Friday, October 18, 2019


વિસ્મૃતિ
                                                                                         ઘડપણમાં વર્ષો  જતા ઘણા વૃદ્ધોને  વિસ્મૃતિનો  રોગ લાગુ પડે છે  અને  કેટલીકવાર  તો  એવો સમય પણ આવે છેકે  લોકોને ઓળખવામાં પણ મુશ્કેલી પડે છે. અંગ્રેજીમાં એને ડિમેન્સિયા  અને છેલ્લે એક ભયજનક રોગમાં પરિણમે છે જેને અલ્ઝેમર  તરીકે ઓળખવામાં આવે છે. એમાં માનવી દુનિયામાં એનું અસ્તિત્વ ગુમાવી દે છે.  તે છતાં માનવી વૃદ્ધ અવસ્થામાં થોડી પ્રવૃતિઓ ચાલુ રાખે તો ઘણીવાર દર્દમય અવસ્થામાંથી બચી શકાય છે. પશ્ચિમી  દેશોમાં વિસ્મૃતિના રોગોનું પ્રમાણ વધારે છે કારણકે ઘણા લોકો એકદમ પ્રવૃતિમય  જીવનમાંથી વૃદ્ધાવસ્થામાં પ્રવૃત્તિવિહીન  પરિસ્થિતિમાં આવી પડે છે. પૂર્વ અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગન પણ તેમના આખરી દિવસોમાં અલ્ઝેમર રોગથી પીડાઈને મૃત્યુને  ભેટયા હતા. આવા ભયજનક રોગ માટે ઘણીવાર શારીરિક ઉણપો પણ  જવાબદાર હોયછે પરંતુ વિસ્મૃતિના ભયાનક રોગોને ટાળી પણ શકાય છે જેના માટે વૃદ્ધ અવસ્થામાં અમુક પ્રવૃતિઓ કરવી આવશ્યક છે.

                                                                                      નિવૃત્તિ સમય દરમિયાન  વૃદ્ધ અવસ્થામાં  લોકસેવા  કરતી પ્રવૃત્તિમાં ભાગ લઇ માનસિક રીતે મગજને પવૃત્તિમય રાખી શકાય છે.  વૃદ્ધો પોતાના શોખો જેવાકે સંગીત , લેખન , નાટક , ફિલ્મો , ચિત્રકામ , નૃત્ય વગેરેમાં  ભાગ લઇ પોતાને માનસિક રીતે પ્રવૃતિમય  રાખી શકે છે. આવી પ્રવૃતિઓ પણ માનવીને માનસિક રીતે  તંદુરસ્ત  રાખી શકે છે.
                                                                         બગીચામાં થોડો સમય કામ કરવાથી પણ સારો એવો  ફાયદો માનસિક રીતે થઇ શકે છે. સવાર સાંજ દિવસના ૧૫ મિનિટ ચાલવાથી મન અને શરીર બંને પ્રફૂલ્લિત થાય છે . નિયમિત વાંચન , જુદી જુદી રમતો રમવાથી અને નવી ભાષાઓ શીખવાથી મગજને સારીએવી કસરત મળે છે.
                                                                         શાસ્ત્રીય સંગીત સાંભળવાથી  અને  મ્યુઝિકલ વાજિંત્રો શીખવાથી પણ માનસિક તંદુરસ્તી વધે છે.  પ્રવાસો મનુષ્યને    માનસિક અને શારીરિક રીતે પ્રફૂલ્લિત  રાખે છે. તે ઉપરાંત રાત્રે   પૂરતી  નિદ્રા અને  દિવસ દરમિયાન  પ્રાર્થના  અને ધ્યાન કરવું પણ આવશ્યક છે.
                                                                         કેટલાક  ભયજનક રોગોને વૃદ્ધ  અવસ્થામાં  આપ  પ્રયત્નો દ્વારા દૂર રાખી શકાય એના માટે પ્રયત્નો ચાલુ  હોવા  જોઈએ.
                                       ****************************************************           
       

Wednesday, October 9, 2019


બિલ ગેટ્સ કરતા પણ ધનવાન લોક
                                                     એકવાર બિલ ગેટ્સ ને  કોઈએ પૂછ્યું  કે' તમારાથી પણ કોઈ ધનવાન આ વિશ્વમાં છે'?   ' છે ' તેમણે જવાબ આપ્યો હતો , અને એમણે એક દાખલો પણ આપ્યો હતો જેણે બધાને વિચાર કરતા કરી મુક્યા.
                                                     તેમણે કહ્યું જ્યારે હું સાંમાન્ય માણસ તરિકે ફરતો હતો ત્યારે ન્યૂયોર્ક એરપોર્ટ પર એક ન્યૂઝ પેપર  વેચનાર પાસે છાપું ખરીદવા ગયો અને છાપું ઉપાડ્યું પણ ખરું.  પૈસા આપવા ગજવામાં હાથ નાખ્યો તો છુટા પૈસા જ ન હતા. એટલે મે છાપું પાછું મૂકી દીધું . પેલા ન્યૂઝપેપર  વિક્રેતાએ એ  કહ્યું 'સાહેબ  છાપું લઇ લો.. છુટા પૈસા નથી તો કઈ વાંધો નથી. હું તમને મફતમાં આપું છું. હું તમને છાપુ મફત મારા નફામાંથી આપું છું.' બિલ ગેટ્સએ  ચુપચાપ છાપું લઇ લીધું. ત્યાર બાદ બીજા  બે ત્રણ મહિના બાદ એજ એરપોર્ટ પર એજ  છાપાવાળાનો બીજી વખત મુલાકાત થઇ ત્યારે પણ બિલ ગેટ્સ પાસે છાપા માટે છુટા પૈસા ન હતા અને પેલા છાપાંવાળાએ તેમણે છાપું  મફત આપી દીધું.
                                                    એ વાતને ૧૯  વર્ષોવીતી ગયા બિલ ગેટ્સ દુનિયાના પૈસાદારમાં  પૈસાદાર માણસ થઇ ચુક્યા હતા અને વિશ્વમાં જાણીતા બની ચુક્યા હતા'  પરંતુ એમને પેલા છાપા વાળાની  યાદ હજુ હતી જેણે એને મફતમાં વર્તમાનપત્રો  આપ્યા હતા. તેમણે 'ગૂગલ ઇમેજ સર્ચ' દ્વારા પેલા વર્તમાનપત્ર વેચનારને  શોધી કાઢ્યો.
                                                      તેને પૂછ્યું ' તું મને ઓળખે છે?' તે મને મફતમાં ન્યૂઝપેપરઓ  આપ્યા હતા. તેણે તરત જ કહ્યું 'હું તમને ઓળખું છું. તમે બિલ ગેટ્સ છો.'  એટલે  બિલ ગેટ્સએ કહ્યું " મારે  તારી તે મદદઓને બદલે કઈ આપવું છે. તારે જે કઈ જોઈતું હોય તે માંગી લે. હું તારા જીવનની  બધી ઈચ્છાઓ પુરી કરીશ."

                                                      એ સાંભળીને પેલી વ્યક્તિએ પૂછ્યું 'શું તમે મને અત્યારે  મદદ કરીને  મે તમને ભૂતકાળમાં  કરેલી મદદને સભર કરી શકશો ? મે તમને જે મદ્દદ કરી હતી તે એક સામાન્ય ગરીબ વર્તમાનપત્ર વેચનાર ફેરિયાની મદદ હતી. ત્યારે તમે તો  મને અત્યારે દુનિયાના પૈસાદાર વ્યક્તિ તરીકે મદદ આપવા આવ્યા છો .આથી મે તમને કરેલી મદદને તમારી મદદ સાથે સરખાવા પ્રયત્ન ન કરો.'
                                                     બિલ ગેટ્સને   તરત જ સમજાઈ ગયુંકે ' પેલો ન્યૂઝ પેપર વિક્રેતા મારા કરતા વધારે ધનવાન હતો કારણ કે  મારી જેમ પૈસાદાર થવા સુધી બીજાને મદદ કરવા થોભ્યો ન હતો.  ટૂંકમાં લોકોએ સમજવું જોઈએકે ' ખરા ધનવાનો તો એજ છે  જેની પાસે મદદ કરવા માટે  ઉદાર હૃદય હોય. ફક્ત પૈસા જ વ્યક્તિને ધનવાન બનાવતી નથી એ પણ એક સત્ય છે.
                                                 ***************************** 
      

Thursday, October 3, 2019


આરતી શા માટે?
                                                                            આપણે મંદિરોમાં આરતી કરતા હજારો માંણસોને જોઈએ ત્યારે આશ્ચર્ય થાય છે.  આ ઘંટારવની સાથે  કરવામાં આવતી આરતીનો ઉદ્દેશ શું છે? શું એ એક અંધ શ્રદ્ધાનો નમૂનો છે. હિન્દૂ સંસ્કૃતિમાં દરેક ક્રિયા પાછળ એક ઉમદા વિજ્ઞાનિક કારણ રહેલું છે. જે લોકો એને  નક્કામી  રીતરસમ  સમજે છે એ લોકો અજ્ઞાની છે એ લોકો હિન્દૂ ધર્મને સમજી શક્યા નથી.
                                                  આરતી નો મૂળ અર્થ ' આ' એટલે સંપૂર્ણ  અને 'રતી'  એટલે 'પ્રેમ' થાય છે એટલે આરતી પ્રભુ પ્રત્યેનો સંપૂર્ણ પ્રેમનું પ્રતીક છે.  એનો ઉદ્દભવ પુરાણીક વેદિક અગ્નિ વિધિ દ્વારા થયેલો છે. આરતી કરવાથી શક્તિ અને નવી ઉર્જા  મળે છે. આફતનો સામનો કરવાની શક્તિ આપે છે અને સુખમાં માનવને પ્રભુ કૃપા સમજી એને નમ્ર બનાવે છે.
                                                 આરતી દ્વારા માણસ  પ્રભુની મૂર્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની કળા શીખે છે. એમાંથી જીવનમાં પણ પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખે છે. તે ઉપરાંત  ધ્યાન બીજી સારી જગ્યાએ  કેન્દ્રિત કરવાથી મનના વમળને પણ દૂર રાખી શકાય છે. જેથી એનાથી  માનવીને  રાહત મળે છે.
                                                  જયારે માણસ આરતીમાં લિન થઇ જાય છે ત્યારે એના આત્મા સાથે એનો મેળ થાય છે  જેમાંથી સારી પ્રેરણાઓનો સ્તોત્ર વહે છે. આરતી માણસને એનું ભાન કરાવે છે કે આ દુનિયામાં પ્રભુજ બધી પ્રવૃત્તિનું  કેન્દ્ર છે  એટલા માટે એના તરફ આદરભાવ  બતાવવામાં આવે છે. અને પ્રભુ પ્રત્યે નમ્ર ભાવ બતાવવામાં આવે છે.
                                                  આરતીની  દીપશિખાઓ પૃથ્વીના  પાંચ તત્વો જેવાકે  વાયુ, આકાશ, અગ્નિ, પાણી અને જમીનનો  માનવ જીવનમાં રહેલી  મહત્વતાને રજુ કરે છે.
                                                 આરતીનો અગ્નિ માનવીને  તાકીદ કરે છે કે  ભૌતિક બળો અને એની અપાર  ઈચ્છાઓ એના જીવન પર કબજો નહિ જમાવી દે જેથી એનું જીવન ધૂળ ધાણી ન થાય.
                                                  આથી આરતી પાછળ ધાર્મિક અને વિજ્ઞાનિક  કારણો પણ રહેલા છે. જેનાથી માનવીના  જીવનમાં  સુખ, શાંતિ,  અને સમૃદ્ધિ  લાવે.  આરતીની વિવિધતા એવી છે કે તે ગમે તે પવિત્રસ્થળે  ઘરમાં  પ્રભુની મૂર્તિ સામે પણ કરી શકાય છે.  એના માટે મંદિર સુધી પણ જવાની જરૂરિયાત નથી.
                                    ***************************************         

Thursday, September 26, 2019


સદવિચાર
                                                                                                 આચાર્ય ચાણક્યે કહ્યું છે કે  કોઈ પણ વસ્તુ અધિક પ્રમાણમાં હોય તો તે હાનિકારક છે. અને ઘણીવાર માનવીનો નાશ નોતરે છે. હિટલરે અતિરેક સત્તાના મદમાં પોતાનો  નાશ અને  એના દેશને  એટલું નુકશાન  પહોચાડયુંકે  વિશ્વ યુદ્ધને અંતે એના ટુકડા થઇ ગયા હતા. એજ પ્રમાણે વધારે પડતું ધન , વિદ્યા, ભૂખ, લાલચ ,અભિમાન,પ્રેમ, પ્રશંસા, નફરત, પણ હાનિકારક છે.


                                                                                                વધુ પડતા દુર્યોધનના  અભિમાન અને પાંડવો પ્રત્યેની  નફરતે મહાભારતના યુદ્ધનું નિર્માણ થયું અને એમાં કેટલાએ યોદ્ધાઓના નાશ થયા અને કેટલીયે સ્ત્રીઓએ  પતિ અને પુત્રો ગુમાવ્યા. આખાએ કુરુવંશનો  નાશ થયો. ભયંકર ભૂખમરો  અને અસહ્ય  ગરીબીએ   રશિયા અને ફ્રાન્સ જેવા દેશોમાં લોહિયાળ ક્રાંતિ સર્જી .   વ્યક્તિની વધારે પડતી પ્રશંસા પણ ગમે તેવી  વ્યક્તિ એનું માનસિક સમતોલન ગુમાવી દે છે અને  જે એનું પતન નોતરે છે. રાવણની  વધુ પડતી પ્રશંસાએ એને આંધળો  બનાવી દીધો હતો અને એ ભગવાન રામની દિવ્ય શક્તિને ઓળખી ન શક્યો ને એનું પતન થયું.  આમ ચાણક્યની  વાણીમાં તથ્ય છે એમાં શંકા નથી.

                                                                                                  ઈર્ષાળુ માણસો સાથે દોસ્તી પણ સારી નહિ અને દુશ્મની  પણ ખતરનાક નીવડે છે.  જેચંદ રાઠોડે પૃથ્વી રાજને  હરાવવા માટે  મોહમુદ ગોરી સાથે દોસ્તી કરી અને પૃથ્વીરાજ  ચૌહાણને હરાવ્યો  પરંતુ એને ખબર ન હતી કે તેણે એનાથી પણ વધુ ઈર્ષાળુ સાથે દોસ્તી કરી હતી. આથી પૃથ્વીરાજના વધ પછી મોહમુદ ગોરીએ રાજા જેચંદનો  વધ કરી નાખ્યો.

                                                                                                 એમ કહેવાય છેકે જીભ પરની ઇજા જલ્દી રૂઝાઈ  જાય છે પણ જીભ દ્વારા બીજાને  કરેલી ઇજા  જીવનભર રુઝાતી  નથી. એનો સચોટ દાખલો મહાભારતમાં મળે છે. દ્રૌપદી  દુર્યોધનને એના બાપની જેમ આંધળો કહી એની  મજાક ઉડાવે છે. એ અપમાનને દુર્યોધન ભૂલતો નથી અને એનું વસ્ત્રાહરણ કરાવે છે. ભગવાન કૃષ્ણ  દ્રૌપદીને મહાભારતના યુદ્ધના અંતે કહે છેકે તેના  વાક્બાણ એ જ મહાભારતના યુદ્ધનું સર્જન કર્યું  હતું.  આથી કોઈ પણ વસ્તુ કહેતા પહેલા હજારવાર વિચાર કરવો જોઈએ.

                                                                                                 જેનાથી નુકસાન થાય એવીવસ્તુ અને વ્યક્તિઓથી દૂર રહેવું  જોઈએ.  ગુરુ દ્રોણાચાર્ય અને ભીષ્મપિતા જેવા વીર યોદ્ધાઓનો પણ મહાભારતના યુદ્ધમાં પરાજય થયો હતો કારણકે તેઓ અધર્મી અને દુષ્ટો  સાથે હતા. કહેવાય છે કે  ગરમ કોલસો  દઝાડે  છે અને ઠંડો કોલસો હાથ કાળા કરે છે.  એથી એનાથી દૂર રહેવું  જોઈએ નહીતો નાહક ડાઘ લાગવાનો સંભવ છે અને હાનિકારક પણ છે.
                                               ********************************* 

Thursday, September 12, 2019

જાણીતા લેખકોની ગુજરાતી શાયરી

                                                         અમૃત ઘાયલ
-ના હિન્દૂ  નીકળ્યા  ન મુસલમાન નીકળ્યા
કબરો ઊંઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા
-કદી દાનની વાત ઉચ્ચારશો મા
 કર્યું કરાવ્યું  નહીં તો ધોવાઈ જશે
-નિહાળ્યા કરો જે  કઈ થાય છે તે
  વિચારો નહિ ,  મન વલોવાઈ જાશે.

                                                      શૂન્ય પાલનપુરી
-જેટલે ઊંચે જવું હો માનવી
 તેટલા ઊંચા વિચારો જોઈએ
-સહનતા આવડતી હો તો મુસીબતમાંય રાહત છે
  હૃદય જો  ભોગવી જાણે તો દુઃખ પણ  એક દોલત છે.
-અમે સમંદર ઉલેચ્યા છે પ્યારા
  નથી માત્ર છબછબીયા કીધા કિનારે

                                                     જાલન માતરી
-પજવે  છે આમ શાને  અલ્લાહ  તું  સીધો રહેને
  શું જોઈએ છે તારે હાજર થઈને  કહે
-કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય
  નિજ ઘરથી નીકળી  નદી પાછી વળી  નથી.
-શ્રદ્ધાનો હો  વિષય  તો  પુરાવાની શું જરૂર
  કુરાનમાંતો  ક્યાંય પૈગંબરની સહી નથી



                                                       આદિલ મન્સૂરી
-ધોમધખતા રણ વિષે ચિંતા ન કર
  રણ વચ્ચે  પણ ખજૂરી હોય છે
-આમ તો હરદમ હજુરી હોય છે
  આપણા મનમાં જ દુરી હોય છે.
- એક પણ ઈચ્છા પુરીના થઇ શનિ
   હર ગઝલ આદિલ  અધૂરી હોય છે.
                                                        પરાજિત ડાભી
- એક સરખી ક્યાં  બધાની આંગળાની છાપ  છાપ છે
   એજ રીતે એક સરખા ક્યાં  બધાના પાપ છે.
-દિવસના સૂર્યનો  રંજાડ સહેવાની પડી આદત
 મને જળહળ થતી આ રાતની  બહુ બીક લાગે છે.
-દૂર ભાગી અહીંથી ક્યાં જશો ?
  તું ખુદા છો , ક્યાં છુપાવી દઉં  તને?

                                                            અમર પાલનપુરી
-ઊંડા ઘાતો કૈક સહયા
  પણ જાન ગયો  છે એક ઉઝરડે


                                                            મરીઝ
-આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે
 જે વચન દેતા નથી  તેયે નિભાવી જાય છે



                                                             સૈફ પાલનપુરી
-ક્યારેક જીવન માર્ગ પર
  ફૂલોનીય  ઠોકર લાગે છે.
                                         ***************************************

Monday, September 2, 2019

  વશિષ્ટ નાગરિકો  - અમેરિકા
                                                                           
                                                      (ગરબા - અમેરિકન સિનિયર સેંટર )
અમેરિકામાં સિનિયર સિટિઝનને  અનોખું સ્થાન આપવામાં આવેલું છે. અમેરિકા માને છેકે  વશિષ્ટ નાગરિકોની મહેનત અને એમના બલિદાને જ  અમેરિકાને સુપર પાવર બનાવી દીધું છે. એટલે એમની કદર થવી જ જોઈએ. એમની જરૂરિયાતો અને ઢળતી ઉંમરમાં એમની મુશ્કેલીઓને દૂર કરી એમના જીવનને આરામદાયી  બનાવવું જોઈએ. આનાથી ઉલ્ટું ઘણા દેશોમાં વશિષ્ટ નાગરિકોને વપરાઈ ગયેલી શક્તિ અથવાતો સમાજનેમાટે બોજારૂપ બની ગયેલી વ્યક્તિઓ માનવામાં આવે છે અને એમની સમાજ દ્વારા  અવગણના કરવામાં આવે છે. એમાંથી ભારત પણ મુક્ત નથી.
                                                         (સિનિયર કેર કમિશન- કાઉન્ટી )
                                                                           અમેરિકામાં વશિષ્ટ નાગરિકો માટે વાહન વ્યહવારમાં, સ્વાસ્થ્ય સગવડોમાં, મનોરંજનમાં,  બસ,રેલવે અને  એરલાઈન્સમાં ઓછા દરે સગવડ આપવામાં આવે છે. એમના માટે જગ્યાઓ પણ અલગ અલાયદી રાખવામાં આવે છે. વિકલાંગ સિનિયર માટે ચડવા ઉતારવાની સગવડો રાખવામાં આવે છે.  સ્ટોરોમાં અને મોલોમાં ખરીદીમાટે  અમુક દિવસો રાખવામાં આવે છે. ત્યારે તેમને તેમની જરૂરિયાતની ચીજો ઓછા દરે મળી  રહે છે.  વશિષ્ટ નાગરિકો જ્યારે રસ્તો  ક્રોસ કરતા  હોય તો  વાહનો એમનાથી દૂર ઉભા રાખવાનો કાયદો અમેરિકામાં  છે. એમને  ગભરાટ ન થાય એની કાળજી લેવામાં આવે છે. જ્યારે ભારતમાં લોકો વશિષ્ટ નાગરિકોને યોગ્ય આદર  આપતા નથી અને કટાક્ષમાં એમ પણ કહી દે છેકે  આ ઉંમરે બહાર શા માટે નીકળો છો?
                                                         (સિનિયર સેંટર - એક કાર્યક્રમ )       
ઓછી આવક વાળા વશિષ્ટ નાગરિકોને  ઓછા ભાડે ઘરો, મફત સ્વાસ્થ્ય  સેવા અને પેંશન પણ આપવામાં આવે છે. દર અઠવાડિયે ગરીબ વશિષ્ટઓને  એક ખાખી  પેપર બેગ જેમાં બ્રેડથી માંડી  ફળો  વગેરે વસ્તુઓ મફત  આપવામાં આવે છે. તે ઉપરાંત ફૂડ સ્ટેમ્પ આપવામાં આવેછે જેનાથી તેઓ મફત કરિયાણાની વસ્તુઓ તેઓ સ્ટોરમાંથી લઇ શકે છે . ઓછી આવક વાળા વિકલાંગ  વશિષ્ટ નાગરિકોને સરકાર સહાયકો પણ પુરા પાડે છે. પરંતુ આ બધી સગવડો કાયદામાં આવતા નાગરિકોને જ મળે છે. બસોમાં ઓછા દરે વશિષ્ટ નાગરિકો ફરી શકે છે. પરંતુ વિકલાંગો માટે સરકારી ખર્ચે બહાર કામ માટે જવા  સસ્તા દરે ટેક્સી ની પણ સગવડો હોય છે.

(દરેક કાઉન્ટી ખાતે વિકલાંગો માટેનું સલાહકાર બોર્ડ - જેમાં વિકલાંગોનું પણ  પ્રતિનિધિત્વ મોજુદ હોય છે.)

                                                               વશિષ્ટઓને  તેમના મનોરંજન માટે ઠેર ઠેર સિનિયર સેન્ટરો ખોલવામાં આવેલા છે. તેમાં સંગીત, નૃત્ય  જેવા કાર્યક્રમો  અને સ્વાથ્ય , વિજ્ઞાન તથા  તેમને મળતી સરકારી સગવડો વિષે  જે તે વિષયના નિષ્ણાતો દ્વારા   માહિતી આપવામાં આવે છે. ત્યાં  નજીવા દરે બપોરનું  ખાવાનું પણ પૂરું પાડવામાં આવે છે.
                                                                  આવા વશિષ્ટઓને લાગતા કાર્યક્રમો માટે સરકારે કમિશનો બનાવ્યા છે જેઓ વશિષ્ટોના જીવન ધોરણ ઉપ્પર લાવવા માટે સતત નજર નાખી રહેતા હોય છે.
એમાં 'સિનિયર કેર કમિશન '  ' ઈન હોમમાં સપોર્ટિવ  એડવાઈઝરી  બોર્ડ ' જેવી સંસ્થાઓ પણ હોય છે .

                                                        (સિનિયરઓની પોતાના પ્રશ્નો વિષે ચર્ચા )                                                              
                                                                          બધા નિવૃત્ત ધધાદારીઓ પણ આવવા  કમિશનો પર પોતાની મફત સેવાઓ આપતા હોય છે. પરંતુ એમની આવી ઉમદા સેવાઓને રાજકારણીઓ પણ માનથી જુએ છે. અને એમને પ્રોત્સાહિત કરે છે. ભારતમાં માનદ સેવા કરનારા બહુ ઓછા જોવા મળે છે અને એવી સેવા કરનાર તરફ સમાજ અને રાજકારણીઓ તરફથી એટલું પ્રોત્સાહન મળતું નથી.

                                                           (સિનિયરઓની  ફેલોશિપ )                          
 આના પરથી જણાશે કે ભારતે વશિષ્ટઓ માટે ઘણું કરવાનું બાકી છે.  સૌથી પહેલા તો ભારતમાં  વશિષ્ટઓ પ્રત્યે  આજના યુવાનોમાં આદર ભાવ ઉત્ત્પન કરવાની  જરૂર છે. અને રાજકારણીઓમાં એમના પ્રશ્નો પ્રત્યે જાગૃતિ લાવવાની જરૂર છે.
                                          ***************************     
                                                     
                                                     

Thursday, August 22, 2019



લોકશાહીની પરિપક્વતા
                                                                          ભારતમાં અને અમેરિકામાં  લોકશાહી છે. ભારત એ દુનિયાની મોટામાં મોટી લોકશાહી છે.  પરંતુ  લોકશાહી ત્યારેજ સફળ નીવડે કે જયારે લોકો પોતાના હક્કો સાથે  એમની ફરજો પણ સમજે. બધું સરકારજ  કરે તો  લોકશાહી ચલાવવી મુશ્કેલ બને છે. એમાં રાજનેતાઓ અને નાગરિકોનો સહકાર જરૂરી છે. લોકશાહી તો મળી જાય છે પરંતુ  માનસિક રીતે લોકશાહીનો અમલ કરવો મુશ્કેલ બને છે.

                                           અમેરિકામાં લોકશાહી ખરા અર્થમાં જામી છે. લોકો પોતાના  હક્કો માટે  જાગૃત છે અને પોતાની દેશ  પ્રત્યેની ફરજ બજાવતા રહે છે.અમેરિકન લોકો  લાઈન  ઉભા રહી પોતાના ટર્નની  રાહ જુએ છે. અને  લાઈનમાં એકબીજાથી અંતર રાખી સંયમથી ઉભા રહેછે.ઍ ઉત્તમસજાગ  નાગરિકતાનો નમૂનો છે  ત્યાં કાયદાઓનું પાલન સરકાર કરાવવા  કરતા નાગરિકો  વધારે જાગૃતતાથી પાલન કરે છે.  એના કેટલાએ દાખલાઓ છે. કચરો નાખવા માટે અમેરિકનો કચરા પેટીઓ શોધે છે અને એમાં જ નાખે છે. કોઈની મોટર કાર ને નુકશાન થયું હોય તો નુકશાન કરનાર એના માલિકની ગેરહાજરીમાં એના વિન્ડશિલ્ડ પાર એનું નામ અને સરનામું લખી જાય છે. જેથી કાર માલિક એનું નુકશાન વસુલ કરી શકે. ટ્રાફિકના કાયદાનું ઉલ્લઘન માટે નો દંડ કોઈ પણ જાતની દલીલ વગર પોલીસને ભરી દે છે.  અમેરિકન લોકશાહીમાં ગુનાઓ માટે સજાનો રસ્તો બહુ ટૂંકા સમયનો હોય છે. ન્યાયપાલિકાઓ ન્યાય કરવામાં બહુજ ગતિશીલ હોય છે. ઘણાખરા ગુનાઓ માં ગુનેગારો પોતાના ગુનાઓ કબૂલ કરી લેછે કારણકે જૂઠ બોલવાની સજા વધુ હોયછે. એમાં નાગરિકોનો સહકાર મળી રહેછે. ૯૭% લોકો કર ભરે છે. એ નાગરિક પ્રામાણિકતાનો  નમૂનો છે.

                                                          કોઈપણ સરકારી વ્યક્તિ એની સત્તાનો  દૂર ઉપયોગ કરે તો  અમેરિકન નાગરિકઓ  સહન કરતા નથી. એમને એમના હક્કો પ્રત્યે તેઓ સજાગ છે અને સત્તાવાળાઓ સામે આંદોલન કરે છે નહીં તો  કોર્ટમાં  જાય છે. રાજદ્વારીઓ પણ લોકમતથી સજાગ છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પણ એમણે આપેલા વચનોથી સજાગ છે અને  પ્રમુખની ફરી ચૂંટણી આવે તે પહેલા એમના વચનો પુરા કરવાના મૂડમાં છે. અમેરિકન રાજકારણીઓ એમને પ્રજાના સેવક સમજે છે એના માલિક નહિ. તેઓ પ્રજા સમક્ષ નમ્ર રીતે  વર્તણુક કરે છે. સત્તા પર આવ્યા બાદ એમની ભૂલ માટે કેટલાએ રસ્તા પ્રજા પાસે છે એનાથી તેઓ જાગૃત છે. એનું કારણ પ્રજા પણ જાગૃત છે.  કેટલાએ અમેરિકન પ્રમુખો અને રાજકારણીઓ સામે એમની ભૂલો માટે સજા ફટકારવાના દાખલાઓ મોજુદ છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રિચાર્ડ નિક્સનને એમના રાજકીય ગુના માટે એમનું પ્રમુખપદ છોડવું પડ્યું હતું . ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનને પણ  મહાવિયોગ  સામનો કરવો પડ્યો હતો . ઍ પણ પ્રજાની જાગૃતિને જ આભારી હતું.  અમેરિકાની પ્રજાની જાગૃતિ ને કારણે  અમેરિકામાં  વીઆઈપી સંસ્કૃતિ નથી.  રાજ્યના ગવર્નર પણ બાજુમાંથી પસાર થાય તો ખબર પડતી નથી.રાજકારણીઓ એમના મતદારો સાથે સતત સંપર્કમાં રહી એમના કરેલા લોકહિતના કાર્યોની માહિતી આપતા જ રહે છે. આજે પણ જે  અમેરિકન રાજકારણીઓના સંપર્કમાં હતો એમના સંપર્કઃ  સંદેશાઓ મળતા રહે છે. એ તો પરિપક્વ લોકશાહીનો પુરાવો છે.  આથીજ અમેરિકામાં ચૂંટાયેલા રાજકારણીઓનો  કોઈ પણ જનહિતના કાર્ય માટે મળવા મુશ્કેલી આવતી નથી.

                                                                                                                         હવે ભારતની લોકશાહી નું  અવલોકન કરો તો લોકો પોતાના હક્કો માટે જાગૃત છે પણ એમની દેશ પ્રત્યેની ફરજ પ્રત્યે અભાવ છે. કચરો ગમે ત્યાં રસ્તા પર નાખી દેતા પણ અચકાતા નથી. કોઈના વાહનને નુકશાન કરી કે કોઈ વ્યક્તિને ટક્કર મારી  નીકળી જવું એતો સામાન્ય છે. ત્રાફિક કાયદાઓનો ભંગ કરી પોલીસમેનને લાંચ આપી નીકળી જવા જેવા દાખલાઓતો સામાન્ય બનતા હોય છે. જાણવા પ્રમાણે ૯૭% લોકો સરકારી કરો ભરતા  નથી.  કેટલાક કેસોમાં તો ન્યાય મેળવતા  માણસની જિંદગી પુરી થઇ જાયછે. ન્યાય પ્રક્રિયા ભારતમાં ઘણી મંદ છે.  ઘણા રાજકારણીઓ ચૂંટાયા પછી પોતાને જનતાના માલિક માની બેસે છે અને પોતાને કોઈક મોટી વ્યક્તિ માનવાના રોગથી પીડાતા હોય છે. એટલે કે  'વીઆઈપી'  સંસ્કૃતિથી  પીડાતા હોય છે. લોકોમાં પણ એટલી જાગૃતિ નથી કે એવા રાજકારણીઓને  સીધા કરી શકે. ભારતમાં ગુનેગાર રાજકારણીઓને સજા  અપાવવી મુશ્કેલ હોય છે. ઘણા રાજકારણીઓનો સંપર્ક કરવામાં મુશ્કેલી ઉભી થાય છે આમાં ગરીબ , અભણ અને ગ્રામીણ પ્રજાને સહન કરવું પડે છે.  આમ પ્રજાના કેટલાક  લોકો ફક્ત હક્કો ભોગવે છે પરંતુ દેશ પ્રત્યેની ફરજ બજાવતા નથી.
                                                       આજ પરિપક્વ અને સામાન્ય લોકશાહીમાં ફરક છે.  ભારતે એ બાબતમાં ઘણું કરવું બાકી છે.
                                                  ****************************************