Monday, January 6, 2025

 


માં તે માં બીજા વગડાના  વા 

                                                       માં જેવો નિશ્વાર્થ પ્રેમ અને સંતાનો પ્રત્યેનું બલિદાન અજોડ હોય છે. માં ની  જગ્યા  દુનિયામાં કોઈ લઇ શકે નહિ . એટલામાટે કહેવાય છે કે કોઈની માતા  મૃત્યુને ભેટવી ન  જોઈએ.  મનુષ્યને શાંતિ  અને હૂંફ જોઈતી હોય તે માના ખોળામાં જ મળે છે. દુનિયામાં એક એવો માનવી બતાવો કે જે એની માતાને પ્રેમ ન કરતો હોય? માં પ્રેમ , બલિદાનની અને કરુણતાની સાક્ષાત મૂર્તિ હોય છે.લોકો ઈશ્વરની શોધમાં  ભટકતા હોય છે પરંતુ ઈશ્વર તો માની ગોદમાં જ જોવા મળે છે. 



                                                      વિશ્વમાં કોઈ પણ મહાન વ્યક્તિની આત્મકથા વાંચશો તો એમાં એના માના એના જીવનમાં કેટલું પ્રદાન હતું  એ જાણવા મળશે . અબ્રાહમ લિંકન , મહાત્મા ગાંધી , શિવાજી વગેરે ઘણી ઇતિહાસિક  મહાન વ્યક્તિઓના જીવનમાં એમની માતાનું અદભુત પ્રદાન હતું . શિવાજીની માતા જીજીબાઈનું હાલરડું પ્રેરણાત્મક  અને મધુર છે જે આજે પણ પ્રચલિત છે.  અમેરિકાના  પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને કહ્યું છે કે એની માતાનો એના જીવનના ઘડતરમાં મહત્વનો ફાળો હતોકારણકે એના દારૂ જેવી બદીઓથી ઘેરાયેલા હતા.ઘણા  મોટી વ્યક્તિઓ સારા કામો માટે હંમેશા માં આશીર્વાદ લેતા રહેતા હોય છે.



                                                     ભગવાન શ્રી કૃષ્ણ  એમના શિશુકાળમાં વ્રજમાં એમની માતા જશોદા જે જમીન પરથી પસાર થતા તેની ધૂળ ચાટતા રહેતા એમ કહેવાય છે. કૃષ્ણ મથુરા છોડી સોનાની દ્વારકા બનાવી ત્યાં રહેતા હતા ત્યારે પણ માં યશોદાની યાદમાં ઝૂરતા રહેતા. એમના ભીના ઓશિકાઓ જોઈને એમની રાણીઓ સમજી જતીકે રાતભર કલાકો સુધી  એમની માની યાદમાં કેટલાએ આશુંઓ વહાવ્યા હશે. માની વિરહ બાદ વર્ષો પછી માં જશોદાને દ્વારકામાં મળ્યા ત્યારે માના  ખોળામાં સૂઈને આંસુઓનો વરસાદ વર્ષાવ્યો હતો. આજ બતાવે  છેકે માનો પ્રેમ કેવો હોય છે .



                                                  સંતાનો ગમે તેટલા મોટા થઇ જાય પરંતુ માના પ્રેમમાં રતિભાર પણ ફર્ક પડતો નથી સંતાનને જો ઠોકર વાગે તો એની પીડા માને થતી હોય છે. આવો અદભુત હોય છે માનો પ્રેમ. સારા અને ખરાબ બંને જાતના સંતાનો માટે માનો પ્રેમ હંમેશા સરખો રહે છે એજ એની મહાનતા છે. મહાત્મા ગાંધીના મોટા પુત્ર હરિલાલે એકવાર ભરી સભામાં એમની માતા કસ્તુરબાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા  હતા અને ગાંધીજી ની અવગણના કરી હતી અને કહ્યું હતું ' મારા પિતા  મહાત્મા બન્યા પણ તે  મારી માતાના બલિદાનને આભારી છે. '



                                               આ પણ માતૃ પ્રેમનો એક અદભુત નમૂનો છે. કસ્તુરબાને પણ એના બાગી પુત્ર તરફ પણ એટલોજ પ્રેમ હતો.  માનો પ્રેમ બધાજ સંતાનો પ્રત્યે સરખોજ પ્રેમ હોય છે એનો આ ઉત્તમ દાખલો છે.

                                               ****************************************