Sunday, December 3, 2023



સુખનું  રહસ્ય 

                                               સુખનું રહસ્ય  માણસના પોતાના હાથમાં જ હોય છે. માણસના પોતાની જીવવાની રીત પરએનો આધાર છે. માણસની પોતાના શોખ , શરીરની તંદુરસ્તી  અને એની માનસિક   સ્થિતિ , અને આદતો પણ એના સુખને માટે જવાબદાર હોય છે.

                                             શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરિયાત પૂરતી ઊંઘ  લેવી જરૂરી છે.દરરોજ કસરત કરીને  શરીરને તંદુરસ્ત રાખી શકાય છે. તે ઉપરાંત  કુદરતને શરણે જવાથી શરીર તાજગી અનુભવે છે. ખુલ્લી હવામાં ફરવું અને પર્વતો પર મર્યાદામાં  ચઢાણ કરવું કે  પછી નિયમિત ચાલવું પણ  આવશ્યક છે . આપણામાં કહેવત  છેકે ' જાતે નર્યા એ પહેલું સુખ છે.

                                             તમારા શોખ  પણ  એવા  હોવા  જોઈએ કે જેમાં તમને  રસ  હોય  અને તમને આનંદ આપતા હોય . નવી નવી જગાઓનો પ્રવાસ  અને તે પણ મિત્રો અને કુટુંબના સભ્યો સાથે જેની સાથે સારો મેળ હોય. લેખન અને સાહિત્યમાં  રસ લેવાથી પણ અનોખો આનંદ મળે  છે. સંગીત અને નૃત્યમાં રસ લેવાથી પણ મન આનંદિત રહે છે.



                                              તે ઉપરાંત સારી માનસિક આદતો પણ માણસને  માનવીય બનાવી અનોખો આનંદ આપે છે. કોઈ પણ માણસ જો તમને કોઈ પણ જાતની નાની મોટી મદદ કરે છે તો એના તરફ કૃતજ્ઞતા બતાવવાથી માનવીય સુખ મળે છે. બીજાને નિશ્વાર્થ ભાવથી મદદ કરવાથી પણ  માનવી સુખ અનુભવી શકે છે.તે ઉપરાંત બીજાની સાથે હસતું મુખ રાખવાથી  બીજાને અને પોતાને પણ સંતોષનો  અનુભવ થાય છે. તે ઉપરાંત જો કોઈ તમને દુઃખ પહોંચાડે તો  એને માફ કરવાથી  દિલ હલકું થઇ જાય છેને દુઃખ પણ દૂર થતું જાય છે. અને સુખનો અનુભવ થાય છે.  સુખી થવાનો  એક રસ્તો એવો છેકે   માનવીએ પોતાની વર્તણુક  હંમેશા બીજાની સાથે  સારી હોવી જોઈએ જેથી બીજાને દુઃખ ન  થાય. કારણકે બીજાના સુખમાં પણ આપણે ઘણીવાર  આંનંદ અનુભવીએ છીએ .



                                     જો માનવી પોતાની મર્યાદાઓ સમજી જાય તો એને દુઃખનું કારણ રહેતું નથી અને એ સુખી રહે છે. જો માનવીએ મર્યાદા સમજવી હોય તો એને તત્વજ્ઞાનની જરૂરિયાત છે.  ધ્યાન , પ્રાર્થના ,અને પ્રભુમાં શ્રદ્ધા રાખવાથી માનવીય મર્યાદાનું જ્ઞાન સહેલાયથી પચી જાય છે અને પછી દુઃખને સ્થાન હોતું નથી અને માનવી સુખની પ્રાપ્તિ થાય છે.

                                    આજ સુખનું રહસ્ય છે.

                                   ************************************


   

                                      

Saturday, November 18, 2023

 


મનોમંથન 

                                                               ચિંતા એ એવી વસ્તુ છે ઘણીવાર કાલ્પનિક હોય છે. અને એના પર માનવીનો કોઈ અંકુશ નથી. એથી જ ચિંતાને ચિતા સમાન ગણવામાં આવે છે.  ખોટી ચિંતા એ સમયનો વ્યર્થ છે. તે ઉપરાંત ઘણી વાર ચિંતા માનવીની તંદુરસ્તી પર અસર કરે છે અને માનવીની કામ કરવાની  શક્તિને વ્યય કરી નાખે છે. આથી ચિંતાથી દૂર રહેવાની જરૂર છે. 

                         એજ પ્રમાણે માનવીની ધન માટેની દોડ પણ ગાંડપણ છે. ધન માણસને ફક્ત થોડી સગવડો અપાવી શકે છે પરંતુ એ માનવીને સન્માન , સંસ્કૃતિ , પ્રેમ , અને ધીરજ  આપી શકતા નથી. એનાથી સંપૂર્ણ  શારીરિક  અને માનસિક તંદુરસ્તી  પણ  ઉપલબ્ધ થતી નથી. બીજા અર્થમાં ધન  હોવા છતાં ઘણા દાખલાઓ છે કે જેમાં ધનવાનો તેમના ધન ને  માણી શક્યા  નથી.

                        માનવીએ  હંમેશા એના વર્તમાનમાં જ રહેવું જોઈએ . ભૂતકાળમાં  જવાની થયેલી  ભૂલોને લીધે દર્દની  અનુભૂતિ થાય છે.  ભવિષ્યની યોજના  પણ ઘણી વાર વર્તમાનમાં ઘડી શકાય છે.  વર્તમાનના વિકટ પ્રશ્નોનો  સામનો  પણ વર્તમાનમાં રહેવાથી  વધારે  શક્તિ પૂર્વક કરી શકાય છે.  



                            માનવી સારા કર્મો કરે તો એને સારા પરિણામો મળે છે. તે ઉપરાંત જે લોકો  વિકટ સંજોગોનો  સામનો કરીને કદી પણ નિરાશ થતા નથી એવાને  જ સફળતા મળે છે. ટૂંકમાં  સારા કામો કરવાથી  હંમેશા સારા ફળો મળે  છે. 

                            જીવનમાં ક્રોધને કાબુમાં રાખવાની જરૂરત છે. કારણકે કે ક્રોધ તો થોડા વખતમાં ચાલી જશે પણ એ દરમ્યાન  બોલેલા શબ્દો  બીજાને જીવનભર  યાદ રહે છે અને એ તમારા દુશ્મન બનીને રહે છે. 



                              ઘણીવાર જયારે માનવી કુદરતનો પ્રકોપ  જુએછે ત્યારે એને ખાતરી થાય છે કે આ દુનિયામાં ઘણી વસ્તુઓ પર  એનો  કોઈ કાબુ નથી. અને એને પ્રશ્ન થાય છે કે એ કોણ છે? પરંતુ જયારે એ પ્રકોપ પસાર થઇ જાય છે અને બધું શાંત થઇ જાય છે એટલે  માનવીઓની એની અણસમજ પાછી જાગૃત  થઇ જાય છે અને એ કુદરતની છેડછાડ શરૂ કરી દે છે.  કુદરત પણ એના અપરાધને છોડતી નથી વારેઘડીએ પૃથ્વી પર  વિનાશ  નોતરે છે.   હવામાનનો બદલાવ પણ એનો જ એક દાખલો છે. કેટલી જગાએ અસહ્ય ગરમી અને કેટલી જગાએ અસહ્ય ઠંડી.  તેઉપરાંત  સર્વત્ર પૂર અને વાવાઝોડા એ પણ કુદરતી પ્રોકોપ જ છે.

                          આથી માનવી એ દરેક બાબતમાં યોગ્ય આત્મસંધોધન  કરવાની જરૂર છે.

                                                 ******************************************



                         

Wednesday, November 15, 2023



એલોન મસ્ક

                                                                       એલોન મસ્ક અમેરિકાના અબજોપતિ ધનવાન  અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ પણ છે. એમનામાં લક્ષ્મી અને કાબેલિયતનો સંગમ છે. તેઓ રોકેટ, ઇન્ટરનેટ , સ્પેસ, ઇલેક્ટ્રિક મોટરકાર, ઉદ્યોગમાં અને હવે સોશ્યિલ મીડિયામાં ટ્વિટરના પણ માલિક છે.

                       તેમની સોચ બહુજ અજીબ છે.  અને એમની સાહસિકતાની કોઈ સીમા નથી . ઘણા એમને વિચિત્ર માનવી તરીકે પણ ઓળખે છે  પરંતુ એવા માણસોજ દુનિયામાં કૈક નવું આપી જાય છે. તેઓની કલ્પના શક્તિ અજબની છે. તેઓ દુનિયામાં આવનારા ભવિષ્યને  પણ જોઈ શકે છે . આથી એમની ચાલ એ રીતે જ ચાલે છે. ટ્વિટરને ખરીદતી વખતે તેમણે વિચાર્યું હતું કે ટ્વિટર વિરોધી વિચારો પ્રત્યે  સહિષ્ણુ નથી એથી એમાં સુધારો લાવવો જરૂરી  છે. આથી એમણે ટ્વિટરના સ્ટાફ સહીત એનું નામ પણ બદલી નાખ્યું છે ( એનું નામ'  એક્સ ' રાખ્યું છે)

                      મસ્ક માને  છે કે જે લોકો એની વિચારધારાને વરેલા હોય અને વફાદાર હોય એવા માણસો સાથે જ કામ કરવું .  રશિયા અને યુક્રેઈનની લડાઈમાં  એમણે ઉક્રેઈંનને   ઈન્ટરનેટ કવર પુરુપાડી મદદ  પણ કરી છે.  ઘણા એમને વિચિત્ર વ્યક્તિ પણ કહે છે પરંતુ વિચિત્ર માણસો જ દુનિયામાં કૈક આપી જાય છે. અને વિચિત્ર માણસો જ બીજા કરતા કૈક જુદુંજ વિચારતા હોય છે ,એટલે બીજા સાથે મેળ કરી શકતા નથી.

                      મસ્કનું બાળપણ ઘણુંજ  મુશ્કેલ હતું.  એમને એમની માંએ ઉછેરેલા  હતા.   શાળામાં પણ એમને સહન કરવું પડ્યું હતું . એથી બહુજ મુસીબતોમાંથી તેઓ આગળ આવ્યા છે. મસ્કને 'આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સમાં' બહુ  વિસ્વાસ  નથી કારણકે એ એમની અને માનવીય હોશિયારીને પડકાર રૂપ છે.

                           મસ્કએ  'ઓન લાઈન'  બેન્કિંગ સેક્ટરમાં પણ ફાળો આપ્યો છે જે આગળ જતા ' પે પાલ ' તરીકે ઓળખાય છે. આજ બતાવે છકે  મસ્ક  કોઈ પણ ઉદ્યોગમાં કયારે પણ દાખલ થઇ શકે છે. એજ એમની કાબિલિયતનો નમૂનો છે.

                                         ********************************



                         

 




























Thursday, November 9, 2023



 દારૂનું દુષણ 

                                                        દરેક વસ્તુના  ગુણ અને અવગુણ એના ઉપયોગ કરનાર પર આધાર રાખે છે.દારૂપણ એના ઉપયોગ અને ઉપભોક્તાઓના અનાચારને કારણે વધારે બદનામ થઇ ગયો છે. એનો ઉપયોગ નિયમનમાં કરવામાં આવે તો માનવ સમાજને દવા તરીકે ઉપયોગી થઇ શકે છે.  એક પ્રખ્યાત લેખકે લખ્યું છે કે' થોડો દારૂ પીવાથી કઈ  લાભ થતો હોય તો એ નુકશાન કારક નથી'.  મૂળમાં લાગણીશીલ, નશાકારી  અને વધારે તંગ રહેતા માણસોના એના વધારે પડતા સેવનથી પણ દારૂ વધારે બદનામ થયો છે. ગરીબો માટે તો એમની કારમી આપવીતીઓને કારણે દારૂને શરણે જવું પડે છે. જયારે ધનવાનો માટે દારૂઘણીવાર સમય પસાર કરવાનું કારણ બની જાય છે.  ગરીબો માટે  એના કુટુંબો માટે  પીડાનું સાધન બની જાય છે. જયારે ધનવાનો માટે ઘણીવાર  એમની સમૃદ્ધિના નાશનું પણ કારણ બની જાય છે. મૂળમાં અધિક અને વધારે માત્રામાં એનો ઉપયોગ માણસ અનેસમાજ માટે  શાપ રૂપ બની જાય છે.

                                           ગાંધીજીથી માંડીને બધા વ્યહવારું  અને બુદ્ધિશાળી  માણસો દારૂ અને એના દુષણોને લીધે એનો વિરોધ કરતા રહ્યા છે. અમેરિકા અને રશિયા જેવા દેશો પણ દારૂ નિયમનનો પ્રયોગ  કરી ચુક્યા છે.પરંતુ લોકોના અસહકારને લીધે એમને નિષફળતા મળી હતી. રશિયાના એક વખતના સરમુખત્યાર  ક્રુશ્ચોવ   ભારતને પ્રવાસે આવ્યા  હતા તે વખતે તે વખતના મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન મોરારજીભાઈએ એમના હાથમાં એક પરમિટ પધરાવી દીધી હતી કારણકે મુંબઈ રાજ્યમાં દારૂબંધી હતી. એમનો ઉદ્દેશ પરદેશી મહેમાનને દારૂ વગર તકલીફ ન પડવી જોઈએ.  પરંતુ ક્રુશ્ચોવે એ પરમીટ પરત આપતા એમને અભિનંદન આપ્યા કહ્યું ' અમે બહુ પ્રયત્નો દારૂબંધી માટે રશિયામાં કર્યા છે પરંતુ નિષફળ નીવડ્યા છે. અહીએ દારૂબંધી  છે એ આનંદની વાત છે. હું આ રાજ્યમાં કાયદાનું પાલન કરીશ'.



                                             અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં પણ કેટલાએ લોકો દારૂના વધુ સેવનથી મરી જાય છે. દારૂ પીને વાહનો ચલાવવાથી  અકસ્માતોમાં  મરી  જાય છે. અમેરિકામાં વર્ષે ૧૫૦૦૦૦ માણસો  દારૂના કારણે મરે છે. અને અમેરિકામાં દારૂ મૃત્યુનું  એ ચોથું મોટું કારણ બની ચૂક્યું છે. દારૂના વધુ સેવનને અટકાવવા કેટલીઓ  દવાઓ કાઢી છે પણ એની કોઈ અસર નથી.

                                            દારૂબંધીથી ગરીબોની ગરીબી દૂર થઇ છે એમ સરકારી આંકડાઓ  કહે છે. કારણકે દારૂ પાછળ વેડફાતા નાણાઓ સમાજ અને કુટુંબો માટે વપરાતા થયા છે.  ઘણા બુદ્ધિશાળીઓ અને ધનવાનો પણ દારૂબંધીના વિરોધી છે. એ લોકો માને છેકે કાયદાથી દારૂ પીતા લોકોને રોકી શકાય નહિ.  ધનવાનો પોતાના સાધનોને  કારણે ગમે ત્યાં જઈ,દારૂ પી શકે છે.  અને ગરીબોતો સસ્તો અને દેશી દારૂપીને ચલાવી લે છે. એમાં ઝેરી દારૂ પીવાથી સેંકડો ગરીબ માણસો મારી મરી  ચુક્યા છે. આથી લોકોના સહકાર વગર દારૂની બદીને દૂર કરવી મુશ્કેલ છે. એટલે ઘણા દેશોમાં દારૂબંધી  નિસ્ફળ નીવડી છે. એ  બદીની બાબતમાં સામાજિક અને શિક્ષણિક ઝુંબેશ  જરૂરી છે. ગાંધીજી ભારતની ગરીબીજોઈને અને એનું કારણ દારૂની બદીને પણ જણાવ્યું  હતું. એથી જ તેઓ ભારતમાં  દારૂબંધીનામોટા હિમાયતી હતા . પૂર્વ વડા પ્રધાન  મોરારજીભાઈ પણ દારૂબંધી મોટા હિમાયતી હતા કારણકે તેઓ માનતા હતા કે ગરીબી દૂર કરવામાં દારૂબંધી  મોટો ભાગ ભજવી શકે છે. દારૂબંધી બાદ રસ્તા પર દારૂના નશામાં  ઝુમતા લોકો ઓછા થઇ શકે  છે. અને કાયદાકીય પરિસ્થિતિમાં સુધારો થઇ શકે છે એ પણ એક સત્ય છે.

                                                     તે  છતાં દારૂની બદીને દૂર કરવા માટે લોકજાગૃતિ , લોકસહકાર , અને લોકોને શિક્ષિત કરવાની વધુ જરૂરી છે.

                                           ***************************

Sunday, October 22, 2023

 


મિત્ર 

                                            સાચા મિત્રનું સ્થાન જીવનમાં ઘણું હોય છે. એની સાથે મન ખોલીને વાત કરી શકાય છે. જીવનના ઉકળતા પ્રશ્નો વિષે સાચી સલાહ પણ મેળવી શકાય છે. સાચો મિત્રનો  અભિપ્રાય ગમે તેટલો કઠોર પણ હોય તેને અવગણતા પહેલા એના પર ઊંડાણ પૂર્વક વિચાર કરવો જોઈએ. એની સાથે તમે ભૂતકાળ , વર્તમાન  અને ભવિષ્ય વિષે પણ નિખાલસ પૂર્વક ચર્ચા કરી શકાય છે.  મિત્રનું સ્થાન કુટુંબ કરતા ઘણી બાબતોમાં  વધી જાય છે.

                     મિત્રતા જેટલી જૂની હોય તેટલી એની મધુરતા વધી જાય છે. એથી નાનપણના મિત્રો એટલેકે શાળાના મિત્રોની મિત્રતા  વધારે  ગહેરી બની રહે છે.  સાચી મિત્રતા કદી ગુમાવી શકતી નથી.તે ઉપરાંત એ મહત્વનું નથી તમે કોની સાથે વધારે સમય પસાર કરો છે પરંતુ તમે કોની સાથે જીવનનો ઉત્તમ સમય પસાર કરો છે. એમાં મિત્રનું સ્થાન બહુજ અગત્યનું આવે છે.



                    સાચા મિત્રને દરરોજ ન  પણ મળો અને એની સાથે વાત ન કરો તો પણ મિત્રતામાં કોઈ ફરક પડતો નથી. ખરી મિત્રતામાં એકબીજાના પ્રશ્નો સંભાળી લેવામાં આવે છે. જેથી  પ્રશ્નો સરળ બની જાય છે. સાચો મિત્ર તો તમારું દર્દ તમારી આંખમાંથી પારખી જાય છે એના માટે તમને ઢંઢોળવાની જરૂરિયાત રહેતી નથી.

                  લોકો જે તમારી પાછળ બોલતા હોય છે તે તમારો સાચો મિત્ર  તમારા મોઢા પર કહેતા અચકાશે નહિ . બધા જ દર્દનો ઉપાય સાચા મિત્ર સાથે  સહવાસથી  જ પ્રાપ્ત થાય છે . આથી સાચો મિત્ર મળવો એ જીવનની મોટામાં મોટી બક્ષિસ  છે.

                                         **********************************

Friday, October 20, 2023



અદાણી 

                                                          અદાણી અત્યારે ભારતમાં રિલાયન્સ પછી વધુ તેજીથી ઉપસી રહેલી કંપની છે. એ ચોખાથી માંડીને કોલસા અને રિન્યૂએબલ ઉર્જામાં પણ કામ કરી રહી  છે.   એણે ઝારખંડમાં થર્મલ પાવર પ્રોજેક્ટ અને રાજસ્થાનમાં સોલાર ઉર્જાનો પ્રોજેક્ટ પણ પૂર્ણ કર્યો છે. એનો ઑસ્ટ્રેલિયામાં કોલસાની ખાણનો પ્રોજેક્ટ પણ બહુ ચર્ચાસ્પદ બની ચુક્યો છે.  કરોડો ડોલરનો પેટ્રોકેમિકેલ  પ્રોજેક્ટ અત્યારે એણે અનુકૂળ સંજોગોને કારણે પડતો મુક્યો છે. પરંતુ અદાણી પાસે ભારતના મોટા એરપોર્ટના અને  અનેક બંદરોનો વહીવટ કરવાના હક્કો પણ  મળેલા છે.એની કંપનીઓ ૨૦૦ બિલ્લીઓન ડોલર જેટલી હતી પરંતુ અનુકૂળ માર્કેટ સંજોગોને લીધે એ ૧૦૦ બિલ્લીઓન ડોલર પર પહોંચી ગઈ હતી . હવે ધીમે ધીમે એના શેરો ફરીથી ઉપ્પર આવી રહ્યા છે.



                      અદાણી કંપનીના શેરોના ભાવ નીચા જવા માટે અમેરિકાની હિંડેનબર્ગ  રિસેર્ચ કંપનીનો અહેવાલ જવાબદાર  છે. એ અહેવાલમાં  અદાણી પર  શેરોનું ઈન સાઈડ વેચાણ કરવાનું અને આર્થિક ગોટાળા કરવાનો આરોપો કરવામાં આવ્યા છે. પરંતુ અદાણીએ એ આરોપોનો ઇન્કાર કર્યો છે.  આંતરાષ્ટ્રીય  પત્રકાર સંઘે પણ અદાણી પર આરોપો મુક્યા છે. સુપ્રીમ કોર્ટે પણ ભારતના સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડને પણ અદાણી વિશે  અહેવાલ આપવાનો ઓર્ડર કર્યો હતો.



                       આ ઉપરાંત  ભારતના વિરોધ પક્ષ દ્વારા પણ  ભારત સરકાર પર અદાણીના વડાપ્રધાન સાથેના સબંધો પર આરોપો મુક્યા છે. તે છતાં અદાણીના શેરો આગળ વધી રહ્યા છે.  અદાણીનો નફો પણ વધી રહ્યો છે. એની ઘણી લોનો શેરવેચીને ભરી દેવામાં આવી છે.



                       ભારત જેવો દેશ જેની  આર્થિક વ્યવસ્થા પ્રગતિ કરી રહી છે એવા દેશને અદાણી જેવી કંપની ઓની   જરૂરિયાત છે જે દેશની પ્રગતિમાં મદદ રૂપ બની રહે .  એથી આવી બીનાઓ આર્થિક કારણોને લીધે કે પછી હરીફાઈઓને લીધે બનતી જ રહેવાની . એમાં કઈ નવાઈની વાત નથી.

                       મૂળમાં અદાણીની  પ્રગતિ હજુ પણ ચાલુ છે એ દેશને માટે પણ સારી વાત છે.

                                               ********************************

                         

Wednesday, October 4, 2023

 


વસ્તી ઘટાડો -એક પ્રશ્ન 

                                                         ઘણા લોકો ચીન અને ભારત જેવા દેશના વસ્તી વધારેના પ્રશ્ન પર ચર્ચા કરી રહ્યા છે. ત્યારે આખી  દુનિયાના એટલે  કે  ધનવાન અને ગરીબ દેશોના વસ્તી ઘટાડાથી ચિંતા અનુભવી રહ્યા છે.  અમેરિકા અને જાપાન જેવા દેશોના  આર્થિક નિષ્ણાતો  પણ વસ્તી ઘટાડાથી ચિંતિત છે.  વસ્તી ઘટાડાથી વૃદ્ધોની  વસ્તી વધી રહી છે. અને એ  દેશોને  વૃદ્ધોના  પેંશન વધારોના   ખર્ચ  પજવી રહ્યો છે.  તે ઉપરાંત વૃદ્ધોની આરોગ્યના ખર્ચાઓ પણ આખરે તો એમના કુટુંબ પર કે પછી રાજ્યો પર આવવાનો છે.



                                     યુવાનો પાસે વધુ કામ કરવાની શક્તિ અને નવીન શોધો કરવાનો ઉત્સાહ હોય છે. જે રાજ્યની પ્રગતિમાં સારું એવું પ્રદાન કરી શકે છે. બીજું યુવાની વૃદ્ધોના અનુભવને પુરા કરવામાં મદદ રૂપ બને છે.  યુવાનોને પ્રગતિમાં વધુ રસ અને ઉત્સાહ હોય છે. આથી ઘટતી જતી વસ્તી એ નિષ્ણાતોને મતે ભયજનક છે. જાપાન એનો એક જાગતો દાખલો છે. ત્યાં યુવાનોની વસ્તી ઘટતી જાય છે. અને વૃદ્ધોની વસ્તી વધતી જાય છે.

                                      ૨૦૦૦માં દુનિયાનો દરેક સ્ત્રીનો  વસ્તી વધારવાનો દર ૨.૭ હતો તે વધારે હતો પરંતુ અત્યારનો દર ૨.૩ છે જે ઓછો છે.તે ઉપરાંત દુનિયાની વધારેમાં વધારે  જીડીપી ધરાવતા દેશોની વસ્તી પણ ઓછી થઇ રહી છે એ પણ ચિંતા નો વિષય છે. વૃદ્ધોની વસ્તી વધી  રહી છે એવા દેશોમાં જાપાન અને અમેરિકા સિવાય  ઇટાલી , બ્રાઝીલ , મેક્સિકો , અને  થાઇલેન્ડ જેવા દેશો પણ છે.  તેઉપરાંત ચીન અને ભારત જેવા વસ્તીવાળા દેશોમાં પણ વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં વધુ રહે છે. ક્યાંતો વધારે શિક્ષિત નથી. એ પણ એક ચિંતાજનક બાબત છે.



                                         ઘણા વિચારે છેકે  ' આર્ટિફિશ્યલ ઈંટેલિજેંટ '  એટલેકે રોબેટિક ટેક્નોલોજી  વસ્તી ઘટાડાને  પૂરક બની રહેશે . એ  માનવીય હોશિયારીને પણ પૂરક બનશે.



                                         એનો અર્થ માનવીય  હોશિયારીનો  ઉપયોગ ઓછો અને  ટેકનોલોજીનો ઉપયોગ વધારો થશે. એ પ્રશ્ન પણ માનવીય હોશિયારીએ જ ઉકેલવો પડશે. 

                                          આશ્ચર્યની વાતતો એછેકે  વસ્તી વધારા પ્રશ્નની સામે વસ્તી ઘટાડાનો પ્રશ્ન પણ કોયડા રૂપ બની રહ્યો છે.

                                     ****************************************