Sunday, March 1, 2020


મોરારજી દેસાઈ -૧૨૪ મી  જન્મ   સંવત્સરી 
                                                                                       પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈની  ૧૨૪ મી જન્મ સંવત્સરી  ૨૯ મી ફેબ્રુઆરી ૨૦૨૦ ના દિવસે પસાર થઇ ગઈ. એમને એમના જન્મ દિવસે મળવું જોઈએ એટલું મહત્વ મીડિયા અને વર્તમાનપત્રમાં ન મળ્યું.  એમને લગતા કાર્યક્રમોને ટીવીએ પણ એટલું મહત્વ ન આપ્યું  એમાં  એમની  નહિ પણ દેશની  કમનસીબી છે.  આજે દેશ જે લોકશાહીના મીઠા ફળ ખાઈ રહ્યો છે તે એમને આભારી છે.
                                                                   આપાતકાળ દરમિયાન ભારતીય લોકશાહી પાટા પરથી ઉત્તરી ગઈ હતી ત્યારે એમણે એનો સખત વિરોધ નોંધાવીને ઈન્દિરાજીને હાથે કારાવાસ ભોગવવો પડ્યો હતો. એ કારાવાસ દરમિયાન પણ એમણે આત્મા પરીક્ષણ કરી એમની કેટલીયે ઉણપોને સુધારી હતી એવું એમણે કબુલ્યું .  તે છતાં એમણે હિંમતપૂર્વક સંજોગોનો સામનો કરી સરકારને નમતું  જોખ્યું ન હતું. એજ એમનું પ્રબળ વ્યક્તિત્વ બતાવે છે. એમની  ઉચ્ચ આધ્યાત્મિકતાએ પણ એમાં  મદદરૂપ બની હતી.
                                                                   આપાતકાળ ઉઠાવી લેતા જયારે તેમની મુક્તિ થઇ ત્યારે એમનું જુદુંજ  સ્વરૂપ જોવા મળ્યું હતું.  ઈન્દિરાજી સામે ચૂંટણીમાં જીત્યા બાદ તેઓ વડા પ્રધાન  તરીકે ચૂંટાયા અને રાજની ધુરા હાથમાં લીધી.  તેઓ રાજકીય પ્રતિસ્પર્ધીઓ તરફ  ઉદાર અને નરમ રીતે વર્તતા હતા. ઈન્દિરાજીને પણ ખાતરી આપી હતીકે જ્યા સુધી એમની સામેના આક્ષેપો પુરવાર નહિ થાય ત્યાં સુધી એમને કોઈ હાથ નહિ લગાડી શકશે.  ટૂંકમાં મોરારજીભાઈ મુંબઈ રાજ્યના  મુખ્ય પ્રધાન તરીકે  અને ભારત સરકારની પ્રધાન તરીકે જે કડકાઈ અને કઠણાઈથી કામ લેતા  હતા એ તત્વ એમાં દેખાતું ન હતું.  તેઓ વહીવટમાં  વધારે લોકશાહીને  મહત્વ આપતા હતા.  એ  એમના વ્યક્તિવાનું સકારાત્મક પાસું બન્યું હતું.  એનો ગેરલાભ પણ એમના રાજકીય પ્રતિસ્પર્ધીઓએ  લીધો હતો અને એમની સરકારને ઉથલાવી પાડવામાં નિમિત્તમાત્ર  બની રહ્યું હતું.
                                                               તે છતાં એમણે બંધારણમાં  ઘરખમ ફેરફારો કાર્ય. કોઈ પણ સરકાર પાર્લિયામેન્ટની  બહુમતી સિવાય ' ઈમરજંસી' દાખલ ન કરી શકે એવું બંધારણમાં  આયોજન કર્યું .કોર્ટોને પણ વધુ સત્તાઓ આપવામાં આવી જેથી તેઓ પણ જરૂરી એવી બાબતોમાં સૂચના આપી શકે. આથી ત્યારબાદ કોર્ટો હવે વધુ સક્રિય  બની છે અને રામજન્મ ભૂમિનો ચુકાદો એનો જીવતો જાગતો નમૂનો છે.   વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ  કોર્ટની  બાબતમાં મોરારજીભાઈને યોગ્ય ક્રેડિટ આપી છે.
                                                              એક  વખત  એવો  હતો જયારે મોરારજીભાઇના નહેરુ સાથેના સબંધો બહુજ સારા હતા પરંતુ નહેરુના વંશવાદી વિચારોનો  એમણે વિરોધ કર્યો હતો. આથી નારાજ થઇ નેહરુએ કામરાજ યોજના લાવી મોરજીભાઈને યુક્તિપૂર્વક પ્રધાનમંડળમાંથી બહાર કર્યા હતા. ત્યારથી એમની નહેરુ કુટુંબની સામે રાજકીય સંગર્ષ શરુ થયોને તેને  હજુ સુધી નહેરુ કુટુંબ ભૂલી શક્યો નથી. એજ કારણે એમને વડા પ્રધાન થવા માટે વર્ષો સુધી સંગર્ષ કરવો પડ્યો હતો.
                                               એમનું  ચરિત્ર, વહીવટી કુશળતા, પ્રામાણિકતા અને એમની દેશભક્તિને  એમના વિરોધીઓ પણ પડકારી શકતા નથી. પ્રમુખ જિમી કાર્ટરે કહ્યું છે   કે ' હું મોરારજીભાઈને  મારા અંગત મિત્ર માનું છું.  તેઓને  હું  બહુજ હિંમતવાળા , પ્રામાણિક  અને નીષ્ટાવાન માનવી તરીકે પિછાણું છું'. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમને  નીચેના વીડિયોમાં  અંજલિ આપેલી છે.


                                               એમને ભારતનો સર્વોચ્ચ અવૉર્ડ 'ભારત રત્ન ' અને પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ ' નિશાને પાકિસ્તાન ' પણ  મળેલો છે. જે  લેવા કદી એ ગયા ન હતા પરંતુ એ બંને એવોર્ડ્સ એમને ઘરે માનપૂર્વક પહોંચાડવામાં આવ્યા હતા
                                                  પ્રસિદ્ધ ગુજરાતી  લેખક  ગુણવંત શાહ  એ લખ્યું  છેકે મોરારજીભાઈ  નાળિયર જેવાછે જ્યાં  સુધી નાળિયેર તોડીએ  નહિ ત્યાં સુધી એનું  મીઠું પાણી પીવા  મળે  નહીં  ગુણવંત શાહનું કહેવું છે  કે  વિચિત્રતામાંથીજ અદભુત સર્જન થાય છે.  મોરારજીભાઈ સાથે પાળે પડવું  મુશ્કેલ હતું પરંતુ એમની સિદ્ધિઓ અદભુત  હતી
                                                                            82 વર્ષની ઉંમરે વડાપ્રધાન થવું એક રેકોર્ડ હતો પરંતુ એમનું સ્વાસ્થ્ય ત્યારે  કોઈ યુવાનને પણ શરમાવે એવું હતું.  જયારે  ફોરેનએક્સચેન્જનું  બેલેન્સ એકદમ મુશ્કેલ હતું  અને વિકાસના કામો ચાલુ રાખવાના હતા ત્યારે એમણે લાંબો વખત ભારતનું  નાણા  ખાતું સફળતા પૂર્વક  સાંભળ્યું હતું . નવ વખત ભારતનું નાણાકીય બજેટ રજુ  કરવાનો એમનો  રેકોર્ડ હજુ કોઈએ તોડ્યો નથી. એ વડા  પ્રધાન હતા ત્યારે દરેક વસ્તુ બજારમાં સહેલાઈથી મળતી હતી અને મોંઘવારીનો દર ઍક્દમ  રેકોર્ડ લેવલે નીચે હતો.  અમેરિકા ,રશિયા , ચીન  જાપાન,  પાકિસ્તાન અને પાડોશી દેશો સાથેના સબંધો ઘણા જ ગાઢ બન્યા હતા  અર્થ વ્યવસ્થા પણ તંદુરસ્થ હતી.
                                                                             મોરારજી દેશાઇ ની રાજકીય કારકિર્દી દરમિયાન  ખેતી સુધારાઓ, સામાજિક સુધારાઓ , પોલીસની કાર્યપદ્ધતિમાં સુધારાઓ , બસ સર્વિસનું રાષ્ટ્રીયકરણ એમાના  મહત્વના પ્રદાનો છે. હોમ  ગાર્ડ્સ , ગણોતધારો , સ્ટેટ ટ્રાન્સપોર્ટ  સર્વિસીસ , દારૂબંધી , ફરજીયાત બચત, ગોલ્ડ કંટ્રોલ ધારો , એવા ઘણા સુધારાઓ એમની  પહેલ હતી.
                                                                             તેઓ પહેલા ગાંધીવાદી , ગુજરાતી અને વિરોધ પક્ષના  વડા  પ્રધાન હતા  તેઓ સત્તાને લોકોની સેવા કરવાનું સાધન માનતા  રાજકારણ પણ મૂલ્ય શીલ હોઈ શકે છેએવું એમના આચરણ દ્વારા  સાબિત કરી બતાવ્યું હતું.         
                             
                                                       *****************************

Monday, February 17, 2020


કુદરતનું  ખુન
                                                                                        મનુષ્યોએ  કુદરતની સાથે ઘણો મોટો અન્યાય કર્યો છે. એથી કુદરત ક્રોધિત રીતે વર્તી રહી છે.  કુદરત પર અકુદરતી રીતે આક્રમણ કરવામાં આવી રહ્યુ  છે.  પૃથ્વીના ઝાડપાન  ક્રુરતાથી કાપી નાખી,  પૃથ્વી પર સિમેન્ટ કોંક્રીટનાં જંગલો ઉભા કરી દીધા છે. પૃથ્વીને ખોદી કાઢી એને વેરાન વિધવા સમાન બનાવી  દીધી છે. કુદરતની સંપત્તિઓ સોના, ચાંદી , હીરા, ખનીજો  અને ખનીજ તેલને  લુટવા  માટે ઠેર ઠેર  પૃથ્વીને ખોદી કાઢી છે. એમાં પર્વતો અને નદીઓને પણ છોડી નથી.
                                                                           સાગરઓમા અને નદીઓમાં   ઝેરી રસાયણો અને કચરો નાખી પ્રદુષિત કરી નાખ્યા છે. સાગરના પેટાળને પણ ખનીજ તેલ મેળવવા માટે વીંધી  નાખ્યા છે. માનવીઓએ  નાખેલા ઝેરને કારણે સાગર્ જીવો કમોતે મરી રહ્યા છે.
                                                                         જંગલોમાં  માનવીઓ  પોતાના અહમને સંતોષવા શિકારને નામે જંગલી પશુ પંખીઓનો શિકાર કરી કેર વરતાવી રહયા છે.  ઉદ્યોગોંની ચીમનીમાંથી નીકળતા ઝેરી ગેસોએ હવા અને આકાશને પણ પ્રદૂષિત કરી નાખ્યું છે.  હવે તો અવકાશમાં પણ રોકેટો , યાનો છોડીને મોટો કચરો  ઉભો કરી નાખ્યો છે.  આથી અવકાશ પણ હવે સ્વચ્છ નથી.
                                                                          એકબીજાને પાડી દેવાની  ખાવીશમા રાષ્ટ્રો સંહારક   અને ઝેરી  શસ્ત્રો  બનાવી દુનિયાના નાશ તરફ દોરી રહયા છે. કુદરતે રોગોનું સર્જન કર્યું તો એ રોગોથી પણ ભયંકર વાયરસો બનાવી મનુષ્યો અને રાષ્ટ્રો  વિશ્વ વિજેતા બનવા મથી રહયા છે. આને આપણે યાદવાસ્થળી કહેવા સિવાય બીજું શું  કહેવું ? મનુષ્ય પોતેજ પોતાનું અને પૃથ્વીનો નાશ કરવા ધસી રહ્યો છે. આ પણ એક ગાંડપણ જ છે.
                                                                            કુદરત પણ આ આક્રમણ સામે હવે ક્રોધિત છે કારણ કે હવામાન હવે ઝેરી અને  પ્રદુષિત થઇ ગયું છે.  અહીં સામાન્ય  નિયમ લાગુ પડે છે. ' જેવું ખરાબ   કર્મ તેવું ખરાબ  ફળ '.કુદરત હવે વિફરી છે. ગરમી વિશ્વમાં વધી રહી છે. ઠંડામાં  ઠંડા પ્રદેશ ઉત્તર ધ્રુવનું ઉષ્ણતામાન 20 ડિગ્રી  સેલસિયાસ  સુધી પહોચી ગયુ. સાગરોના પાણીનું લેવલ ઉપ્પર આવી રહ્યું છે અને નીચાણમાં આવેલા પ્રદેશો પર પાણી આગળ આવવા લાગ્યું  છે. અતિશય વરસાદ, નદીઓમાં પૂર, સ્નો  અને બરફીલા  તોફાનો  સામાન્ય થઇ ગયા છે. વાવાઝોડા અને  દરિયાયી  તોફાનો વારંવાર આવવા લાગ્યા છે.  આમ મનુષ્યો કુદરતનું  નુકસાન કરી રહયા છે તો  કુદરત એનો ખરાબ રીતે જવાબ આપી રહયુ છે.
                                                                            હવે એક રાષ્ટ્ર  પોતાની સંશોધન સંસ્થાઓમાં અકુદરતી રોગોનું નિર્માણ બીજા રાષ્ટ્રોને નુકસાન  કરવા માટે બનાવી રહયા છે.  એમાંથી કેટલાએ જીવલેણ રોગોનું  નિર્માણ  થયું છે એમ માનવામાં આવે છે.
                                                                           અત્યારે કોરોના વાયરસ ચીનમાં બહુજ એકટીવ છે. અને અત્યાર સુધીમાં  2000  માણસોના ભોગ લીધા છે અને  84000જેટલી વ્યક્તિઓ  એનાથી  પીડિત છે.  કેટલાએ શહેરોને એના ચેપને લીધે સીલ કરી દેવામાં આવ્યા છે. આ પણ કુદરતનો એક  કોપ જ   છે.
                                                                        વાઇરાસના કેરનો કારમો દાખલો ઉપરના ચીનના 'વુહાન'શહેરના વીડિયો પરથી ખ્યાલ આવી જાય છે. પરંતુ પૃથ્વીના આખરી પ્રલયનુ દ્રશ્ય એનાથી પણ ભયંકર અને કરુણ હોઇ શકે છે. 
                                                        ****************

Monday, February 10, 2020


બિચારા રાષ્ટ્રપિતા
                                                                                                    મહાત્મા ગાંધીની ૩૦ મી જાન્યુઆરીએ મૃત્યુતિથિ ગઈ એ દિવસે કેટલાક રાજનેતાઓએ એમનો રાજકીય ઉપયોગ કર્યો. મુખ્ય  વાતતો એ છેકે એમના સિધ્ધાંતોનો અમલ કરવા  કેટલા લોકો તૈયાર છે? વિશ્વમાં ગાંધીજી હજુ પ્રસ્તુત છે પરંતુ એવું લાગેછેકે ભારતમાં એ હવે નામ માત્ર રહયા હોય એમ લાગે છે. ગાંધીજીને સત્તા સાથે બહુ સબન્ધ ન હતો પરંતુ માનતા હતા કે સત્તા લોકોની સેવા માટે છે. રાજકારણમાં નીતિમત્તા હોવી જોઈએ. એ વસ્તુથી ભારતીય રાજકારણીઓ પર થતા જતા થયા છે
                                             કેટલાક રાજ્કારણિયોતો  એમ કહેતા પણ અચકાતા  નથી કે ' ગાંધીવાદ આ જમાનાને પ્રસ્તુત નથી.  તો કેટલાક એમની હાંસી ઉડાવેછે કે' આઝાદી તો અંગ્રેજોને આપવી હતી એટલે આપીં  એમાં ગાંધીજીનું કોઈ પ્રદાન નથી'. આ પણ કૃતજ્ઞતાનો  એક નમૂનો છે . કેટલાક તો ગાંધીજીને મારનાર ગોડસેને  હીરો તરીકે બિરદાવે છે. ગાંધીજીનો ગુનો શું છે ? ગાંધીજીએ  સ્વતંત્રતાની લડતની આગેવાની લીધી એ એમનો ગુનો હતો કે પછી દેશના ભાગલા અટકાવવા માટે હિન્દૂ મુસ્લિમની એકતાની હિમાયત કરી એ એમનો ગુનો  હતો?
                                              ગાંધીવાદનું  મૃત્યુતો આઝાદી પછી  જ્યારે એમણે એમના ભારત વિશેની કલ્પના વિષે લખ્યું  ત્યારે જ થઇ ગયું હતું .  એમના શિષ્યોએ જવાબ આપવાનું ઉચિત નહોતું માન્યુ .  કેટલાકે કહ્યું  'દેશના ભાગલા માટે ગાંધી જવાબદાર હતા તો કેટલાકે કહ્યું કે ' જ્વાહરલાલ નેહરુને વડા પ્રધાન બનાવવામાં એમની ભૂલ હતી'.  મૂળમાં તો આઝાદી પછી ગાંધીને સાંભળવા એમના શિષ્યો તૈયાર  જ ન હતા. નહેરુ સરદારની અંદર  કામ કરવા તૈયાર ન હતા, અને કેટલાક કોંગ્રેસને  તોડવા પણ તૈયાર હતા. દેશના ભાગલાની ગાંધીજી વિરુદ્ધમાં  હતા પણ બહુમતી નેતાઓ સત્તા મેળવવા અધીરા બની ગયા હતા.  તેઓએ ગાંધીજીની વિરુદ્ધ  જઈને દેશના  ભાગલા સ્વીકારી લીધા હતા.
                                               આથી ગાંધીજી આઝાદીની ઉજવણીમાંથી  બાકાત હતા અને બંગાળમાં  નૌઆખલી ખાતે હિંદૂ મુસ્લિમ હુલ્લડો ઠારવા ચાલી ગયા હતા. ગાંધીજી કોંગ્રેસી નેતાઓથી એટલા નારાજ હતા કે એક વખત એમણે કહ્યું હતુંકે 'કોંગ્રેસનું વિસર્જન  કરી નાખવું જોઈએ  કારણકે એનું કામ પુરુથઈ ગયું છે'. એમનું કોઈ સાંભળવા માગતું ન હતું.  એથી ત્રાસીને એકવાર તો દિલ્હી છોડીને દૂર ચાલી જવા પણ નક્કી કર્યું હતું . કેટલાક શિષ્યોએ એમને રોક્યા હતા અને દિલાસો આપ્યો હતો કે ' તમારી દેશની જનતાને જરૂર છે '
                                                 જે વ્યક્તિના જીવનમાંથી અને સિદ્ધાંતોમાંથી દુનિયાના કેટલાએ નેતાઓએ પ્રેરણા લીધી છે અને સફળ નીવડ્યા છે. ત્યારે એના  પોતાના દેશમાં જ આવી દયામય સ્થિતિ હોય એ આપણી  કમનસીબી છે અને શરમજનક બાબત છે.
                                       *************************************    

Tuesday, February 4, 2020


અજાયબ વસ્તુઓ
                                                                               એવી માન્યતા હોય છેકે  પશ્ચિમના દેશો આગળ વધેલા છે અને ત્યાં સ્ત્રીઓને આગળ વધવાની વધુ તકો હોય છે.  એ ભ્રમ જ છે.  ભારત જેવા આગળ વધી રહેલા દેશમાં વધારેમાં  વધારે સ્ત્રી વિમાની પાઈલોટો  છે જે ગલત માન્યતાઓને જૂઠી પાડે છે.  તે ઉપરાંત સર્વે  પ્રમાણે દીકરીઓને લીધે જ પિતાનું આયુષ્ય  વધતું હોય છે.  અનુસંધાન  એમ કહે છેકે  આખા દિવસમાં સ્ત્રીઓ  સરેરાશ ૬૨ વખત ખુલ્લા મને હસી લેછે અને જીવનનો આનંદ માણી લેછે જ્યારે પુરુષ ૮ વખત જ હાસ્ય નો આનંદ  માને છે . આમ ઘણી  બાબતમાં સ્ત્રી પુરુષોની  આગળ છે.
                                                                           દુનિયામાં ૧૯૫ દેશો છે એમાં ક્યાં દેશનો પાસપોર્ટ વધારેમાં વધારે શક્તિશાળી છે?  લોકોને પૂછો તો શક્તિશાળી દેશો અમેરિકા ,રશિયા, ફ્રાન્સ, જર્મની , ઇંગ્લેન્ડ  કે ચીનનું જ નામ આપશે પરંતુ એ  વાત સાચી નથી.  ૧૯૫ દેશોમાંથી ૧૯૦ દેશો એમના દેશમાં  જાપાનના પાસપોર્ટને વિઝા ફ્રી એન્ટ્રી આપે છે આથી જાપાનીસ પાસપોર્ટને  દુનિયામાં વધારેમાં વધારે  શક્તિશાળી માનવામાં આવે છે. તે ઉપરાંત એ પાસપોર્ટ સહેલાઈથી મળતો નથી.

                                                                        ઓછું ભણેલા  માણસો આવડત વગરના હોય છે એવી માન્યતા  'ગૂગલ' જેવી  કંપનીએ જૂઠી પાડી છે.  ૧૬% જેટલા ગૂગલના કામદારો સ્નાતક પણ નથી તે છતાં દુનિયાની એ ઊંચ  ટેક્નોલોજી પુરી પાડનારી કંપની બની રહી છે.
                                                                           અમેરિકા એ ઘણો સમૃદ્ધ દેશ છે એમાં કોઈ શંકા નથી પરંતુ એની અર્થ વ્યવસ્થામાં  કેટલીક આશ્ચર્યજનક બાબતો છે.  સરેરાશ ૬૨% અમેરિકનનોના  બચત ખાતામાં  ૧૦૦૦  ડોલરથી પણ ઓછા પૈસા પડયા હોય છે.  ૨૧%અમેરિકનોના બચત ખાતા પણ નથી. એટલેકે અમેરિકાની અર્થવ્યવસ્થા ધિરાણ પર અવલંબિત છે
                                                                          એ જાણીને પણ આશ્ચર્ય થાયછેકે આખી દુનિયાનો આશરે  ૫% વેપાર  હોંગકોંગ  મારફતે થાય છે
                                                                           આપણે ઘણીવાર વિમાનનો પ્રવાસ કરીયે છે પણ આપણી જાણમાં નહિ હોય કે વિમાનના  પાઈલટો  એકજ  જાતનું  ખાવાનું  નથી ખાતા.  એકજ જાતની વાનગી ખાવાથી જો ખોરાકમાં ઝેર આવી  જાય તો  બધાજ મુસાફરોનું  જીવન જોખમમાં આવવી જાય છે
                                   આમ ઘણી નાની બાબતોની માહિતી આપણી પાસે હોતી નથી         
                                                *******************************

Monday, January 27, 2020


અહમનો   સંગર્ષ
                                                                                   દુનિયામાં સર્વત્ર  જંગો  જે ચાલી  રહયા છે એની પાછળ માનવીઓનો  અહમ જ હોય છે. સિરિયામાં અમેરિકા અને રશિયાનો અહમ ટકરાઈ  રહ્યો  છે. અમેરિકા અને ઇરાનના  અહમે યુદ્ધ સુધીની નોબત લાવી દીધી છે. સમાજમાં અને રાષ્ટ્રમાં માનવી માનવી અને રાજકારણીઓના અહમ ટકરાઈ જાય છે  ત્યારે અનાચાર સર્જાય છે.

                                                                                   માનવી એક વસ્તુ ભૂલી જાય છેકે  કુદરતની કે પ્રભુ આગળ એમની અમુક મર્યાદાઓ હોયછે, અને એમાં એના અહમના ચૂરેચૂરા થઇ જાય છે.  એને  કવિતામાં નીચે મુજબ વર્ણવી છે, પરંતુ  એ સમજવું માનવી માટે મુશ્કેલ છે.  માનવી મોહમાયાના અંધારપટમાં આંધળો બની ચુક્યો છે.

                                            " ઊંચા  ડુંગરો બનાવી પ્રભુએ
                                             માનવીના  અહમને પડકાર્યો છે
                                              ઊંડા સાગરો બનાવી
                                              માનવોને  તેમની મર્યાદા  બતાવી છે
                                              મગરમચ્છની જેમ દોડી જતી
                                               નદીઓ વહેવડાવી
                                               માનવોની ગતિને પડકારી છે
                                               વીજળીના ભયંકર કડાકાઓમાં
                                               માનવીના ઉન્માદને પડકાર્યો છે
                                                વંટોળોના વંટોળમાં
                                                માનવોને ચકરાવે  ચઢાવે  છે
                                                જંગલની  પરમ શાંતિમાં
                                                જંગલી પશુઓ  વસાવી
                                                માનવી માનવી વચ્ચેની    જંગલીયાતને
                                                 પ્રાણીઓ કરતા બદતર બતાવી છે"
                                                 ભારત દેસાઈ

                                              ****************************
 


                                                     
                                     

Sunday, January 12, 2020


કુદરતનું સ્વર્ગ
                                                                                       કુદરતમાં જ સ્વર્ગ સમાયેલું છે એવું આપણા પૂર્વજો માનતા હતા એથી કુદરતના ભાગરૂપ નદી , સમુદ્ર,  હિમપર્વતો, વાયુ , નીર, અગ્નિ અને ધરતી વગેરેની પુંજા કરતા. એમની જાળવણી કરતા. આથી કુદરત પણ એમના પર આફરીન રહેતી અને એમના અસ્તિત્વને જાળવવામાં હંમેશ અનુકૂળ રહેતી. પરંતુ પ્રગતિના નામે અથવા  પોતાના સ્વાર્થ સાધવા જ્યારથી  માનવોએ કુદરતને લૂંટવા માંડી  ત્યારથી કુદરત રૂઠી છે અને હવે  વાવાઝોડા, નદીઓમાં પૂર, દરિયાનું તાંડવ, હિમ પ્રપાત અને ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓ સામાન્ય થઇ ગઈ છે. હવામાન વિપરીતથઈ ગયું છે. માનવજાતને માટે વાતાવરણ વિષમય બની ગયું છે . રોગચાળો વધી ગયો છે.
                          ભૂતકાળમાં જે કુદરતને ખોળે માનવો  અંતિમ જીવન ગાળતા તેને બદલે કુદરતી  આપત્તિઓથી  રિબાઈ રિબાઈને  મરી  રહયા છે . માનવો અને ધરતીતો એજ છે, ફક્ત કુદરતી વાતાવરણ  બદલાઈ ગયું છે. આજે પણ સંતો , સાધુઓ  કુદરતને શરણે જ રહે છે કારણકે એજ ધર્મ કહે છે.
                             ભૂતકાળમાં પણ સાધુ સંતો હિમ પ્રદેશોમાં કુદરતને ખોળે રહેતા અને અદ્રશ્ય થઇ જતા. મહાભારતમાં  પણ શ્રી કૃષ્ણની  સલાહ મુજબ  પાંડવો  પિતાનું રાજકાજ છોડીને સ્વર્ગમય  હિમાલયમાં જ  કુદરતને શરણે થયા હતા કારણકે આખરે  કુદરતને ખોળે જ સ્વર્ગ સમાયેલું છે. એ સ્વર્ગમાં દિવ્ય માનવીઓ જ લાંબો વખત પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે.  એને  કવિએ બહુજ સુંદર રીતે મૂક્યું છે.
હિમાલયની નીરવ શાંતિમાં -
હિમાલયની નીરવ શાંતિમાં ધર્મરાજ આંસુઓ વહાવે
કુદરત પણ વિલાપ કરે  પ્રચંડ પડઘાઓના  રૂપમાં
રઝળતા રઝળતા લોથપોથ થઈને  ગુમ ભાઈઓને શોધે
જે કદી  ન હતા,  એમને છેહ  દેનારા
હિમાલયની નીરવ શાંતિમાં  -----
માથું ઠંડીમાં ફાટે,  પણ દબાવી આપનાર નકુલ ક્યાં છે ?
થાકમાં ખભે  લઇ દોડનારો  ભાઈ  ભીમ  ક્યાં છે.?
કપરા કાળનો   માર્ગદર્શક  સહદેવ દેખાતો નથી
એમના એકજ શબ્દે ગાંડીવ ચઢાવનાર અર્જુન પણ ગુમ છે.
હિમાલયની નીરવ શાંતિમાં  ---
ક્યાં છે મારા  મિત્ર કૃષ્ણ,  યાદવોના સ્વામી
મુસીબતોમાં  ખડકની જેમ સાથે રહેનારા
બધા બાંધવોને બરફ ખાઈ ગયા છે.
નિરાશ ધર્મરાજ એકલા શ્વાન સાથે સ્વર્ગ દ્વારે જઈ ચઢયા
હિમાલયની નીરવ શાંતિમાં  ----
ચારેકોર કુદરતી   સૌંદર્ય જોઈને  ધર્મરાજ અચરજ ઉભા
 ગમ એટલોજ છે કે એ જોવા એના ભાઈઓ  ન રહયા
ભારત દેસાઈ
                                     ટૂંકમાં કુદરતનું  સૌંદર્યમય  સ્વરૂપ જ સ્વર્ગ છે.
                                           *************************************
 

   

Monday, January 6, 2020


રવીન્દ્રનાથ ટાગોરનું મંથન
                                                                        રવીન્દ્રનાથ ટાગોર એક મહાન સાહિત્યકાર જેમણે એમની કૃતિ 'ગીતાંજલિ'  દ્વારા નોબલે ઇનામ  મેળવ્યું   હતું. તેઓ મહાત્મા ગાંધીની પણ નજદીક હતા અને ગાંધીજીએ એમને ગુરુદેવનું નામ આપ્યું હતું. તેઓ રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રપ્રેમી હતા. એમણે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ 'વિશ્વ ભારતી વિદ્યાલય ' બનાવ્યું હતું . તેઓ મહા ચિંતક પણ હતા.
                                          તેઓ કહ્યુંછેકે  માનવી મંદિર માં શામાટે જાય છે ? મંદિરમાં જઈને માનવી  ફૂલો ચઢાવી દીપ પ્રગટાવે છે. પ્રભુને પ્રાર્થના કરે છે.  પ્રભુ સામે મસ્તક નમાવી દે છે. તે ઘણીવાર પોતાની ભૂલોમાટે  માફી પણ માગે છે. એ બધું ઠીક છે પણ માનવી જીવનમાં શું છે એ વધારે મહત્વનું છે. માનવીનું સ્વરૂપ જે મંદિરમાં હોય છે એવું વ્યહવારમાં હોતું નથી.


                                         આથી ગુરુદેવ રવીન્દ્રનાથે  કહ્યું છે કે માનવીએ મંદિરમાં જતા પહેલા માનવીએ પોતાનું અંતર શોધ કરાવી જોઈએ  કે તે શું છે? એટલે કે એ  પહેલા પોતાના ઘરને  પ્રેમ અને દયાથી સુગંધિત કરવું જોઈએ.  પોતાનામાંથી  અંધકાર , પાપ , અભિમાન અને અહમને દૂર કરવો જોઈએ . બીજા તરફ નમ્રતા કેળવી અને કોઈને પણ દુઃખ પહોચાડ્યું  હોઈ તો એની માફી માંગવી જોઈએ.  નબળા લોકોને મદ્દદ કરી યુવાનોને શક્તિશાળી બનાવવા જોઈએ . બીજા જો કોઈ તમારું અપમાન કરે, અને  દિલ દુભાવે  તો એને માફ કરી દેવા જોઈએ.
                                           આવા વ્યક્તિવ સાથે મંદિરમાં  જવું   માનવ જીવન માટે વધુ  સુસંગત છે એવું તેઓ માનતા હતા. આવા ઉમદા ગુણો જીવનમાં ઉતાર્યા સિવાય મંદિરની મુલાકાત ફક્ત એક આંટાફેરા સમાન જ બની રહે છે. એવા એમના ઉમદા વિચાર હતા.
                                             *********************************