Monday, May 27, 2024

 


ભક્તિનો મહિમા 

                                       ઘણા લોકો પોતાની ઈચ્છા પ્રાપ્તિ માટે ભક્તિ કરે છે. જયારે ઘણા પ્રભુની પ્રાપ્તિ  માટે ભક્તિ કરતા રહે છે.  પ્રભુની પ્રાપ્તિ એટલે મોક્ષની ખેવના સાથે પ્રભુ ભક્તિ કરે છે.  એ બધામાં નિશ્વાર્થ ભક્તિ કરનારા ઉચ્ચ ભક્તો કહેવાય છે. પરંતુ ભક્તિમાર્ગમાં  ત્યાગ અને મોહ માયા વગર ભક્તિ કરે છે એને જ જીવનમાં મુક્તિ મળે છે. નરસિંહમહેતા  અને મીરાંબાઈ જેવા ભક્તો પણ થઇ ગયા છે જેમની પ્રભુ ભક્તિ નિર્મળ અને પવિત્ર હતી. એમાં મોહ સ્વાર્થ  જેવી કોઈ વસ્તુ ન હતી. એમાં એક કવિએ કહ્યું છે 

                   હરિને ભજનારાને માયાનો કોઈ મોહ નહિ 

                   હરિનો આવે બુલાવો તો એને કોઈ ગમ નહિ 

                   એને ભાઈઓ શું અને ભાંડુઓ શું 

                   અને ભગિની અને ભારથા શું 

                   હરિને  મળવા થકી એને કોઈ રસ નહિ 

                   હરિને  ભજનારાને  માયાનો કોઈ મોહ નહિ 

                   એને ઈર્ષા નહિ અને અભિમાન  નહિ 

                   અહમ તણો કોઈ અંશ નહિ 

                   એને હરિમાં ભળવા સિવાય કોઈ લક્ષ નહિ

                    હરિને ભજનારાને માયાનો કોઈ મોહ નહિ 

                     હરિનો આવે બુલાવો તો એને કોઈ ગમ નહિ 



                                                       ટૂંકમાં ભક્તિમાં  સાચા ભક્તોએ  મોતના પર વિજય મેળવી લીધો હોય  છે. અને તેઓ મોતથી પણ ભય રહિત હોય છે. તેઓ લોકોથી પણ પર હોય છે. તેઓ પ્રભુમાં લીન થઇ ગયા હોય છે.  આવા ભક્તો પર પ્રભુ આવરી જાય એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. 

                                           *******************************************

                     

                     

                             

Tuesday, May 14, 2024

 


જાપાનીસ શોધો અને વ્યાધિઓ 

                                                                 જાપાન અત્યારે વૃદ્ધોની વસ્તીથી છલકાઈ રહ્યું છે એ જાપાન માટે ચિંતાનો વિષય છે. યુવાનોની વસ્તી ઘટી રહી છે. એથી રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થા પર એની આડી અસર થાય છે. પરંતુ વૃદ્ધોની વસ્તી વધવાનું કારણ એમની શારીરિક આવરદા સારા અને તંદુરસ્થ  જીવન જીવવાની શૈલી છે. તંદુરસ્થ જીવન પણ એમની  વિજ્ઞાનિક અને સંધોધન આધારિત  વિચારધારા પર અવલંબિત છે.

                                                              આવા પ્રાકૃતિક સંધોધનોએ લોકોની તંદુરસ્તી વધારીને લોકોના આયુષ્યને વધારી દીધું છે. એનો મોટો લાભ વૃદ્ધોને જ થયો છે. જાપાનીસો  માને  છેકે   કેન્સર ,હાર્ટને લગતા રોગો અને શ્વાસો શ્વાસના રોગો પ્રદુષણને આભારી છે તેથી દેશમાં પ્રદુષણ ને શુદ્ધ રાખવું જરૂરી છે. એની શરૂઆત સ્વચ્છતાથી કરવી જરૂરી છે.આમ જાપાન સ્વસ્છ દેશ બની રહ્યો છે. અને પ્રદુષણ પણ ઘટાડવામાં સારા એવા પ્રયાસો થયા છે.


                                                           બીજા સામાન્ય રોગો જેવા કે એસિડિટી તંગ જીવનને લીધે થાય છે એમાં ખોરાકનો ભાગ મહત્વનો નથી એવું જાપાનીસ એના પર સંધોધનોને કારણે માને છે .તેજ પ્રમાણે અસ્થમા જેવા રોગો દુઃખી માનસને કારણે થાય છે.  માનવીઓમાં    હાયપરટેન્શન જેવા રોગો લાગણીઓને કાબુમાં ન રાખવાથી ખીલે છે એમાં મીઠું  મહત્વનો ભાગ ભજવતું નથી. વધારે પડતી આરામદાયક જિંદગી જીવવાથી  કોલસ્ટ્રેલ જેવી બીમારીઓ આવે છે. એમાં ચરબી પદાર્થો એટલા જવાબદાર હોતા નથી. 

                           તે ઉપરાંત ડાયાબિટીસ જેવી બીમારીઓ વધારે પડતા જિદ્દી સ્વભાવથી વધે છે  અને એનાથી પેન્ક્રીયાઝમાં  બગાડો થાય છે એમાં એકલી ખાંડને જ  દોષ દેવાથી કોઈ  ફાયદો નથી. વધારે પડતો  દ્વેષ અને લાગણીઓનો  ઉશ્કેરાટ  કિડની પર અસર કરે છે. સ્નાયુઓના રોગો પણ વધારે પડતી ચિંતાને આભારી હોય છે. 

                                                            તે ઉપરાંત જાપાનીસો  મનને કોઈ  ઉંચ્ચ ધૈયમાં પરોવી એમાં કેન્દ્રિત રાખવામાં માને છે.  અને એ દિશામાં પ્રયત્ન શીલ રહે છે. નિયમિત કસરતો પણ કરતા રહે છે. લોકોમાં ભળતા રહેછે અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરતા રહે છે. તેઓ વધુને વધુને  મિત્રો બનાવતા રહે છે. પોતે હસતા રહેવું બધાને હસતા રાખવામાં માને છે. આમ તેઓ સકારત્મક  શારીરિક અને માનસિક  પ્રવૃત્તિઓ કરે છે. આથી તંદુરસ્તી સારી રહે છે અને આયુષ્ય  પણ વધે છે.

આમ જાપાનીસ 'સંધોધનો  દ્વારા  તંદુરસ્ત  અને  પોઝિટિવ  જીવન  જીવવાથી જ ઘણા રોગોને નિવારી શકાય છે એવું માને છે.'

                                          ***********************************  

Wednesday, May 1, 2024

 


ઈશ્વર ક્યાં છે?

                                      જીવનમાં ત્રણ જાતના માનવીઓ હોય છે. એક જીવનમાં થયેલ ખરાબ અનુભવોને કારણે ઈશ્વરમાં શ્રદ્ધા ગુમાવી દે છે. બીજા ઈશ્વરમાં શ્રદ્ધા અને અતૂટ વિસ્વાસ ધરાવનારા હોય છે જે ખરાબ સન્જોગોમાં પણ ઈશ્વરમાં વિસ્વાસ ગુમાવતા નથી. અને ત્રીજા અંધશ્રધ્ધાળુ હોય છે. આ અંધ્ધશ્રધ્ધાળુઓ ઈશ્વરની ઓળખાણને વિકૃત  બનાવે છે. આથી ઘણા બુદ્ધિવાન એ વિકૃતિઓને જોઈને ઈશ્વરમાં શ્રદ્ધા ગુમાવી  બેસે છે.

                              ઈશ્વરની સાચી  ઓળખાણ માનવીની કેટલીક  મર્યાદાથી શરુ થાય છે. જેમકે માનવીનો જન્મ અને  મૃત્યુ પર કોઈ કાબુ નથી.  કર્મની સફળતા પર માનવીનો કોઈ કાબુ નથી. તે ઉપરાંત કુદરતના પ્રકોપો પર માનવી અંકુશ ધરાવતો નથી. આ બધા કારણો જ ઈશ્વરજેવી કોઈ શક્તિના અસ્તિત્વની સાબિતી આપે છે. આવા ઘણા કારણો છે જે ઈશ્વરીય શક્તિનું અનુમોદન  કરે છે.

                              ગીતાના નવમા અધ્યાય માં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે ' હું જળના રસમાં છું.' એટલે કે ભગવાન કહોકે ઈશ્વર. આગળ ચાલતા એ કહે છેકે હું સૂર્ય અને ચંદ્રમાના પ્રકાશમાં છું. પુરુષોના પુરુષત્વમાં છું. હું પૃથ્વીમાં અને અગ્નિના તેજમાં છું. હું તપસ્વીઓના તપમાંછું . સંપૂર્ણ ભૂતોમાં જીવન છું. બુધ્ધિમાનોની બુદ્ધિમાં છું. તેજસ્વીઓનાં તેજમાં પણ હું છું.  બળવાનોનું બળ પણ હુંછું.  હું સત્વ, તમસ , અને રજો  ગુણથી  ઉત્પન્ન થતા ભાવોમાં પણ હુંજ છું. નિશ્ચય કરવાની શક્તિમાં હું છું. જ્ઞાન , ક્ષમા ,સત્ય જેવી શક્તિઓ હુંજ ઉત્પન્ન કરુંછું.  સુખ દુઃખની ઉત્પત્તિ , પ્રલય , અને જગતની ઉત્પત્તિનું  કારણ હું જ છું.હુંજ સર્વના આદિ ,મધ્ય અને અંત છું . અને છેલ્લે કહે છે ' હુંજ ચેતના , સમુદ્ર , વાયુ, કામદેવ અને યમરાજ છું. આમ કૃષ્ણ હજારો વર્ષ પહેલા અને જેની   આજે પણ  હિંદુઓ ભગવાનના  અવતાર તરીકે  પુંજે   છે. ગીતા જેમાં કૃષ્ણ એ આ વાત કરી છે એ ગ્રંથને પવિત્ર માનવામાં આવે છે.

                           ટૂંકમાં ઈશ્વરની ઓળખાણ આપણી  શક્તિઓની મર્યાદામાં છે. જન્મ મૃત્યુની જેના પર આપણો કોઈ અંકુશ નથી એ વજૂદ દાખલો છે.  આથી  મંદિરે  કે ગિરજાગ્રહમાં  , કે  મસ્જિદોમાં ભટકવા કરતા તર્કથી ઈશ્વરના અસ્તિત્વને સમજવાની જરૂર છે. 

                                            *******************************

                             

Saturday, April 13, 2024



  કેલિફોર્નિયા 

                                                                        કેલિફોર્નિયા એ અમેરિકાનું કુદરતી અને આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય છે. ત્યાં દુનિયાની સકલ ફેરવનાર સિલીકોન વેલી આવેલી જ્યાં વિશ્વના સમૃદ્ધ લોકો પણ  રહે છે. સાથે સાથે દુનિયાની  પ્રસિદ્ધ નગરી હોલિવુડ પણ છે. અને આનંદપ્રમોદ માટે ડિઝની લેન્ડ પણ છે. 




                               કુદરતી સૌંદર્ય ભગવાને અહીં સીંચી સીંચીને ભર્યું છે. એક બાજુ વિશાલ અને ગહેરો પ્રશાંત મહાસાગર છે તો બી બાજુ લીલાછમ ડુંગરમાળાઓ  પથરાયેલી છે. એક વખત સોનાની ખાણો માટી આવી હતી એટલે લોકોનો ધસારો થયો હતો પરંતુ ટીમે જતા સોનુ સુકાઈ ગયું અને એનો મોહ પણ ચસલી ગયો. તે છતાં આજે કેલિફોર્નિયા સોનેરા રાજ્ય તરીકે ઓળખાય છે એટલેકે 'ગોલ્ડ્ર્ન સ્ટેટ' તરીકે ઓળખાય છે.  



                               બીજીરીતે  કેલિફોર્નિયા  કોસ્મોપોલીટન રાજ્ય અને થોડું ખરચાર્ળ  એટલેકે મોંઘવારી વધારે છે. ઘરો પણ મોંઘા છે અને ટેક્સઓનો દર  પણ બીજા રાજ્યો કરતા  વધારે છે. પરંતુ અહીંની આબુહવા સારી છે અને એની કિંમત અહીંના  લોકોએ ચૂકવવી પડે છે .  



                                       હવે કેલિફોર્નિયામાં હવા બદલાઈ રહી છે. મોંઘવારીને લીધે વેપારધંધા કેલિફોર્નિયાની બહાર જવા માંડ્યા છે. લોકો બીજા રાજ્યોમાં જવા લાગ્યા છે. એમાં કૅલિફૉર્નિયાએ ૩૦ બીલીઓન ડોલર ટેક્ષ  ગુમાવ્યો છે.  કૅલિફૉર્નિયાનો બેરોજગારી દર  ૫.૪%ઘટાડો છે  જે બીજા રાજ્યો કરતા અને  રાષ્ટ્રીય દર ૪% કરતા વધારે છે. નવા રોજગારીની તક ૦. ૮ એક  બેરોજગાર વ્યક્તિ દીઠ  છે જયારે બીજા રાજ્યોમાં એ રેશિઓ ૧.૬ છે. રાજ્યના બજેટમાં  ૩૮ બિલ્લીઓન ડોલરની  ડેફિસિટની ગવર્નરે  જાહેરાત કરેલી છે. કદાચ વાસ્તવિકમાં વધુ હશે એમ માનવામાં આવે છે.  વસતી  ઘટાડો થઇ રહ્યો છે એ પણ રાજ્યની પરિસ્થિતિ પાર પ્રકાશ નાખે છે.





                              આમ એક વખતના બહુજ સમૃદ્ધ  મનાતું  અને સિલીકોન વેલી ને લીધે જે જગપ્રસિદ્ધ  બન્યું છે.  જેની  કુદરતી સમૃદ્ધિ આપાર છે. એવા રાજ્યના આર્થિક પાયા ધ્રુજી  રહયા છે  એ આશ્ચર્ય જનક  છે. વધારે ટેક્સ નાખી શકાય છે પણ વધુ લોકો રાજ્ય છોડી જાય એવી પણ એક ભીતિ છે. 

                             ********************************

                                

  

                                

 

Wednesday, April 10, 2024

 


દહીં 

                                              દૂધમાં મોળવણ  નાખવાથી  દહીં બને છે. જે ઉમુક પ્રમાણમાં અને યોગ્ય  વખતે ખાવાથી શરીર માટે ઉત્તમ છે.  એમાં કેલ્શિયમ. પ્રોટીન , પોટેશિયમ , ફોસ્ફરસ , મેગ્નેસિયમ , વિટામિન બી કોમ્પ્લેક્સ જેવા તત્વો હોય છે જે શરીરની સ્વાસ્થ્ય  માટે ઉપયોગી હોય છે .

                                               દહીં ખાવાનો યોગ્ય સમય સવાર અને બપોરેનો છે.શિયાળામાં  અને ઉનાળામાં દહીં ખાવું આવકાર્ય છે. 

                                            તાજું દહીં શરીરના  મેટાબોલીઝમાં  સુધારો કરે છે.  રોગની સામે પ્રતિકાર કરવાની શક્તિ વધારે છે.   પેટના રોગને ઘટાડે છે.  બ્લડ પ્રેસર નિયમિત કરે છે અને હાંડકા મજબૂત કરે છે. ભૂખ વધારે છે અને ત્વચા સબંધિત સમસ્યાને દૂરકરે છે. તે ઉપરાંત દહીં શરીરના તાપમાનને  કાબુમાં રાખે છે અને   શરીરને ડી હાઇડ્રેશનથી પણ બચાવે છે.  પાચનશક્તિ વધારવામાં  દહીં મદદ રૂપ થાય છે.



                                            સૂર્યાસ્ત પછી દહીં  ન ખાવું જોઈએ . દહીં સાથે તળેલા પદાર્થો ને ખાવાથી પાચનશક્તિ મંદ પડે છે. એની સાથે લીધેલા ખાંટા પદાર્થો ગેસ,એસીડીટી , કબજિયાત , અપચો  જેવી બીમારી લાવી શકે છે. કેરી સાથે દહીં  ખાવાથી  કફ  ,ઉધરસ , અને  સાંધાના દુખાવાની સમસ્યા થઇ શકે છે.   તે ઉપરાંત ડેરી પ્રોડક્ટ સાથે દહીં ખાવાથી સોજાની સમસ્યા ઉભી થઇ શકે છે. 

                                          ટૂંકમાં  યોગ્ય સમયે  દહીંને  ખાવાથી ફાયદાકારક છે પરંતુ  જયારે એને અયોગ્ય પદાર્થો સાથે લેવામાં  આવે તો શારીરિક સમસ્યાઓ  ઉભી થઇ શકે છે.

                                           ********************************* 

Saturday, April 6, 2024

 


સ્વાસ્થ્ય 

                                                                   શરીરની તંદુરસ્તીની જાળવવા માટે  દરેકે પોતાનો આહાર , અને કુટેવો પર ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર ભાવતી વસ્તુઓનો ત્યાગ કરી તંદુરસ્તીને લાયક ખોરાક ખાવાની જરૂરિયાત છે. તેજ પ્રમાણે હાનિકારક   શોખોને  છોડીને શરીરને અનુરૂપ શોખો સાથે જવાની વૃત્તિ હોવી પણ જરૂરી છે.

                                આહારમાં  વધારે  લીલા શાકભાજી  ખાવાની જરૂરિયાત હોય છે.  બીટ અને ગાજર શરીર માટે  સારા  છે . તે ઉપરાંત ટામેટા , કારેલા,કાંકડી , ખાવાથી તંદુરસ્તી સારી રહે છે. દૂધી પણ   લોહીની  શુદ્ધિ માટે ઉપયોગી છે.

                              તળેલી વસ્તુઓ શરીર માટે હાનિકારક છે.  પુરી , પકોડી જેવી વસ્તુઓ શરીર માટે હાનિકારક છે. પીઝા, પાઉં અને ઈંડા  પણ વધુ પ્રમાણમાં ખાવાથી  તંદુરસ્તી માટે નુકશાનકારક  છે. વધારે પડતા તીખા ખોરાક પણ લાંબેગાળે શરીરને  નુકશાન કરે છે. 



                               તમાકુ , ગુટકા ખાવાની આદતો નુકસાન કારક છે. એનાથી કેન્સર જેવી ગંભીર બીમારી  થઇ શકે છે એનું અનુમોદન  ડોક્ટરો પણ કરી ચુક્યા છે. જે જલદી સુવે અને જલદી ઉઠે એ તંદુરસ્ત રહે છે.

                                જેમનું પેટ સાફ રહે છે એ હંમેશા તંદુરસ્ત રહે છે. થોડું પેટ ખાલી રાખીને ખાવાથી પણ શરીર સારું રહે છે. અનુભવ કહે છેકે'લોકો  ગમેતેમ ખાવાથી મરી જાય છે પરંતુ ભૂખથી બહુ ઓછા મરે છે'. ઘણીવાર અનિયમિત જીવન અને ગમે તેમ ખાવાથી પેટ બહાર આવી જાય છે  એ પણ શરીરની તંદુરસ્તી માટે સારું નથી.

                              શરીર માટે કોઈને કોઈ કસરત આવશ્યક  છે. એટલા માટે દરેક વ્યક્તિએ   દિવસમાં ઓછામાં ઓછા  ૩૦ મિનિટ ચાલવું  આવશ્યક છે. કઈ નહીતો ૧૦૮ વાર તાળી પાડવાથી પણ તંદુરસ્તી જળવાઈ રહે એવું પણ માનવામાં આવે છે.



                             આયુર્વેદ પણ તંદુરસ્તી  માટે ઘરની આજુબાજુ  સારી એવી લીલોતરી હોવી જોઈએ જે વાતાવરણ સારું રાખે. તુલસીનો છોડ પણ ઘરના માટે આરોગ્યદાયક ગણાય  છે. ઘણા લોકો  તાંબાના લોટામાંનુ  પાણી તંદુરસ્તી માટે પીવે છે.

                  મૂળમાં સારી આદતો, તંદુરસ્ત ખોરાક અને અનુરૂપ કસરત જ શરીરને તંદુરસ્ત રાખે છે.

                                          **********************************

Tuesday, March 26, 2024



સેમ અલ્ટમેન અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ 

                                                                         આજે સેમ અલ્ટમેનનું નામ આર્ટિફિશ્યલ ઇન્ટિલિજન્સ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો   સદઉપયોગ કરવાનો ઉદ્દેશની  જવાબદારી એમણે લીધેલી છે. તેઓ ટેક્નોલોજી  કંપની   'ઓપન -એઆઈ' ના  મુખિયા  છે.

                                                                 એમણે 'ચેટ જીપીટી'  બહાર પાડીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માં ક્રાંતિ લાવી દીધી છે અને એનાથી આગળ વધીને ચેટ જીપીટી -૪ સુધારેલું  બોક્સ બહાર પાડવાની તૈયારીમાં છે. એમના ઉદ્દેશમાંથી ચલિત થવાની શંકા થવાથી  એમની કંપનીએ એમને વિલંબિત કરી નાખ્યા હતા પરંતુ એમની કંપનીના કામદારોના અને કંપનીના રોકાણકારોના ટેકાથી એમને પાછા લેવા પડ્યા છે. એના ટેકામાં ગુગલ જેવી માતબર કંપની પણ હતી જેણે એમાં સારું એવું રોકાણ પણ કરેલું છે. પરંતુ આ બનાવની પાછળના કારણો જાણવા જરૂરી છે. 

                                                                   આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દુનિયાને ઉપયોગી ક્રાંતિ પણ લાવી શકે છે ,પરંતુ એનો દુરુપયોગ પણ થઇ શકે છે. જોકે એ ટેક્નોલોજીમાં હજુ ગણું કરવાનું બાકી છે. તે છતાં એ કવિતાઓ , લેખો , ડિઝાઇન , અને પેઇન્ટિંગ જેવી કલામાં પણ ઉતરી શકે છે. એ કલાકારો , લેખકો , કવિઓ, ડિઝાઈનરો વગેરેના કોપી રાઈટ ને માટે ભયરૂપ બની શકે છે. બીજા અર્થમાં મનુષ્યની કૈક  નવું રજુ કરવાની  હોશિયારીને નુકશાન કરી શકે છે. એ દ્રષ્ટિએ એ માનવતા માટે ભય રૂપ છે. માનવોની રોજગારીને પણ નુકશાન કરી શકે છે. આથી એનો ઉપયોગ માનવોની ઉન્નતિ કરવા માટે ઉપયોગ કરવો જરૂરી  છે. એ ટેકનોલોજી જો ગુનેગારોના હાથમાં પડી જાય તો એનો દુરુપયોગ પણ થઇ શકે છે . એટલા માટે ઘણા દેશો એના પરઅંકુશ મુકવાના કાયદાઓ પણ ઘડવા લાગ્યા છે.



                                                     એના અનુસંધાનમાં  'ઓપન -એઆઈ ' કંપનીની રચના કરવામાં આવી છે. એના મુખિયા સેમ  અલ્ટમેન  પર  મોટી જવાબદારી છે.  એલન મસ્ક પણ એક વખત એ કંપની સાથે જોડાયેલા હતા. વચમાં કંપનીના કેટલાક ડિરેક્ટરોને અલ્ટમેનની વર્તણુક શકાસ્પદ લાગી અને તેઓ એના ઉદ્દેશથી ખસીરહ્યા હોય એમ લાગવાથી એમને બરખાસ્ત કરી નાખ્યા હતા. પરંતુ હવે ફરીથી એમને કંપનીની દોર સોંપવામાં આવી છે.તેઓની ગણના વિશ્વના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના  ઉચ્ચ  ટેકનોલોજી વિઝાર્ડ  માનવામાં આવે છે. 

                                                   આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ હજુ પૂર્ણતા પર પહોંચી નથી કારણકે એના ચેટ   બોક્સ  બધાજ પ્રશ્નોના સાચા ઉત્તર આપવામાં સફળ થયા નથી. તે છતાં માનવતાના હિતમાં એ ટેક્નોલોજીના વિકાસમાં  પૂરતી સાવધાની રાખવી જરૂરી છે. કારણકે એનાથી દુનિયામાં નવી ક્રાંતિ આવી શકે છે, પરંતુ એના દુરુપયોગથી નુકશાન પણ થઇ શકે છે.

                                    **********************************