Sunday, October 22, 2023

 


મિત્ર 

                                            સાચા મિત્રનું સ્થાન જીવનમાં ઘણું હોય છે. એની સાથે મન ખોલીને વાત કરી શકાય છે. જીવનના ઉકળતા પ્રશ્નો વિષે સાચી સલાહ પણ મેળવી શકાય છે. સાચો મિત્રનો  અભિપ્રાય ગમે તેટલો કઠોર પણ હોય તેને અવગણતા પહેલા એના પર ઊંડાણ પૂર્વક વિચાર કરવો જોઈએ. એની સાથે તમે ભૂતકાળ , વર્તમાન  અને ભવિષ્ય વિષે પણ નિખાલસ પૂર્વક ચર્ચા કરી શકાય છે.  મિત્રનું સ્થાન કુટુંબ કરતા ઘણી બાબતોમાં  વધી જાય છે.

                     મિત્રતા જેટલી જૂની હોય તેટલી એની મધુરતા વધી જાય છે. એથી નાનપણના મિત્રો એટલેકે શાળાના મિત્રોની મિત્રતા  વધારે  ગહેરી બની રહે છે.  સાચી મિત્રતા કદી ગુમાવી શકતી નથી.તે ઉપરાંત એ મહત્વનું નથી તમે કોની સાથે વધારે સમય પસાર કરો છે પરંતુ તમે કોની સાથે જીવનનો ઉત્તમ સમય પસાર કરો છે. એમાં મિત્રનું સ્થાન બહુજ અગત્યનું આવે છે.



                    સાચા મિત્રને દરરોજ ન  પણ મળો અને એની સાથે વાત ન કરો તો પણ મિત્રતામાં કોઈ ફરક પડતો નથી. ખરી મિત્રતામાં એકબીજાના પ્રશ્નો સંભાળી લેવામાં આવે છે. જેથી  પ્રશ્નો સરળ બની જાય છે. સાચો મિત્ર તો તમારું દર્દ તમારી આંખમાંથી પારખી જાય છે એના માટે તમને ઢંઢોળવાની જરૂરિયાત રહેતી નથી.

                  લોકો જે તમારી પાછળ બોલતા હોય છે તે તમારો સાચો મિત્ર  તમારા મોઢા પર કહેતા અચકાશે નહિ . બધા જ દર્દનો ઉપાય સાચા મિત્ર સાથે  સહવાસથી  જ પ્રાપ્ત થાય છે . આથી સાચો મિત્ર મળવો એ જીવનની મોટામાં મોટી બક્ષિસ  છે.

                                         **********************************

Friday, October 20, 2023



અદાણી 

                                                          અદાણી અત્યારે ભારતમાં રિલાયન્સ પછી વધુ તેજીથી ઉપસી રહેલી કંપની છે. એ ચોખાથી માંડીને કોલસા અને રિન્યૂએબલ ઉર્જામાં પણ કામ કરી રહી  છે.   એણે ઝારખંડમાં થર્મલ પાવર પ્રોજેક્ટ અને રાજસ્થાનમાં સોલાર ઉર્જાનો પ્રોજેક્ટ પણ પૂર્ણ કર્યો છે. એનો ઑસ્ટ્રેલિયામાં કોલસાની ખાણનો પ્રોજેક્ટ પણ બહુ ચર્ચાસ્પદ બની ચુક્યો છે.  કરોડો ડોલરનો પેટ્રોકેમિકેલ  પ્રોજેક્ટ અત્યારે એણે અનુકૂળ સંજોગોને કારણે પડતો મુક્યો છે. પરંતુ અદાણી પાસે ભારતના મોટા એરપોર્ટના અને  અનેક બંદરોનો વહીવટ કરવાના હક્કો પણ  મળેલા છે.એની કંપનીઓ ૨૦૦ બિલ્લીઓન ડોલર જેટલી હતી પરંતુ અનુકૂળ માર્કેટ સંજોગોને લીધે એ ૧૦૦ બિલ્લીઓન ડોલર પર પહોંચી ગઈ હતી . હવે ધીમે ધીમે એના શેરો ફરીથી ઉપ્પર આવી રહ્યા છે.



                      અદાણી કંપનીના શેરોના ભાવ નીચા જવા માટે અમેરિકાની હિંડેનબર્ગ  રિસેર્ચ કંપનીનો અહેવાલ જવાબદાર  છે. એ અહેવાલમાં  અદાણી પર  શેરોનું ઈન સાઈડ વેચાણ કરવાનું અને આર્થિક ગોટાળા કરવાનો આરોપો કરવામાં આવ્યા છે. પરંતુ અદાણીએ એ આરોપોનો ઇન્કાર કર્યો છે.  આંતરાષ્ટ્રીય  પત્રકાર સંઘે પણ અદાણી પર આરોપો મુક્યા છે. સુપ્રીમ કોર્ટે પણ ભારતના સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડને પણ અદાણી વિશે  અહેવાલ આપવાનો ઓર્ડર કર્યો હતો.



                       આ ઉપરાંત  ભારતના વિરોધ પક્ષ દ્વારા પણ  ભારત સરકાર પર અદાણીના વડાપ્રધાન સાથેના સબંધો પર આરોપો મુક્યા છે. તે છતાં અદાણીના શેરો આગળ વધી રહ્યા છે.  અદાણીનો નફો પણ વધી રહ્યો છે. એની ઘણી લોનો શેરવેચીને ભરી દેવામાં આવી છે.



                       ભારત જેવો દેશ જેની  આર્થિક વ્યવસ્થા પ્રગતિ કરી રહી છે એવા દેશને અદાણી જેવી કંપની ઓની   જરૂરિયાત છે જે દેશની પ્રગતિમાં મદદ રૂપ બની રહે .  એથી આવી બીનાઓ આર્થિક કારણોને લીધે કે પછી હરીફાઈઓને લીધે બનતી જ રહેવાની . એમાં કઈ નવાઈની વાત નથી.

                       મૂળમાં અદાણીની  પ્રગતિ હજુ પણ ચાલુ છે એ દેશને માટે પણ સારી વાત છે.

                                               ********************************

                         

Wednesday, October 4, 2023

 


વસ્તી ઘટાડો -એક પ્રશ્ન 

                                                         ઘણા લોકો ચીન અને ભારત જેવા દેશના વસ્તી વધારેના પ્રશ્ન પર ચર્ચા કરી રહ્યા છે. ત્યારે આખી  દુનિયાના એટલે  કે  ધનવાન અને ગરીબ દેશોના વસ્તી ઘટાડાથી ચિંતા અનુભવી રહ્યા છે.  અમેરિકા અને જાપાન જેવા દેશોના  આર્થિક નિષ્ણાતો  પણ વસ્તી ઘટાડાથી ચિંતિત છે.  વસ્તી ઘટાડાથી વૃદ્ધોની  વસ્તી વધી રહી છે. અને એ  દેશોને  વૃદ્ધોના  પેંશન વધારોના   ખર્ચ  પજવી રહ્યો છે.  તે ઉપરાંત વૃદ્ધોની આરોગ્યના ખર્ચાઓ પણ આખરે તો એમના કુટુંબ પર કે પછી રાજ્યો પર આવવાનો છે.



                                     યુવાનો પાસે વધુ કામ કરવાની શક્તિ અને નવીન શોધો કરવાનો ઉત્સાહ હોય છે. જે રાજ્યની પ્રગતિમાં સારું એવું પ્રદાન કરી શકે છે. બીજું યુવાની વૃદ્ધોના અનુભવને પુરા કરવામાં મદદ રૂપ બને છે.  યુવાનોને પ્રગતિમાં વધુ રસ અને ઉત્સાહ હોય છે. આથી ઘટતી જતી વસ્તી એ નિષ્ણાતોને મતે ભયજનક છે. જાપાન એનો એક જાગતો દાખલો છે. ત્યાં યુવાનોની વસ્તી ઘટતી જાય છે. અને વૃદ્ધોની વસ્તી વધતી જાય છે.

                                      ૨૦૦૦માં દુનિયાનો દરેક સ્ત્રીનો  વસ્તી વધારવાનો દર ૨.૭ હતો તે વધારે હતો પરંતુ અત્યારનો દર ૨.૩ છે જે ઓછો છે.તે ઉપરાંત દુનિયાની વધારેમાં વધારે  જીડીપી ધરાવતા દેશોની વસ્તી પણ ઓછી થઇ રહી છે એ પણ ચિંતા નો વિષય છે. વૃદ્ધોની વસ્તી વધી  રહી છે એવા દેશોમાં જાપાન અને અમેરિકા સિવાય  ઇટાલી , બ્રાઝીલ , મેક્સિકો , અને  થાઇલેન્ડ જેવા દેશો પણ છે.  તેઉપરાંત ચીન અને ભારત જેવા વસ્તીવાળા દેશોમાં પણ વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં વધુ રહે છે. ક્યાંતો વધારે શિક્ષિત નથી. એ પણ એક ચિંતાજનક બાબત છે.



                                         ઘણા વિચારે છેકે  ' આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ '  એટલેકે રોબેટિક ટેક્નોલોજી  વસ્તી ઘટાડાને  પૂરક બની રહેશે . એ  માનવીય હોશિયારીને પણ પૂરક બનશે.



                                         એનો અર્થ માનવીય  હોશિયારીનો  ઉપયોગ ઓછો અને  ટેકનોલોજીનો ઉપયોગ વધારો થશે. એ પ્રશ્ન પણ માનવીય હોશિયારીએ જ ઉકેલવો પડશે. 

                                          આશ્ચર્યની વાતતો એછેકે  વસ્તી વધારા પ્રશ્નની સામે વસ્તી ઘટાડાનો પ્રશ્ન પણ કોયડા રૂપ બની રહ્યો છે.

                                     **************************************** 

                                             

                                                


Wednesday, September 20, 2023



દલાઈ લામા 

                           દલાઈ લામા તિબેટના  આદ્યાત્મિક અને રાજકીય વડા છે. જયારે ચીને તિબેટનો કબજો લીધો ત્યારે દલાઈ લામા ભાગીને ભારત આવ્યા અને તિબેટની બહારની   સરકારની રચના કરી . તેઓને અત્યારે હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે રહે છે.જ્યાં તેમને ભારત સરકારે  આશરો આપ્યો છે. તેઓની પ્રતિષ્ટા કહી દુનિયામાં પથરાયેલી છે. એમને શાંતિનો નોબલ પુરષ્કાર પણ આપવાંમાં આવ્યા છે.  તેઓ દુનિયાભરમાં ફરેછે અને આધ્યાત્મિક પ્રવચનો પણ આપે છે. અને સાથે સાથે તિબેટની આઝાદી માટે પણ ઝુંબેશ ચલાવે છે . તેમના આધ્યાત્મિક વિચારો એટલાજ પ્રખ્યાત છે. 

                                                                      તેઓ  માનેછે કે સર્વોચ્ચ ધર્મ એ છે કે જે માનવીને ઈશ્વર નજદીક લઇ જાય છે. ધર્મ માનવીને  ઉત્તમ માનવી બનવામાં મદદ કરે છે.  એ માનવીને  વધારે જાગૃત બનાવે છે મોહમાંથી મુક્તિ અપાવી ત્યાગી બનાવે છે. માનવીને જે માનવતા યુક્ત બનાવે છે ઉત્તમ ધર્મ છે.

                                                                      માનવીને વધારે જવાબદાર બનાવે તે ઉત્તમ ધર્મ છે એમ દલાઈ  લામા  માને છે. તેઓ મને છે કે ધાર્મિક હોવું એટલું મહત્વનું નથી પરંતુ તમે તમારા કુટુંબ,  સમાજ અને દુનિયા સામે કેવી વર્તણુક કરો છે એ મહત્વનું છે.



                                                                          એમનું માનવું છે કે  જોકોઈ સારી વર્તણુક કરે તો એને બીજા તરફથી સારો પ્રતિભાવ મળે છે. અને ખરાબ કામોથી ખરાબ પરિણામો જ આવે છે. આ સત્ય આપણા બાપદાદાઓ પણ કહી ગયા છે. એટલા માટે તમારું સુખદ  ભાવિ એ તમારાજ હાથમાં છે.



                                                                          તેઓનું માનવું છે કે  તમારા વિચારોમાં  સંયમ રાખો કારણકે વિચારોમાંથી જ શબ્દો ઉત્ત્પન થાય છે. તમે તમારા શબ્દો પર પણ સંયમ રાખો જે અંતે તો અમારા કાર્યોમાં  જ પરિણમે  છે. અને તમારા કાર્યો જ આખરે તમારું ચરિત્રને ઘડે   છે . તમારું ચરિત્ર તમારું ભાવિ ઘડવામાં નિમિત્તરૂપ  બની રહે છે. અને તમારું ભાવિ જ તમારું જીવન ઘડે છે.

                                                                          અંતે તેઓ માને છેકે  સત્ય કરતા કોઈ ઉંચો ધર્મ નથી . એટલે સત્યને  પામવા માટે જ આદ્યાત્મિકતા એક ઉત્તમ રસ્તો છે.  એજ માનવીને સત્ય તરફ દોરી જાય છે.

                                                ********************************                                                     


  

 

Thursday, September 14, 2023



એકાંત અને એકલતા 

                                         જીવનમાં એટલા બધા પ્રશ્નો હોય છે અને જીવન એટલું ગતિશીલ અને હરીફાઈઓમાં ગૂંચવાયેલું હોય છે કે આજકાલ માણસોને એકલા કે પછી એકાંત મળવું મુશ્કેલ બની ગયું છે. શરૂઆતમાં એટલેકે વિદ્યાર્થી અવસ્થામાં ભણતર, ત્યારબાદ નોકરી ધંધા સાથે  ગ્રહસ્થિમાં,  અને અંતે  ઘડપણમાં એના અસ્તિવ અને વ્યક્તિવ જાળવવાની  ગડમથલમાંથી પોતાના અને  અને દુન્યવી  પ્રશ્નો વિષે  બહુ ઊંડાણથી વિચારવાનો વખત જ મળતો નથી. એથી એનું મનુષ્ય જીવન મશીનમય  વીતી જાય છે.  આથી જીવનના પ્રશ્નો, એને  સંગર્ષ  અને દુઃખથી ભરી દે છે. આવા સંજોગોમાં એને વિચાર કરવાનો સમય જ ક્યાં મળે છે?


                                             વિચાર કરવા માટે પણ એકાંતની જરૂરત પડે છે. તે પણ એને મળતું નથી. એવું કહેવાય છેકે માણસ જીવી જાય છે એ અગત્યનું નથી પણ કેવું જીવે છે એ અગત્યનું છે.  પરંતુ માણસને એ બાબતમાં  વિચારવા માટે એકાંતની જરૂર હોય છે.  એકાંત એ જીવનમાં આવશ્યક છે કારણકે એ મનુષ્યને  આત્મમંથનની તક આપે છે. તમારા ખોટા પગલાંઓને સુધારવાની તક આપે છે. માનવીય વીટમ્બણાના ઉકેલોમાં મદદ કરી શકે છે. આથી એકાંત થોડા સમય માટે મેળવવું પડે છે.  આથી એકાંત માંગેલી વસ્તુ બની શકે છે.

                                       જયારે એકલતા ઘણીવાર  માણસે માગેલું હોતું નથી પણ લાદવામાં આવેલું હોય છે.  એકલતા માણસને વિહ્વળ કરી નાખે છે. એને ઘણીવાર ભારરૂપ બની જાય છે. દુઃખનું કારણ બની જાય છે. ઘણીવાર માણસને એકલતાને લીધે જીવન નિરસમય લાગે છે અને એની તંદુરસ્તીને પણ અસર થાય છે.  અને એને દુનિયાથી દૂર કરી  નાશ તરફ દોરી જાય છે.

                                         ઋષિઓ પણ એકાંત શોધતા હતા એકલતા નહિ. તેઓ પણ ઘણીવાર એમના કુટુંબ કબીલા સાથે રહેતા પરંતુ એમનો વધુ સમય એકાંતમાં ચિંતનમાં પસાર કરતા. અને પોતાનું જ્ઞાન પણ વધારતા રહેતા. તેમના એકાંતવાસમાં જ એમણે દુનિયાની ઘણી સાયન્સ અને સાંસ્કૃતિક  કૃતિઓનું સર્જન કર્યું છે. જયારે દુનિયા અંધકારમાં હતી ત્યારે સૂર્ય, ચંદ્ર અને ગ્રહો કઈ જગ્યા પર ક્યારે હશે એવી ગણતરીઓ તેઓ કરી શકતા હતા. આર્યુવેદ જેવું   શાસ્ત્રની પણ રચના કરી.  આવી અસંખ્ય શોધો તેમના એકાન્તવાસની ઉપજ છે.

                                          આથી એકાંત મનુષ્ય માટે ઉપયોગી બને છે પરંતુ એકલતા ઘણીવાર  અનેકઃ દુઃખોનું કારણરૂપ બની રહે છે. 

                                  **********************************************  

Saturday, September 2, 2023



મરી મસાલા 

                                                           જુના જમાનાથી ભારત એના મરી મસાલા માટે જાણીતું હતું અને એથી જ યુરોપના દેશો મરી મસાલા એટલેકે  કાળું સોનુ અને અને સમૃદ્ધિ પ્રત્યે ભારત પ્રત્યે આકર્ષાયા હતા. એની શોધમાં યુરોપીઅન લોકો ભારત આવ્યા અને અંતે ભારત ઇંગ્લેન્ડ, પોર્ટુગીઝ , અને ફ્રેન્ચ લોકોનું સંસ્થાન બની રહ્યું.  અંતે ઇંગ્લેન્ડે ભારત પર કબજો જમાવ્યો અને દીવ , દમણ , ગોઆમાં , પોર્ટુગીઝોએ  પગદંડો જમાવ્યો. ફ્રેન્ચોએ પણ ચંદ્રનગર અને પોન્ડિચેરીમાં  પોતાના સંસ્થાન  સ્થાપ્યા. 

                           ભારતની સમૃદ્ધિ અને મરી મસાલા ભારત માટે શાપ રૂપ બની રહ્યા.  સમૃદ્ધિતો અંગ્રેજો લૂંટી ગયા  અને ભરપૂર મરી મસાલા અહીંથી લઇ જતા રહ્યા.

                             મરી મસાલામાં શું ખૂબી છે એના ઉપયોગ પરથી અને એના  ગુણો  પરથી જાણી શકાય છે. એમાં તજ જે ઝાડની છાલ છે એનો ઉપયોગ ચાહના મસાલામાં ઉપયોગ થાય છે. તે ઉપરાંત તે વિવિધ વાનગીઓ તૈયાર કરવાંમાં ઉપયોગી હોય છે. તાજનો વઘારમાં પણ ઉપયોગ થાય છે. જેથી વાનગી સુગંધી અને  સ્વાદિષ્ટ  બને છે. તજ એન્ટિસેપ્ટિક છે અને ફૂગનો  નાશ કરે છે.  તે ઉપરાંત એનો ઉપયોગ અપચો, ગેસ , કોલોસ્ટ્લ જેવી બીમારી ને દૂર કરવાંમાં થાય છે .



                        મરીનો ઉપયોગથી રસોઈમાં સ્વાદ અને સુગંધ લાવેછે.  અને બીજી રીતે ગુણોમાં ઠંડા અને તીખા હોય છે. એમાં બે જાતના મરીઓ હોય છે સફેદ અને કાળા.એનો ઉપયોગ શરદી ,ઉધરસ ,તાવ , ગળાના આંતરડાના અને મરડા જેવા રોગોમાં કામ આવે છે. વજન પણ ઉતારવામાં મરી ઉપયોગી બને છે. બજારમાં  મરીની કિંમત ઘણી સારી છે.



                       અજમો  પાચનમાં સુધારો કરે છે.એનો ઉપયોગ શરદી,ખાંસી ,અસ્થમા, કોલેરા ,ઝાડા  જેવા રોગોમાં થાય છે. 



                        લવિંગ  દાંતના દુખાવાને  દૂર કરવામાં ઉપયોગ થાય છે. તે ઉપરાંત છાતીનો દુખાવો , અપચો , તાવ , ઉધરસ અને શરદીમાં પણ ઉપયોગ થાય છે.



                       આદુનો ઉપયોગ રસોઈમાં  સ્વાદ સુધારવામાં થાય છે. તે ઉપરાંત એનો ઉપયોગ  ઉલટી ,કબજિયાત .હાઇપરટેંશન  જેવી બીમારીઓમાં  થાય છે. તે ઉપરાંત એનો ઉપયોગ  દાળ , શાક , અને ચટણીને સ્વાદિષ્ટ બનાવવામાં પણ થાય છે.  

              આમ  મરી મસાલા રસોઈ અને અનેક બીમારીઓમાં થાય છે. એથી એની મહત્વતા વધુ છે.

                                   ************************************


 

  

Friday, August 25, 2023



તંદુરસ્તી - ૭૫ મી વયે 

                                જ્યારે ઉંમર ૭૫ ની ઉપ્પર જાય છે ત્યારે વૃદ્ધો માટે તંદુરસ્તી જાળવવી મુશ્કેલ બનતી જાય છે. બધા શરીરના અંગો નબળા વધુ થતા જાય છે. ત્યારે સારી તંદુરસ્તી જાળવવી મુશ્કેલ થતી જાય છે.   

                                  તે વખતે   ઊંઘનું  બરાબર ધ્યાન  રાખવું  જરૂરી છે. ઓછામાં ઓછી  સાત કલાકની ઊંઘ લેવી જરૂરી છે. એ  જીવનને સફૂર્તીમય રાખે છે.

                                  ધ્યાન અને અધ્યાત્મક્તા  પણ જીવનના તંગ અને દબાણ લાવતા  પ્રશ્નોનો સામનો કરવા જરૂરી છે. ધ્યાન  જીવન સંગ્રામના પ્રશ્નોના  સામનો કરવામાં મદદ કરે છે અને રાહત પણ આપે છે.  

                                 જેમ જેમ વય વધતી જાય તેમ તેમ લોકોનો સંમ્પર્ક ઓછો થતો જાય છે જે એકલતા સર્જે છે.. એમાંથી ઘણીવાર માનસિક વ્યથાઓ ઉત્ત્પન્ન થાય છે. આથી લોક સંમ્પર્કમા સતત રહેવું જરૂરી છે. એનાથી લોકો સાથેના સંપર્ક વધતા અને વાતચીતમાં  વ્યસ્ત રહેવાથી માનસિક અને શારીરિક તંદુરસ્તી સારી રહે છે.



                                   વધતી ઉંમરમાં બને ત્યાં સુધી થઇ શકે એવી કસરતો કરવી જરૂરી છે  અને હળવી રમતો જેવીકે કેરમ રમવી . તે ઉપરાંત  ગાર્ડનિંગ   પણ કરી શકાય.  દરરોજ ૩૦ મિનિટ ચાલવાથી  પણ શરીર સારું રહે છે.  પાણીમાં તરવા જેવા શોખો પણ શરીરને સારા રાખવામાં મદદ રૂપ થાય છે. 



                                  આજના ટેક્નોલોજીના જમાનામાં ઈન્ટરનેટથી   જ્ઞાન પણ વધારી શકાય છે.  એમાં સારી રીતે સમય પસાર કરવાથી શરીર માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રાખી શકાય છે. માણસ જીવે ત્યાં સુધી નવું શીખવાની ઉત્સુકતા જાળવી રાખવી જોઈએ. 



                                   તે ઉપરાંત ખોરાકમાં પણ  સંયમ જાળવવો જોઈએ જેથી શરીર સારું રહે.  જેમ બને તેમ  પેટમાં જરૂરિયાત કરતા ઓછી જગ્યા રાખવી જોઈએ.   ખાંડ અને  કાર્બોહાઇડ્રેટ  જેવા પદાર્થો વાળા ખોરાકો ઓછા લેવા જોઈએ.  ફળો અને લીલા શાકભાજીઓ  વધારે ખાવા જોઈએ જેથી શરીરને પચાવવામાં સહેલું પડે .

                                    મૂળમાં વધતી વયે વધારે સંયમ રાખી હળવું અને તંદુરસ્તી ભર્યું જીવન જીવી જવું જોઈએ.  કેટલા વર્ષો જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું અને કેટલું તંદુરસ્તીથી જીવ્યા એ મહત્વનું છે.

                                        *****************************