Friday, December 13, 2024

 


શીખવાની કળા

                                     દુનિયામાં નવું નવું શીખવું અને કેવી રીતે શીખવું એ પણ એક આવડતનો સવાલ છે. ઘણા લોકો માને છેકે એમને બધું જ ખબર છે. પરંતુ એ એમની મુર્ખામી છે. કારણકે મનુષ્યે જીવે ત્યાં સુધી શીખતાં રહે એમાંજ એમની સફળતાની ચાવી રહેલી હોય છે. એનું કારણ ઝડપથી દુનિયા બદલાઈ રહી  છે અને નવી વસ્તુઓ આવી રહી છે અને એના વિષે જાણવું , સમજવું  અને શીખવાનું આવશ્યક છે. મનુષ્યના મરણ તક એ પક્રિયા ચાલુ જ રહેવાની છે.

                                નવું જાણવાની પણ એક આવડત છે. જેમકે   તમે જુદી જુદા ચિત્રો કે ફોટાઓ દ્વારા ઘણું જાણવાનું મળે છે.  આજ કાલ ઈન્ટરનેટ પર જાતજાતના વિડિઓ , ઘણી માહિતીઓ સાથે ફરતા થયા એમાં ભરપૂર નવી માહિતીઓ મળી રહે છે . એમાંથી કઈ માહિતીનો ઉપયોગ કરવો એ  આપણા પર આધાર રાખે છે .

                                 તમે પુસ્તકો દ્વારા  વાંચીનેકે પછી  લખીને પણ  નવીન વસ્તુઓ વિષે જાણી શકો છો. લખવા માટે વાંચવું  અને એમાંથી માહિતી મેળવવાની  જરૂરિયાત પડે છે .

                                 જીવનમાં થયેલા સારા અને બુરા  અનુભવો એ જ્ઞાનની મોટી ખાણ છે. એમાંથી શીખીને માણસ પ્રગતિ કરી શકે છે.  જીવન એક પ્રયોગશાળા છે . એમાં જાત જાતના પ્રયગો કરીને એના પરિણામોમાંથી શીખી શકાય છે.



                                  જીવનમાં  જ્ઞાનીઓ સાથે સંગાથ રાખવાથી એમની સાથેના સંવાદોમાંથી પણ ઘણી માહિતીઓ મળે છે. અજ્ઞાનીઓ સાથે રહેવાંથી આપણી અજ્ઞાનતા જ વધે છે. એટલા માટે મિત્રો અને સંગાથની બાબતમાં વધારે સાવચેત રહેવું જરૂરી છે. એટલે કે મિત્રો અને સંગાથ એવો હોવો જોઈકે જેની પાસે સાચી માહિતી અને જ્ઞાન મળી શકે. એલન મશ્ક જેવાના સંગાથથી અને માર્ગદર્શનથી ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના પ્રમુખ તરીકે  ચુંટાવવામાં સફળ રહ્યા છે. એલન મશ્ક એક વિચિક્ષણ અને બુદ્ધિશાળી વ્યક્તિ છે એનો લાભ પણ ટ્રમ્પને મળ્યો છે. 

                                હવે  ગુગલ  જેવા માહિતી કેન્દ્રો છે. જે કોઈનું પણ જ્ઞાન વધારી શકે છે પરંતુ આ બધા  સાધનોના સંપર્કમાં સતત રહેવું  પડે કારણકે વિશ્વ દરરોજ બદલતું રહે છે અને માહિતી અને જ્ઞાન પણ બદલાતું રહેતું  હોય છે.  

                                     જીવનમાં મૃત્યુ સુધી માણસે નવું નવું શીખતાં રહેવું પડે છે તોજ  બદલતી દુનિયામાં  ટકીરહેવું  સહેલું પડે છે. જ્ઞાન એજ સફળતાની દીવાદાંડી છે. એથી જ્ઞાન મેળવવાની કળા પણ જાણવી આવશ્યક છે.

                                          *************************************

                                             

Saturday, December 7, 2024

 


દાળો  અને  સ્વાસ્થ્ય 

                                               સ્વાસ્થ્ય માટે દાળો  બહુજ અગત્યની છે. જેમકે મગની દાળ  હલકી અને અને વૃદ્ધો માટે પણ પચાવવામાં સરળ હોય છે.  મગની દાળમાં ઓછી કેલોરી અને સારા પ્રમાણમાં પોટેશિયમ હોવાથી  બ્લડ પ્રેશરને કાબુમાં રાખવામાં મદદ કરે છે.  એથી આયુર્વેદમાં પણ એને સ્વાસ્થ્ય માટે મહત્વ આપવામાં આવ્યું હતું. એ રીતે જોઈએ તો જે આયુર્વેદમાં જે વસ્તુઓને  મહત્વ આપવામાં આવ્યું છે તે હવે વિજ્ઞાનિક રીતે પણ ફાયદાકારક  સાબિત થઇ રહ્યું છે. 



                                          ચણાની દાળમાં પ્રોટીન સારા પમાણમાં હોય છે. અને તે  ફાયબરથી ભરપૂર હોય છે. એમાં રહેલું લોહ તત્વ શરીરને શક્તિ આપે છે.



                                         તુવેરની દાળમાં ઇન્ફેકશન દૂર કરવાનું તત્વ હોય છે. એ શરીરને રોગો સામે સામનો કરવામાં મદદ કરે છે. ભારતમાં તો તુવેરની દાળ ચોખા સાથે ખવાય છે. સંભારમાં તેનો ઉપયોગ થાય છે. તુવેરમાં રહેલું 'ફોલેટ 'મગજના સ્વાથ્યને માટે બહુ જ મહત્વનું છે.



                                           અળદની દાળમાં વિટામિન બી  હોય છે. મેગ્નેસિયમ પણ હોય છે જે હાડકાઓને મજબૂત બનાવે છે.એનાથી લોહની ઉણપ પણ દૂર થાય છે.



                                            મસૂરની દાળ  કોલોસ્ટ્રલ અને હૃદયની બીમારીને દૂર કરવામાં પણ મદદ રૂપ થાય છે.  યુવાની ટકાવવા માટે પણ દરરોજ મસૂરની દાળ ખાવી આવશ્યક છે.

                                             આ બધી દાળોનું મહત્વ અકબરની  રાણી જોધાબાઈએ મોગલોના  વખતમાં મહત્વ વધાર્યું હતું.

                                              આ બધી દાળોને પહેલા  શેકી  પછી પલાળીને રાંધવામાં લેવી જોઈએ.  ઠંડી પડ્યા બાદ  એમાંથી જુદી જુદી અલગ મહેક આવે છે અને ખાવાની પણ મઝા લઇ શકાય છે.

                                                 **************************************

                                                    

Sunday, December 1, 2024


 

રશિયા અને પ્રેસિડેન્ટ પુતિન 

                                                                રશિયામાં કૉમ્યૂનિસ્ટ રાજના પતન બાદ થોડા સમય માટે અરાજકતા અને થોડી નબળાઈ આવી હતી. એનો લાભ લઈને  ઘણા  એના પ્રાંતો  રશિયાથી છુટા પડી સ્વતંત્ર થઇ ગયા હતા. એમાં કાઝધીસ્થાન, ઉઝબેગીસ્થાન. યુક્રેઇન , જેવા ઘણા સ્વતંત્ર રાજ્યોનો પણ સમાવેશ થાય છે. તે વખતે લાગ્યું હતું કે તે  હવે નબળું પડી રહેલું રાષ્ટ્ર છે. વિશ્વ સત્તાઓમાંથી ફેકાઈ જશે. 



                                                               તે વખતે રશિયાની ખુફિયા  સંસ્થા ' કેજીબી ' માં કામ કરી ચૂકેલા પુતિન  ક્રિમલિનના રાજકારણમાં દાખલ થયા હતા. તે વખતના રશિયાના ઉંચ્ચ નેતાઓના તેઓ સંપર્કમાં હતા. આથી એમને  રશિયાના સત્તા વર્તુળમાં દાખલ થવા નસીબે યારી આપી અને આખરે રશિયાના ઉચ્ચ પદે પહોંચ્યા .



                                                   પુતિનની  સફળતાનું રહસ્ય એની નેતાગીરીમાં છે. એણે રશિયાની જનતાને ખાતરી  આપી હતીકે રશિયાને એ વિશ્વ સત્તાઓમાં ફરીથી  મજબૂત બનાવશે અને એનું સ્થાન પાછું અપાવશે. આજે દુનિયામાં રશિયાની ફરી બોલબાલા છે. અને યુક્રેઇનમાં મજબૂતાઈથી પશ્ચિમો દેશોનો સામનો કરી રહ્યું છે. 



                                                     સત્તા અને ધન બે વસ્તુ એ  કેફ સમાન છે. એથી આજે એ રશિયામાં સરમુખત્યાર બન્યા છે અને વિશ્વ ધનવાન બન્યા છે. એમને રશિયાના મૂડીવાદીઓને કહી દીધું લાગે છેકે તમારી સમૃદ્ધિને મારી સાથે વહેંચવી પડશે . એથી એ હવે સર્વસત્તાધીશ છે   અને કહેવાય છેકે દુનિયામાં ધનવાનોમાંના એક છે. પુતિન રંગીલા છે પરંતુ વિચિક્ષણ રાજપુરુષ પણ છે.  



                                                 ભારતના   પ્રધાન  મંત્રીના નિકટના રાજકીય મિત્ર પણ છે. એનો લાભ ભારતને રાજકીય રીતે પણ થયો છે. સસ્તું  ક્રૂડ ઓઇલ ભારતને મળે છે. રશિયા સાથેનો વેપાર પણ વધી રહ્યો છે. કાશ્મીરની બાબતમાં વિશ્વતરે રશિયાએ હંમેશ  ટેકો આપ્યો છે. તે ઉપરાંત રશિયા રૂપિયામાં પણ લેણદેણ કરે છે . ભારતને  રશિયા શસ્ત્રો પણ પુરા પાડે છે. આમ પુતિને ભારતના ગહન મિત્રની જવાબદારીઓ પણ નિભાવી  છે.  આનાથી કદાચ અમેરિકા નારાજ પણ હોઈ શકે પરંતુ કોઈ પણ દેશને માટે પોતાનું રાષ્ટ્ર હિટ મહત્વનું હોય છે.



                                                         પુતિન પાસે કહેવાય છે કે ૧૨૬૦૦ કરોડનું ઘર છે. એમાં આરસનો સ્વિમિંગ પૂલ છે. એમાં કેસિનો છે. નાઈટ ક્લબ અને બાર પણ . ટૂંકમાં દુનિયાની બધીજ સમૃદ્ધ વસ્તુઓ છે.  પરંતુ દુનિયામાં નેતા શું કરે છે તે ઉપરાંત દેશ માટે કેટલો ઉપયોગી છે એને જનતા વધુ મહત્વ આપે છે . એજ પુતિનની સફળતાનું રહ્શ્ય છે.

                                                  *************************************

                                                                


Wednesday, November 20, 2024

 


સત્યની શોધમાં           

                                     દુનિયામાં ઘણી બાબતો છે જેના વિષે જાણવું આવશ્યક છે. કેટલીક બાબતો સામાન્ય છે પરંતુ એ માનવજાત પર સારો એવો પ્રભાવ પાડે છે.

                                      સ્ત્રીઓ ઘણીવાર સૌંદર્યની શોધમાં પોતાનું વજન કે શરીર ને સમતોલ કરવા પ્રયત્નો કરે છે. પરંતુ ઘણાને ખબર નહિ હોય કે વધારે જાડુ શરીર એક રોગ છે. ઘણા સમૃદ્ધ અને વિક્સિત દેશોમાં લોકો વધારે પડતા વજન અને અસમતોલ શરીરથી લોકો પીડાતા હોય છે. એ જાણીને આશ્ચર્ય થશેકે વધારે પડતું વજનને અસમતોલ વજનને કારણે વર્ષે દુનિયામાં ૩૦૦૦૦ માણસો મૃત્યુ પામે છે.

                                    એજ રીતે ઘણીવાર વીજળીનું પડવું પણ ઘણું  જીવલેણ હોય છે. શહેરી જીવનમાં કદાચ થોડી સગવડો હશે જેથી એનાથી રક્ષણં માટી શકે પરંતુ ખુલા આકાશમાં જયારે વીજળી ત્રાટકે છે. ત્યારે એ જેના પર પડે મોતને પણ ભેટે છે. વીજળી પડવાથી આશરે ૧૦૦૦૦ માણસો વર્ષે દુનિયામાં મૃત્યુને ભેટે છે. 

                                     ઘણીવાર ખાટલા પરથી પડવાથી માણસોને ભયંકર અકસ્માત થાય છે અને એ જીવલેણ હોય છે એ સાંભળીને આશ્ચર્ય થાયછે પરંતુ સત્ય છે. અમેરિકામાં વાર્ષિક   ૪૫૦ માણસો ખાટલાપરથી પડવાથી મૃત્યુ પામે છે.



                                     આજકાલ મોબાઈલ બહુજ લોકપ્રિય સાધન બની ચૂક્યું છે. દરેક જણ હવે હાથમાં મોબાઈલ લઈને ફરતા હોય છે. ૧૯૯૦ માં દુનિયાભરમાં ૧ મિલિયન લોકો મોબાઈલ વાપરતા હતા પરંતુ એનો અત્યારે વપરાશનો આંકડો પાંચથી છ બિલ્લીઓન જેટલો પહોંચી ગયો છે. અને દિવસે દિવસે વધતો જ જાય છે. 

                                      દુનિયામાં ધનવાન અને ગરીબી વચ્ચેનો તફાવત વધતોજ જાય છે . પરંતુ ગરીબી થોડી ઓછો પણ થવા માંડી છે. ૧૯૮૧માં ૫૨% લોકો ગરીબીમાં  દુનિયામાં સબડતા હતા પરંતુ  ૨૦૧૦માં દુનિયામાં ગરીબી ઓછી થઇ અને એ આંકડો ૨૧% પર આવી ગયો છે. આબતાવે છેકે ગરીબી હવે વિશ્વમાંથી ઓછી થઇ રહી છે.

                                     એમ કહેવાય છેકે આરબ જગતમાં સ્ત્રીઓની સ્થિતિ બહુ સારી નથી પણ આરબ અલ્જિરિયામાં ૭૦% સ્ત્રીઓ કાયદાકીય નિષ્ણાત છે અને એમાંથી  ૬૦% તો  ન્યાયધીશના પદ પર છે.

                                         આમ ઘણી નાની વસ્તુઓ  વિષે માહિતી પણ ઘણી રસ પદ હોય છે.

                                          ****************************************

                                           

Thursday, November 14, 2024



સીરમ ઇન્સ્ટિટ્યૂટ  ઑફ ઇન્ડિયા -વેકસિનની અજબ કંપની 

                                                                                       સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિદ-19 પછી ઘણીજ પ્રસિદ્ધ કંપની બની છે. એની વેકસિનએ  આખી દુનિયામાં  કરોડો લોકોની જિંદગી બચાવવામાં મદદ  રૂપ બની હતી. એની ઓફિસ પૂના ખાતે આવેલી છે. એના મુખ્ય ઓફિસર આદર પુનાવાળા છે. એ  ભારતીય કંપની હવે એની  વેકસિનોને લીધે વિશ્વ વિખ્યાત કંપની બની ગઈ છે.



                                                                                     વિશ્વ આરોગ્ય  સંસ્થાએ પણ સીરમ ઇન્સ્ટિટ્યૂટને એની આર 21/ મેટ્રિક્સ એમ  મેલેરિયા વેક્સીન માટે ઉચ્ચ સ્થાન આપેલું છે.  મચ્છરો દ્વારા ફેલાતો મેલેરિયા વિશ્વમાં દર વર્ષે ૬૦૦૦૦૦ માણસોનો ભોગ લે છે.  આ વેકસિન સીરમએ યુનિવરસિટી ઓફ ઓક્સફર્ડ સાથે મળીને બનાવી છે. સીરમ વાર્ષિક ૧૦૦ મિલિયન ડોસીસ બનાવશે અને આફ્રિકાના દેશોમાં એમની જરૂરિયાતોને પુરી પાડશે. એ આરોગ્ય  ક્ષેત્રમાં  સીરમનુંવિશ્વમાં   મહાન યોગદાન  હશે. તે ઉપરાંત વેક્સીનના એક શોટ ચાર ડોલર જેટલા સસ્તા પણ હશે. એમાં  પ્રોફિટ કરતા જન સેવાની ભાવના વધારે રહેલી છે.



                                                                                     આદર પૂનાવાલા ભારતના એક આગળ પડતા અને ધનવાન ઉદ્યોગપતિ પણ છે. એમણે એમના ધનનું ઘણા ઉદ્યોગોમાં રોકાણ કર્યું છે. એવા સમાચાર છેકે એમણેફિલ્મ ઉદ્યોગમાં  હજારો કરોડોનું રોકાણ કરી  કરણ જોહરની ફિલ્મમાં ભાગીદારી કરી  છે.

                          એમની સફળતાનું રહસ્ય એમની જન સેવાની ભાવનાને આભારી છે.

                                           **************************

                                  

                                          

 

Tuesday, November 5, 2024



મુક્તિનો   માર્ગ

                                          આપણા શાસ્ત્રોમાં તિબેટમાં આવેલા કૈલાસ ધામ અને માનસરોવર પહોંચવાથી મુક્તિ મળે છે એમ માનવામાં આવે છે. મહાભારતમાં પાંડવોએ પણ અંતિમ પડાવમાં હિમાલયમાં ગમન કર્યું હતું અને એ લોકો પણ સ્વર્ગ ધામ આખરે કૈલાશ ધામ પહોંચ્યા હશે  જ્યાં તેમણે પોતાના શરીરનો ત્યાગ કરી સ્વર્ગે સિધાવ્યા હશે.એમ પણ કહેવાય છેકે ધર્મરાજ યુધિષ્ઠિર  સ્વર્ગ દ્વારે પહોંચ્યા હતા બાકીના બધા ભાઈઓ બરફમાં ઓગળી ગયા હતા. આતો એક ધાર્મિક વાત છે. 

                                       કૈલાશને સ્વર્ગ ભૂમિ માનવામાં આવે છે જ્યાં શિવનો વાસ છે જે ત્યાગ અને સાદાઈનું એક પ્રતીક છે. શિવ એ સુંદરતા અને સત્યના પ્રતીક છે. શિવની સુંદરતા અને સત્યમાં જ મનુષ્ય જીવનનો મુક્તિ માર્ગ  છે.



                                      મહામૃત્યુંજય સ્લોકને લોકો બોલે છે એને સાચા અર્થમાં સમજવો મુશ્કેલ છે. કેટલાક કદાચ માનતા હશે કે એ  મૃત્યુ પર વિજય મેળવી અમર બનાવે એવો મંત્ર છે. પરંતુ એના મૂળમાં મુક્તિના માર્ગ નો ઉકેલ હોય એમ લાગે છે.

                                        મુક્તિનો માર્ગ એટલે જન્મો જન્મના ફેરામાંથી  મુક્ત થવાની માનવી ખેવનાનો માર્ગ છે . એમાં માનવીય અમરતાની પ્રાપ્તિને કોઈ સબંધ નથી.

                                       શિવની સાથે સત્યમ , શિવમ અને સુન્દરમ સંકળાયેલા છે. એમાં સુંદરમ એ માનવીય પ્રકૃતિ સાથે સંકળાયેલા સદ્દગુણો વિશેનો ઉલ્લેખ છે.  મુક્તિના  માર્ગમાં આધ્યામિકતા સાથે માણસે અમુક ગુણોને જીવનમાં ઉતારવા આવશ્યક છે જે  માનવીય જીવને સહેલાઈથી મુક્તિ માર્ગે લઇ જાય છે. એટલેકે  જીવને  જન્મો જન્મમાંથી  મુક્તિ અપાવી  શકે છે.



                                        એમાં મનુષ્યે અહંમ , ઈર્ષા અને દ્વેષને દૂર કરવા જોઈએ જે મનુષ્ય પ્રકૃતિના મોટામાં મોટા દુશ્મન છે.  તે ઉપરાંત કોઈ જો  અપમાન કરેતો એને ક્ષમા આપવાની પણ શક્તિ કેળવવી જોઈએ. અહિંસા દરેક જીવો પ્રત્યે હોવી જરૂરી છે.  યોગ્ય માણસોની કદર કરવાની ઉદારતા પણ દાખવવી પણ જરૂરી છે. 

                                       ટૂંકમાં જીવને મુક્તિ અપાવવા પહેલા મનુષ્યે આ જગતમાં બધા અવગુણોનો ત્યાગ કરી  પોતાને નિરાકારી બનાવી દેવી જોઈએ જેથી મુક્તિનો માર્ગ સરળ થાય,

                                        શાસ્ત્રોમાં  બતાવ્યા પ્રમાણે આપણે આપણા પિતૃઓના જીવોની મુક્તિ માટે ધાર્મિક ક્રિયા જરૂર કરીએ કારણકે એમાં  એમના તરફનો પ્રેમ અને સદ્ભાવ પ્રગટ કરી શકીએ છીએ. પરંતુ પોતાના જીવની મુક્તિ માટે મનુષ્યે પોતાના જીવનમાં જ પ્રયત્ન કરવો રહ્યો. એજ જીવનનું સત્ય છે. આજ વસ્તુ ભગવાન કૃષ્ણે ગીતામાં વિસ્તારથી વર્ણવેલી છેકે  મુક્તિ અને મોક્ષ  માટે મનુષ્યે પોતે જ પોતાના  જીવન દરમિયાન શુદ્ધ  પુરુષ થવું આવશ્યક છે. 

                                       મૃત્યુ પછી જીવનું શું થશે  એ કહેવું મુશ્કેલ  છે.  પણ  સદ્દગુણી માણસોના જીવ મોક્ષ પામે છે એમાં  બહુમતી લોકો સંમત થશે એમાં શંકા નથી.

                                  *******************************************



                                   

Wednesday, October 16, 2024

 


ડીહાઇડ્રેશન - શરીરમા  પાણીની ઉણપ

                                                                                       આપણા શરીરમાં પાણીનું તત્વ ૮૦% જેટલું હોય છે અને તંદુરસ્તી જાળવવા માટે પાણી નું  પ્રમાણ જાળવી રાખવાની જરૂર હોય છે.  આથી શરીર માં પાણી નું જરુરીયાત માટે વયસ્થ માણસો એ દિવસ દરમિયાન ૨ થી ૩ કવાટર પ્રવાહી પીવું જરૂરી છે.  આજકાલ વાતવરણમાં ફરક પડી રહ્યો છે અને ગરમીનું  પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જરૂરી પ્રવાહી પીવું આવશ્યક છે.



                                                      શરીરમાં પ્રવાહીની ઉણપને  લીધે શરીરમાં શક્તિ ઓછી થઇ જાય છે અને રોગોનો સામનો કરવાની શક્તિ પણ શરીરની  ઓછી થઇ જાય છે. પાણીની ઉણપ મગજ પણ અસર કરે છે. સ્નાયુઓના દુખાવા કે બીજી સ્નાયુને લગતી બીમારીઓ આવે છે. માણસની વસ્તુઓ પર ધ્યાન સ્થિત કરવાની શક્તિને પણ પ્રવાહીની ઉણપ અસર કરે છે. અને શરીરમાં સોડિયમ, પોટેશિયમ ,કેલ્શિયમના તત્વનું સમતોલ પણ દૂર કરે છે. તે ઉપરાંત બ્લડ પ્રેસ્સર પણ અસર કરે છે. ટૂંકમાં શરીરમાં પાણી કે પ્રવાહીની ઉણપ ઘણા રોગોને નોતરું આપે છે.



                                                           શરીર પર ડીહાઈડ્રેશનને લીધે જીભ ધીમી પડી જાય છે. માથામાં દુખાવો ઉપડે છે.  મગજમાં ગૂંચવણ રહે છે.  અશક્તિ વધે છે અને માણસ સમતોલપણુ ગુમાવી દે છે.



                                                            એટલા માટે પાણી , ફળોનો રસ, ચા, સોડા  વધુ પીવા જોઈએ પરંતુ  કૅફિન વાળા પીણાઓથી દૂર રહેવું જોઈએ. વાતાવરણમાં ગરમીનો વધારો થઇ રહ્યો છે માટે ડિહાઈડ્રેશનની  બીમારીથી  બચવું હવે આવશ્યક બન્યું છે.

                                 *************************************

Tuesday, October 15, 2024



અમેરિકન લોકશાહી 

                                                              અમેરિકાની લોકશાહી પણ આજકાલ ભયકારક સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. આ નવેમ્બરમાં અમેરિકામાં પ્રમુખની ચૂંટણી થવાની છે એમાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ , રિપબ્લિકન, અને કમલા હેરિસ , ડેમોક્રેટ સામસામે ઉભા છે.  અને બંને વચ્ચે ત્રીવ રસાકસી  છે. એટલે ચૂંટણીના પરિણામો વિષે કોઈ કઈ કહી શકે એમ નથી.

                                  ગઈ ૧૯૨૦ની ચૂંટણીમાં જો બૈંડન ચૂંટાઈ આવ્યા હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ  એ ચૂંટણીને પડકારી હતી અને અમેરિકામાં મોટી બબાલ અને કેટલાએ કેસો થયા હતા અને એ વખતે લાગ્યું હતુંકે અમેરિકન લોકશાહી પર ઘા થઇ રહ્યો છે.



                                   આ વખતની ચૂંટણીમાં  મોંઘવારી , ઇમિગ્રેશન જેવા મુદ્દાઓ ઉઠેલા છે. અને એના પર ઉગ્ર ચર્ચાઓ થઇ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પએ તો ત્યાં સુધી વચનો આપ્યા છેકે એ જો ચૂંટાશે તો વીજળી દરો ઓછા કરશે  અને ગેરકાયદેસરરીતે  રહેતા લોકોને કાઢી મુકશે . આબાબતમા ત્યાંના અમેરિકાનોમા ઉગ્ર વિવાદ છે.

                                 મુદ્દાની વાત એ છેકે  અત્યારે સર્વે મુજબ બને પ્રતિસ્પર્ધી વચ્ચે નજદિકની પ્રતિસ્પર્ધા ચાલે છે એથી એના પરિણામ વખતે ઉગ્ર વિવાદ ફરીથી થવાનો સંભવ છે.  એ દ્રષ્ટિએ ફરીથી  અમેરિકાની લોકશાહીની  પરીક્ષા લેવાશે.  એમાં રાજકીય અને કાયદાકીય વિવાદ થવાનો  સંભવ છે. 



                                લોકશાહીમાં બહુમત લોકોના મતો પરિણામ નક્કી કરે છે. પરંતુ એને સ્વીકારવાની   સહિષ્ણુતા લોકશાહીને સફળ બનાવવામાં જરૂરત હોય છે.

                                        ****************************

   

Sunday, October 6, 2024

 


બેંક ઓફ અમેરિકા 

                                                        બેંક ઓફ અમેરિકા  વિશ્વની એક  મોટી  બઁકોમાંની એક છે. એની  શરૂઆત આજના સીલ્લીકોન વેલીના પાટનગર સાન હોસે ખાતે નાના પાયે   થઇ હતી અને પછી એનું વડુમથક કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કો ખાતે ખસેડવામાં આવ્યું હતું . ત્યાર બાદ બીજી બેન્કોની સાથે એનું જોડાણ થતા એનું   વડું  મથક કૅલિફૉર્નિયાની બહાર  ખસેડવામાં આવ્યું હતું.

                               તે છતાં એ બેન્કની નીતિ હંમેશા સમાજના દરેક વર્ગને મદદ કરવાની રહી છે .એની ખેડૂતોને ધિરાણ કાર્ડ આપવાની નીતિએ અને અમેરિકામાં સારી એવી ખ્યાતિ પ્રદાન કરી હતી.



                               આજે પણ એની નીતિ એના  નોકરિયાત માટે પણ બહુ પ્રગતિશીલ છે. તે એના વડા બ્રાયન મોયનિહાનને  આભારી છે. અમેરિકામાં ફુગાવાને લીધે લોકોને તકલીફ છે. પરંતુ  બેંક ઓફ અમેરિકાએ  એના નોકરિયાત માટે નિમિત્તમ પગાર કલાકના  ૨૩ ડોલર  કરેલા છે અને  ૨૦૨૫  સુધીમાં ૨૫ ડોલર લઇ જવા માંગે છે. તે ઉપરાંત જે સ્ટાફની ૧૫ વર્ષની નોકરી હોય એને  ચારથી છ અઠવાડિયાની પગાર સાથેની   રજા આપવાંમાં આવે છે. સ્ટાફના સારા નરસા પ્રસંગે  પણ બેંક મદદ કરે છે. ૧૦૦૦૦ જેટલા સ્ટાફએ એનો લાભ પણ લીધો છે . એની પાછળ બેન્કની નોકરીને આકર્ષક બનાવવાની  અને લોકોને અપાતી બેંક સેવાને ઉત્તમ બનાવવાની છે.



                                  આ દુનિયાની બેંકઓ માટે ઉત્તમ સેવા પૂરુંપાડવાનો દાખલો છે. સંતોષી સ્ટાફ જ સારી બેન્કિંગ સેવાઓ પુરી પડી શકે છે. અને એની પ્રગતિ પણ વધારે છે . એથી જ  બેંક ઓફ અમેરિકા દુનિયાની ઉત્તમ બેંક બની ચુકી છે. 

                                એવી બેંક સાથે દાયકાઓ પહેલા મુંબઈ ખાતે એ બેન્કની ભારતની પહેલી શાખામાં કામ કરવાની તક મળી હતી.

                                                      ********************************

Wednesday, September 25, 2024



 દેશ પ્રેમ 

                                          લોકો પરદેશમાં વ્યવસાવ માટે દૂર  દૂર જતા હોય છે પરંતુ પોતાના લોકો અને દેશને માટે હંમેશા ઝૂરતા હોય છે. ઘણીવાર પરદેશમાં એમને સમૃદ્ધિ અને અજબ સગવડો મળે છે પરંતુ તેઓ પોતાના લોકો અને દેશની લગાવને ભૂલી શકતા  નથી. એના માટે કવિ કહે છે એ  પણ સાંભળવા જેવું છે.

             ક્યાં છે ?

અહીં ભવ્ય ડુંગરમાળાઓ છે

અને નદીઓના નિર્મલ નીર છે 

પ્રભાતને સજાવેછે સોનેરી કિરણો અહીં 

રૂપેરી ચાંદનીની પણ મઝા છે 

કુદરત  ખરેખર આફરીન અહીં

પણ દેશની માટીની મહેક ક્યાં ?

ફૂલોથી લચકતા બગીચાઓ છે 

અને પંખીઓનો કલરવ પણ છે.

મદમસ્ત આવરણ સર્વત્ર અહીં 

પણ દેશની સુગંધી હવા ક્યાં ?

બરફી ટોચો લાગે હીરાના હાર સમાન 

લીલીછમ હરિયાળી  ખીણો અહીં 

સ્વર્ગ પૃથ્વી પર આવ્યું જાણે 

પણ દેશની નદીઓના નીર ક્યાં ?

ભલે અહીં બધે સ્વર્ગ હોય અહીં

પણ મારા દેશના પેલા માણહો ક્યાં ?

                   એમાં કવિનો દેશ પ્રેમ છલકે છે. અને પોતાના માણસોની માણસાઈથી કવિ તરબોળ છે . 

                                        ******************************************


                        

Tuesday, September 10, 2024



ચીન  અને વિજ્ઞાનિક પ્રગતિ 

                                                                               અમેરિકાને ગમે કે ના ગમે ચીન દુનિયામાં સર્વોચ્ચ સત્તા બનવા માટે અમેરિકાની હરીફાઈ છે એમાં શંકા નથી. ચીનના પ્રમુખ  જિનપિંગ  મને છેકે  'વિજ્ઞાન અને ટેક્નોલોજી જ ચીનને અમરિકાથી આગળ વધવામાં મદદ રૂપ બની શકે છે . એટલા માટે ચીનની સરકાર  વિજ્ઞાન અને હાઈ ટેક  પાછળ અને એના સંધોધન પાછળ  સારા એવા પૈસા નાખી રહી છે. એમાં આર્થિક  સબસીડીની   મદદનો સમાવેશ થાય છે. 

                                          ચીને પોતાના પરદેશમાં રહેલા બુદ્ધિધનને પરત ફરવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે પણ બાંહેધરી આપી હતી અને એનો સારો એવો પ્રતિભાવ મળેલો છે. આથી એણે વિજ્ઞાન અને ટેક્નોલોજી માં સારો એવી પ્રગતિ સાધી છે. એણે રસાયણ શાસ્ત્રમાં , પદાર્થ વિજ્ઞાનમાં , અને ફિઝિક્સમાં સારા એવા સંધોધન પત્રો બહાર પડયા છે. જે અમેરિકા અને  યુરોપીઅન યુનિઅનમાં પ્રગટ થયેલા સંધોધન કરતા પત્રો કરતા પણ વધારે છે. 

                                      આ સંધોધનોને કારણે  ખેતીમાં ફાયદો થયો છે અને ખેતીમાં પાકનો વધારો થયો છે. સોલાર એનર્જીમાં પણ પ્રગતિ કરી છે . ગેબીના રણમાં ચીનનો મોટો સોલાર પ્લાન્ટ છે.  તે ઉપરાંત લશ્કરમાં હાઇપરસૉનિક શસ્ત્રો બનાવવામાં આગળ છે. તે ઉપરાંત વાઇરસના સંધોધનો માં પણ આગળ છે. એથી કોવિદ -૧૯ વખતે ચીને વસ્તુઓ છુપાવીને દુનિયાને  ભયમાં મૂકી દીધી હતી.



                                    ઇલેક્ટ્રિક કાર અને  બેટરી ઉદ્યોગોમાં પણ ચીન આગળ છે અને ચીનની કંપનીઓ અમેરિકા કરતા પણ વધારે  ઈલેકટ્રીક  કારો દુનિયામાં વેચે છે.  જે સસ્તી અને સુવિધા પણ સારી આપે છે.



                                     નાસા સાથે સ્પેસ ઉદ્યોગમાં પણ ચીન સ્પર્ધામાં ઉતર્યું છે  અને સારી એવી પ્રગતિ એ દિશામાં કરી છે. ચીન  અણુ શક્તિ પણ ધરાવે છે. અને  પોતાની બધી આર્થિક તાકાત સંશોધનો પાછળ લગાવી એક વિશ્વ તાકાત બનવા આગળ વધી રહ્યું છે.

                                 **************************************

 

                                     

                                         

                                                             


   


   

Thursday, September 5, 2024

 


જાપાનીસ શિક્ષણ પદ્ધતિ 

                                              કોઈ પણ દેશનું ચરિત્ર  એની શિક્ષણ પદ્ધતિ પર આધાર રાખે છે. શિસ્ત , દેશભક્તિ , ચરિત્ર , વગેરેનું ઘડતર શિક્ષણ પર જ આધાર રાખે છે. જાપાનની શિક્ષણ પદ્ધતિ આ બધી વસ્તુઓનું ઘડતર બાળકોમાં નાનપણથી જ સિંચવા માંડે છે.



                                               જાપાનમાં શાળાઓ સવારના ૮/૩૦ શરુ થઇ જાય છે અને જો કોઈ વિદ્યાર્થી પાંચ મિનિટ  મોડો આવે તો એને સ્કૂલના પરસાળને સાફ કરવી એ જ એની સજા છે. 

                                              શિક્ષણ પણ પ્રયોગો દ્વારા જ આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓનો શિક્ષણમાં રસ વધે છે અને એમનામાં  કૈક નવું કરવાની શક્તિ વધે છે .

                                             બપોરના ભોજનમાં પણ બધાને માટે એક જ વાનગીઓ હોય છે. જેમાં હેડમાસ્ટરથી માંડી શિક્ષકો અને સ્કૂલનો સ્ટાફ બધા સાથે ખાય છે. આથી ભાઈચારો વધે છે. ભોજન પહેલા બધા સાથે પ્રાર્થના કરે છે. ભોજનમાં આરોગ્યદાયક ખોરાકનું પણ ધ્યાન રાખવામાં આવે છે. ખાધા પછી બધું સાફ પણ વિદ્યાર્થીઓ જ કરે છે. એમાં હેડમાસ્ટર અને શિક્ષકો પણ જોડાઈ છે.

                                              આથી વિદ્યાર્થીઓમાં  કામ  કરવાની  ઉત્કંઠા જાગે છે. તેઓ ઘરમાં પણ ઘર સાફ રાખવામાં તેમની માતાને મદદ કરે છે. એને એમની ફરજ સમજે છે.

                                               વિદ્યાર્થીઓને  બીજાને માન અને આદર આપવાનું પણ શીખવવામાં આવે છે. તેઓ જયારે બીજાને મળે છે ત્યારે માથું નમાવીને આદર  કરે છે. એમાંથી કેવી રીતે લોકો સાથે વાત કરવાનો આચાર પણ શીખે છે. 



                                              વિદ્યાર્થીઓ શનિવાર અને રવિવારે રજા પોતાના કુટુંબ સાથે માણે છે. જાપાનીસ નવું વર્ષ આખું કુટ્મ્બ જાપાનમાં સાથે માણે છે. આથી કુટુમ્બીક પ્રેમ વધે છે.



                                                  જાપાનમાં  દસ વર્ષ સુધી શાળામાં કોઈ જાતની પરીક્ષા લેવામાં આવતી નથી પરંતુ એ સમય દરમ્યાન વિદ્યાર્થીના માનસિક શારીરિક  અને બીજી બાબતોના વિકાસ પર  વધારે ધ્યાન  આપવામાં આવે છે.



                                               જાપાનીસ શાળાઓમાં લોકો સાથેના સુખદ સબંધો પર  વધારે ધ્યાન આપવામાં આવે છે. આમ જાપાનમાં  ચરિત્રનું નિર્માણ શાળાઓમાં  શિક્ષણ દ્વારા જ શરુ કરવામાં આવે છે.

                                                આથી  આજે વિશ્વમાં દરેક ક્ષેત્રમાં  જાપાન  આગળ છે. અને વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા છે. જે દેશમાં શિસ્ત , ચરિત્ર અને દેશભક્તિ હોય છે એજ આગળ આવી શકે એમાં શંકા નથી.

                                         **************************************

Wednesday, August 14, 2024

 


દુનિયાની ભયંકર બીમારીઓ - કેન્સર અને અલઝહેઈમર .

                                                                                                કેન્સર એવો રોગ છે કે જે ગમે તે ઉંમરમાં ગમે તેને થઇ શકે છે. એનું નામ સાંભળીનેજ એની ભોગ બનનાર વ્યક્તિ અધમુવો થઇ જાય છે. પરંતુ કેન્સરમાં શરૂઆતમાં ખબર પડે તો એનો ઈલાજ થઇ શકે છે. એની દવા  માટે આખી દુનિયામાં વિજ્ઞાનીકો અથાગ મહેનત કરી રહ્યા છે. પરંતુ એમાં ધરી સફળતા મળી નથી .  અત્યારે તો કોલોનોસકોપીથી જાણી શકાય છે કે કેન્સર ક્યાં અને કેટલું પેટમાં ફેલાયેલું છે. તે ઉપરાંત એનોડોસઃકોપીથી ગળાના કે પેટના ઉપ્પર ના ભાગના કેન્સર વિષે જાણી શકાય છે. પરંતુ એના માટે કોઈ સહેલો અને સરળ ઉપાય માટે હજુ સંશોધન ચાલી  રહ્યું છે. 

                                                                                 તેમાં એક સારા સમાચાર છે કે એક અમેરિકન કંપની ગુરદાન્ત હેલ્થએ   કેન્સરની ચકાસણી લોહીના ટેસ્ટથી જાણી શકાય એવી ટેકનોલોજી વિકસાવી  છે. અમેરિકામાં કેન્સરના  લીધે ૫૦% લોકો મૃત્યુનો ભોગ બને છે.  લોહીના ટેસ્ટમાં ૮૩% કેસોમાં કેન્સરની ચકાસણી થઇ શકી છે. અને આગળ  વધી ગયેલા કેન્સરના કેસોમાં ૧૦૦% જેટલી ચકાસણી થઇ શકી છે. આથી કૅન્સરની સારવાર માટે લોહીનો ટેસ્ટ હવે બહુજ અગત્યનો બની રહ્યો છે. એનાથી દર્દીને જલ્દી સારવાર શરુ થાય એ બચાવવામાં બહુ ઉપયોગી થઇ શકે છે.  અમેરિકાની સરકારી સંસ્થાએ પણ તેની મંજૂરી આપી છે. પરંતુ કૅન્સરની દવાના સંશોધન પાછળ હજુ ઘણું કરવાનું બાકી છે.



                                                                              અલઝહેઈમર  એ વૃદ્ધાવસ્થા આવતી   વિસ્મૃતિની મોટામાં  મોટી બીમારી છે. એ વૃદ્ધોની હાલત બહુજ બહેતર કરી નાખે છે. એમાં દર્દી  ઘણીવાર સાનભાન  ભૂલી જાય છે અને ખરાબ હાલત માં જીવન વિતાવે છે. એનો દાખલો અમેરિકાના પૂર્વ પ્રમુખ રોનાલ્ડ રિગનનો છે. તેઓને તેમની નિવૃત્તિમાં  અલઝહેઈમર થયો હતો. દુનિયાના એક વખતના શક્તિશાળી વ્યક્તિનીની હાલત એવી થઇ હતી કે એમનો પૌત્ર એમની લાકડી પકડીને લોસ એંજલસના સાન મોનિકાના દરિયા કિનારે ફરવા લઇ જતો. આમ એ એટલો ભયંકર રોગ છે જે દર્દીને બેજાર કરી નાખે છે.



                                             અલઝહેઈમર  બીમારી માટે એક જાપાનીસ કંપની 'ઈસાઈ' એ  એના ઉદ્ધભવથી એને સારવાર આપતી એક દવા ' લેકએમબી '  શોધી છે. જેનો ઉપયોગ અમેરિકામાં થવા માંડ્યો છે. આનાથી આવતા સમયમાં આવતા  ૮૫ મિલિયન જેટલા વૃદ્ધો ને  લાભ અને રાહત થશે. એનો ઉપયોગ  પણ વધી રહ્યો છે જેથી એ ભયંકર બીમારીને મૂળથી જ કાબુમાં લઇ શકાય.  તે છતાં એ રોગને મૂળથી નાબૂદ કરવા માટે વધુ સંશોધનની જરૂરિયાત છે.

                                           *****************************

                                                                   

 

                                                        

Monday, August 12, 2024

 


 દુનિયાની તાકાતવર વ્યક્તિ 

                                                         અત્યારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સનો જમાનો છે. દરેક દેશ ,  દરેક વ્યક્તિ  અને વિશ્વની મોટી કંપનીઓ પણ એમાં રસ  ધરાવે છે. એમાં હવે હરીફાઈ  પણ થવા માંડી છે. દુનિયાની મોટી કંપનીઓ અને એલન માસ્ક જેવા અમેરિકન  અબજોપતિ પણ એની પાછળ છે. તેમાં એ ટેક્નોલોજીનો દુરુપયોગ ન થાય એના માટે શક્તિશાળી દેશો પણ નઝર નાખી રહ્યાં છે. ખુલ્લેઆમ ફેસબૂક , ગુગલ , અમોઝોન, માઇક્રોસોફ્ટ  સૌથી આગળ નીકળી જવા  માટે તત્પર છે. 

                                             ઓપન એ-વનના સી ઈ ઓ અલ્ટમાનને એની કંપનીના  ડિરેક્ટરોએ   હાંકી કાઢ્યા હતા . તેમને અલ્ટમાનના ઈરાદાઓ વિશે અવિસ્વાસ  હતો.  પરંતુ એ કંપનીમાં માઈક્રોસોફ્ટે બિલિયનો ડોલર્સ નાખેલા છે.  તે ઉપરાંત કંપનીના બધા જ નોકરિયાતોને  અલ્ટમાનમાં વિશ્વાસ  હતો .



                                             આવા ખરાબ વખતમાં  માઈક્રોસોફ્ટના સી ઈ ઓ  સત્યા નાડેલા એ  હિંમત પૂર્વક  અલ્ટમાન એના સ્ટાફને કહ્યુકે ' હું તમને માઈક્રોસોફ્ટમાં  તમને બધી સગવડો આપીશ જેથી તમે તમારું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ નું  કામ અમારી કંપની સાથે કરીશકો છો.  આથી ' એ ઈ-1  માં હડકંપ મચી ગયો ને અલ્ટમાનને પાછા લેવા પડ્યા. અને પેલા ડિરેક્ટરોને રાજીનામુ આપવું પડ્યું.

                                              તે ઉપરાંત સત્યા નાડેલાએ ' એ ઈ -૧' ના એક  સ્થાપક મુસ્તફા  સુલેમાની  માઈક્રોસોફ્ટમાં જ રાખી લીધા જેથી પોતાનું જ 'એ આઈ- મોડેલ જલ્દીથી શરુ કરી શકાય. એમાં જ નવી ટેક્નોલોજી પર કાબુ મેળવવાની પહેલ છે.

                                                 સત્યા નાડેલા જેવા મજબૂત માણસો જ આવતા દિવસોમાં દુનિયાનો ચહેરો  બદલવામાં  અગત્યનો ભાગ ભજવવાના છે.  

                                                 સત્યા નાડેલા ભારતીય મૂળના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સ્નાતક  છે. એ ભારતીયો માટે ગૌરવની વાત છે.

                                               ******************************

Monday, August 5, 2024

  


જાણવા જેવું -

                                              આકાશમાંથી વરસતો વરસાદ ઘણી વાર બહુજ આલ્હાદક અને લોકઉપયોગી હોય છે. પરંતુ એના એક એક ટીપામાં બી-૧૨ જેવું વિટામિન હોય છે જે માનવીની શક્તિ  માટે ઘણુંજ ઉપયોગી હોય છે.

                         પાઈનેપલ એ બહુજ  સ્વાદિષ્ટ ફળ છે પરંતુ તે ઉપરાંત  માનવીની તંદુરસ્તી માટે એ ઘણું ઉપયોગી ફળ છે. એ કફ સુરપ કરતા પાંચ ઘણું  અકસીર  હોય છે. એ કફ અને ફ્લૂની અકસીર દવા છે.

         ગાજર એ એવું  શાકભાજી છે જેમાં  ફેટ જરા પણ નથી. એથી એ ખાવાથી  શરીર માટે  સારું રહે છે.



                         મધમાખી મધ ઉત્તપન કરે છે. પણ એક મધમાખી જ્યારે બે મિલિયન ફૂલોને ચૂસે છે ત્યારે એક પાઉન્ડ જેટલું મધ ઉભું કરી શકે છે. આ બતાવે છેકે મધમાખી માટે મધ ઉભું કરવા માટે કેટલો શ્રમ કરવો પડે છે .

                        કારમાં એક કલાક  હેડફોન પહેરી રાખવાથી  સાતસો  ટાઈમ બેકટેરિયા વધે છે. આથી વ્યક્તિની તંદુરસ્તીને કેટલું નુકસાન થાય છે એની માહિતી હોવી જરૂરી છે. 



                        ઈંડાની અંદર બધા જ વિટામિનો હોય છે,  ફક્ત વિટામિન સી નો એમાં અભાવ હોય છે. એટલા માટે ઈંડા માનવી તંદુરસ્તી માટે પણ સારા છે.

                      વિજ્ઞાનીકો પ્રમાણે આપણું મગજ એટલી વૉટની શક્તિ વાપરે  જેટલું  ૧૦ વૉટની  લાઇટમાં વપરાય છે.

                     એમ માનવામાં આવે છેકે  ૩૦ મિનિટમાં આપણું શરીર એટલી  ગરમી કાઢે છેકે  જેનાથી  ૧.૫ લિટર પાણીને ઉકાળી શકાય. 

                    આશ્ચર્ય જનક વાત એ છે કે તમે કાબુ બહાર હસી રહ્યા હોય  અને જો તમે તમારો હાથ માથાની ઉપર ઊંચો કરો તો તમારું હાસ્ય તરત અટકી જશે. આ અજમાવી જોવા જેવો એક પ્રયોગ છે.

                                  ******************************************

Wednesday, July 17, 2024

 


વિશ્વાસ 

                                        સંસાર એક જંગ છે અને એમાં જેનામાં વધારે વિશ્વાસ હોય એવી વ્યક્તિઓની મદદ થી  એ જંગ ખેલવો પડે છે. પરંતુ ઘણીવાર એવા પ્રસંગો બને છે કે જેના પર વિશ્વાસ કર્યો હોય તેજ ટેકો ખેંચી લે છે કે પછી વિશ્વાસઘાત  કરે છે. ત્યારે માનવી નિરાશ થાય છે . તેછતાં  કેવા માણસોનો વિશ્વાસ કરવો એના પર પણ મંથન કરવું જરૂરી છે.

                                    કેટલાક માણસો બીજાની મજાક કરીને એમાંથી આનંદ મેળવે છે. એવા મનુષ્યોથી ચેતીને ચાલવું જરૂરી છે. કારણકે એવા માણસો તમારી પડતીમાં કે પછી ખરાબ દિવસોમાં કેટલા સાથે રહશે એ શંકા જનક છે. એવા મનુષ્યોનો વિશ્વાસ કરવો ન જોઈએ.



                                  ઘણા એવા પણ હોય છે જે જીવનમાં જવાબદારી લેતા નથી  અને દરેક  વસ્તુ માટે બીજાને જ દોષ દે છે. એવા મનુષ્યો પર વિશ્વાસ કરવાથી આખરે નિરાશા જ મળે છે.

                                     આ જગતમાં એવા લોકો પણ હોય છે જેઓ કહે છે શું ? અને કરેછે કઈ બીજું. આવા માણસો જરા પણ વિશ્વાસને લાયક હોતા નથી. એવા લોકો ઘણીવાર દગો પણ દઈ શકે છે.



                                     જે લોકો તમારી સામે વખાણ કરે જાય છે અને તમારી પીઠ પાછળ ઘા કરેછે. આવા લોકોને લીધે જીવનની મુશીબતોમાં સહન કરવાનો વારો આવે છે. એ લોકોનો કદી વિશ્વાસ કરી ન શકાય .

                                    કેટલાક લોકો તમારા જે હિતમાં હોય છે એના વિષે  શંકા ઉત્ત્પન કરે છે અને તમારું અહિત કરે છે આવા મનુષ્યોને દૂર જ રાખવા જોઈએ કારણકે તે ઓ કદી વિશ્વાસને પાત્ર હોતા નથી.



                                     તમારી જે મહત્વકક્ષા  હોય છે જે જાણીને કેટલાક ઈર્ષા પણ કરી શકે છે. અને એમાં અવરોધો પણ ઉભા કરી શકે છે. આવા લોકો તમારા માર્ગમાં  આવી તમારે માટે તમારું લક્ષ મુશ્કેલ બનાવી દે છે . એવા લોકોને પહેચાની એમને દૂર રાખી એમનો વિશ્વાસ ન કરવો જોઈએ .

                                     ટૂંકમાં માણસોને   ઓળખવાની દ્રષ્ટિ કેળવી એમની યોગ્ય તુલના કરીને એમની સાથે સબંધો કેળવવા જરૂરી છે.  જેથી જીવન સંગર્ષ  સરળ અને સફળ રહે. 

                                *******************************************************