંગ કરી પોલીસમેનને લાંચ આપી નીકળી જવા જેવા દાખલાઓતો સામાન્ય બનતા હોય છે. જાણવા પ્રમાણે ૯૭% લોકો સરકારી કરો ભરતા  નથી.  કેટલાક કેસોમાં તો ન્યાય મેળવતા  માણસની જિંદગી પુરી થઇ જાયછે. ન્યાય પ્રક્રિયા ભારતમાં ઘણી મંદ છે.  ઘણા રાજકારણીઓ ચૂંટાયા પછી પોતાને જનતાના માલિક માની બેસે છે અને પોતાને કોઈક મોટી વ્યક્તિ માનવાના રોગથી પીડાતા હોય છે. એટલે કે  'વીઆઈપી'  સંસ્કૃતિથી  પીડાતા હોય છે. લોકોમાં પણ એટલી જાગૃતિ નથી કે એવા રાજકારણીઓને  સીધા કરી શકે. ભારતમાં ગુનેગાર રાજકારણીઓને સજા  અપાવવી મુશ્કેલ હોય છે. ઘણા રાજકારણીઓનો સંપર્ક કરવામાં મુશ્કેલી ઉભી થાય છે આમાં ગરીબ , અભણ અને ગ્રામીણ પ્રજાને સહન કરવું પડે છે.  આમ પ્રજાના કેટલાક  લોકો ફક્ત હક્કો ભોગવે છે પરંતુ દેશ પ્રત્યેની ફરજ બજાવતા નથી.
                                                       આજ પરિપક્વ અને સામાન્ય લોકશાહીમાં ફરક છે.  ભારતે એ બાબતમાં ઘણું કરવું બાકી છે.
                                                  ****************************************   

No comments:

Post a Comment