Wednesday, February 17, 2021

 


પ્રીતિ પટેલ - બ્રિટનના  ગૃહ પ્રધાન 

                                                     પ્રીતિ પટેલ  બ્રિટિશ રાજકારણની એક ચપળ નેતા છે. સતત સંગર્ષ અને વર્ષોની મહેનત પછી  એ આવા અગત્યના સ્થાન પાર પહોંચ્યા છે.  એ ગુજરાતી મૂળના છે પરંતુ એમના પિતા સુશીલભાઈ યુગાન્ડામાં  હોટેલના વ્યવસાવમાં હતા. યુગાન્ડાના સરમુખત્યાર  ઈદી અમીને  ૮૦૦૦૦જેટલા એશિયાવાસીઓને   યુગાંડામાંથી   હાંકી કાઢ્યા હતા. તે વખતે સુશીલભાઈ લંડનમાં  આવીને વસ્યા અને  ફરીથી ન્યૂઝ પેપર એજન્ટ તરીકે ધંધો વિકસાવ્યો.  સાથે સાથે કોફી શોપ પણ શરુ કરી અને  બ્રિટનમાં પ્રસ્થાપિત થયા .

                                                       પ્રીતિ પટેલ  રાજકારણના પાઠ એમના પિતા પાસે પણ અમુક અંશે શીખેલા છે. તેમણે રાજકારણના વિષય સાથે પોસ્ટ ગ્રજ્યુએશન કરેલું છે. ૧૭ વર્ષની વયથી બ્રિટનની કોંઝર્વેટીવ   પાર્ટી સાથે જોડાયેલા હતા. તેઓ પાર્ટીનું  પ્રેસ /મીડિયા ખાતું સંભાળી એના  પ્રવકતા તરીકે કામ કરી ચૂકેલા છે. તેઓ તેમના પિતાની જેમ રાઈટ વિંગના પહેલેથી સમર્થક રહયા છે.તેઓ એકવાર નોટિંગહામમાંથી ચૂંટણી હારી ગયા હતા પરંતુલોકો સાથે સંપર્ક જાળવી રાખી અંતે 'વિચલ'ની  સીટ પરથી  સફળ નીવડ્યા હતા..

                                                         બ્રિટનના માજી વડા પ્રધાન ડેવિડ કેમરીનની કેબિનેટમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ, રોજગાર ખાતું અનેપછી પરદેશ ખાતું પણ સંભાળતા હતા. બ્રિટિશ સરકારની પરવાનગી વગર ઈઝરાઈલ સરકાર સાથે   ખાનગી મિટિંગ કરવા માટે  એમનું રાજીનામુ માંગી લેવામાં આવ્યું હતું . આમ તે રાજકારણમાં હંમેશા વિવાસ્પદ રહયા છે. તેઓ યુરોપિયન યૂનિઓનમાંથી' બ્રિટને  નીકળી જવું જોઈએ 'એના  પ્રખર ટેકેદાર રહયા છે. આથી બોરિક  જોનસનના પ્રધાન મંડળમાં હોમ સેક્રેટરીનું સ્થાન પામ્યા હતા.

                                                              તેમણે  ૨૦૧૪ માં  ટેક સલાહકાર એલેક્ષ નાસ્ડેક સાથે લગ્ન કર્યા હતા અને હવે એમનો ફ્રેડી નામનો પુત્ર પણ છે. તેઓ સુંદર પ્રભાવશાળી  અંગ્રેજી બોલે છે . તેઓ બોલે છે ત્યારે  ગાલમાં ખાડા પડેછે. તેઓ  પુરી માહિતી સાથે  વિશ્વાસથી બોલે છે એજ એમની સફળતાનું રહસ્ય છે. તેઓ સુંદરતા સાથે બહુજ હોશિયાર રાજકારણી છે.

                                                                  જે બ્રિટેને ભારત પર ૨૦૦ વર્ષ રાજ કર્યું એજ બ્રિટનમાં એક ભારતીય મૂળની  દીકરી  બ્રિટનના પ્રધાન મંડળમાં બીજા સ્થાને બિરાજે છે . એ કોઈ નાની સુની વાત નથી . એના માટે દરેક ભારતીય ગર્વ લઇ શકે છે. 

                                   **************************************  

                                                              

Tuesday, February 9, 2021



લાબું અને સુખી જીવન

                                                                       આપણા ઋષિ મુનિઓ  વેદિક વખતે જીવનમાં સદીઓ ફટકારી જતા એવા દાખલાઓ છે. પરંતુ એમના જીવનનો અભિગમ બહુજ ઉચ્ચ કોટિનો હતો . એમનું જીવન નિયમિત,  સાદો અને શુદ્ધ ખોરાક, સતત લોકઉપયોગી જીવન ,  સાથે આધ્યાત્મિક જીવન પણ જીવતા. એમાંથી લોકોને પણ લાબું જીવવાની પ્રેરણા મળતી રહેતી. પરંતુ   ધીમે ધીમે એ બધું પ્રગતિમય જીવનને નામે છોડી દેવાયુંકે ભુલાય ગયું . એથી જીવનની દોરી પણ ઓછી થવા માંડી. તે છતાં આજે પણ જાપાન જેવા દેશો છે જ્યા ૧૦૦ વર્ષની વયના સેંકડો માણસો મળી આવે છે જેઓ તંદુરસ્ત , સુખી , લાબું જીવન જીવે છે .

                                    જાપાન બહુ નેનો દેશ છે પરંતુ આર્થિક રીતે દુનિયામાં બહુ  સધ્ધર દેશ છે. જાપાનમાં ઓકિનાવા શહેરમાં કેટલાએ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો તંદુરસ્ત, સુખી અને આનંદમય જીવન જીવે છે.  એને માટે એમનો સકારાત્મક જીવન જીવવાની કળા જવાબદાર છે.

                                      ઓકિનાવા શહેરમાં  દરેક ૧૦૦ નાગરિકોમાંથી ૨૪ નાગરિકો ૧૦૦ વર્ષથી વધુ વયના છે. તેઓની  લાંબી વયનું કારણ સીધું સાદું જીવન અને સાદો ખોરાક છે.  તેઓ હસમુખ જીવન જીવે છે અને મિત્રો  સાથે પ્રેમ અને લાગણીમય સબંધો સાથે આનંદમય જીવન વિતાવે છે . તેઓ વહેલી સવારે બહાર નીકળી જાયછે અને પુત્રો, સગા સબંધીઓ સાથે આનંદ માણે છે. જીવનમાં ચિંતાને દૂર રાખે છે જેથી એમના જીવનને અસર થતી નથી. પોતાની જાતને લોકસેવામાં પરોવી દે છે .



                                      તેઓ પોતાને આવડતું અને  ગમતું કામ કરતા રહે છે. તેઓ  સતત કાર્યશીલ રહે છે. માણસ નો ખાવામાં  પણ સંયમરાખી ૮૦% જેટલી જ ભૂખને સંતોષે છે. સાથે જરૂરી કસરતો પણ કરતા રહે છે. તેઓ માનસિક તણાવ રહે એવી પ્રવૃતિઓથી  દૂર રહે છે.  ધ્યાન  કરી  આધ્યાત્મિકતાનો વધારો કરે છે.  તેઓ   વધારેને વધારે કુદરતને માણી યુવાનીનો આનંદ માણે છે. કારણકે યુવાની અને વૃદ્ધાવસ્થામાં  બહુ ફરક નથી . એતો મનુષ્યની માનસીક સ્થિતિ છે.  નાની નાની વસ્તુઓનો ત્યાગ કરીને જ જીવનની દરેક પણ માણી શકાય છે. ટૂંકમાં વૃદ્ધાવસ્થા અને માણસની જીવનદોરી વચ્ચે મનુષ્યનો અભિગમ જ અગત્યનો ભાગ ભજવે છે.

                                     આથી જાપાનીસોની લાંબી વય તેમના જીવન પ્રત્યેના સાકરાત્મક અભિગમને જ આભારી છે . એને અપનાવીને  કોઈપણ લાબું, તંદુરસ્ત અને આનંદમય જીવન વિતાવી શકે છે.

                               **************************************  

                                          

Monday, February 1, 2021




આદર્શ નેતાઓ - લોકો માટે એક દ્રષ્ટાંત 

                                                                         ઉત્તમ નેતાઓજ દુનિયામાં બદલાવ લાવી શકે છે.  ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮માં   એક શખ્સે  મહાત્મા ગાંધીને ગોળીઓથી વીંધી નાખ્યા હતા . એવીજ રીતે અબ્રાહમ લિંકનને પણ એક સભાગૃહમાં વીંધી નાખ્યા હતા. પરંતુ બંને નેતાઓએ એમની કારકિર્દીમાં અજબ બદલાવ  લાવ્યા હતા . મહાત્મા ગાંધીએ ભારતને આઝાદી અપાવી અને એમના  માર્ગ દુનિયાના બીજા પરાધીન  દેશોને પણ આઝાદી માટે તૈયાર કર્યા અને તેમને પણ આઝાદી અપાવી. એમનું જીવન શુદ્ધ અને આદર્શમય હતું. લોક સેવા સિવાય એમને બીજો કોઈ ઉદ્દેશ ન હતો. 'મારું જીવન જ મારો સંદેશ છે'  દ્વારા એમણે કરોડો લોકોને સાદું, નીતિમય અને ધાર્મિક જીવન જીવતા શીખવ્યું . 



                                                          એવી જ રીતે અબ્રાહમ લીન્કને અમેરિકામાં ગુલામી પ્રથા દૂર કરી રંગભેદ ને નાબૂદ કર્યો.  એમણે એમના જીવનમાં અમુક સિદ્ધાંતોનું પાલન કરીને લોકોમાં દાખલા  બેસાડ્યા. એમના દીકરાને એની સ્કૂલમાં બીજા બધા વિદ્યાર્થીની જેમ જ  ગણવાની એના શિક્ષકોને તાકીદ કરી હતી.  એમનો  શિક્ષકને લખેલો એ  પત્ર  આજે પણ  ઇતિહાસિક  બની ગયો છે. તેઓ માનતા કે દરેકને 'સમાન માનવાના' બંધારણીય હક્કો છે. એમનું સાદું જીવન અને આદર્શમય સિદ્ધાંતો અમેરિકન લોકો માટે એક સંદેશ રૂપ બની ચુક્યા છે.



     


                                                   

 નેતાઓ સાદું અને સિદ્ધાંત પ્રેરિત જીવન સમાજમાં લોકોની દ્રષ્ટિમાં પણ બદલાવ લાવે છે. સ્વાર્થી અને નીતિ વગરના નેતાઓ સમાજમાં  દુરાચાર ફેલાવી શકે છે.  એથી નેતાઓના દુરાચારને લીધે જ આજે દુનિયામાં ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. લાલબહાદુર જેવા નેતાઓને આજે પણલોકો યાદ  કરે છે કારણકે એમણે એમના સાદા અને સ્વચ્છ જીવન દ્વારા લોકોમાં દાખલો બેસાડ્યો હતો. એમણે કાર ખરીદવા માટે બેંક પાસેથી લોન લીધી હતી.  ભારતના  વડા  પ્રધાન હોવા છતાં એમની પાસે કોઈપણ મૂડી ન હતો. તેઓ પ્રધાન હોવા છતાં પણ એની જાણ એમની માતાને  ન હતી કારણકે  તેઓ માનતા કે તેમની ' માં' ભૂલથી પણ એમના હોદ્દાનો ઉપયોગ ન કરે. એમનું જીવન જ લોકો માટે એક દ્રષ્ટાંત બની રહ્યુ  છે .  પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ પણ એમની જે કઈ થોડી બચત એમના સરકારી આવકમાંથી મળી હતી તે કુટુંબ ને આપવાને બદલે  વિદ્યાપીઠને આપી દીધી હતી. એમને મળેલી નાની મોટી કિંમતી  ભેટો પણ લોકસંસ્થાઓને આપી દીધી હતી.  આજે તો કેટલાક નેતાઓએ રાજકારણને  એક આર્થિક ઉત્પાદનનો  ધંધો બનાવી દીધો છે જે લોકોને  ગલત સંદેશો આપે છે.



                                          અમેરિકન પ્રમુખ  ટ્રુમેન સામાન્ય કુટુંબમાંથી  આવતા હતા અને ધંધામાં પણ એમને સફળતા મળી ન હતી .  તે છતાં મહેનત અને ઈમાનદારીથી અમેરિકાના પ્રમુખના પદે પહોંચ્યા હતા.  બીજા વિશ્વ યુદ્ધનો અંત લાવી  શાંતિ સ્થાપવામાં એમનો મોટો ફાળો હતો.  એમણે અમેરિકાને યુદ્ધ દરમિયાન   બહાદુર નેતાગિરી  પુરી  પાડી  હતી.  પરંતુ એમનું જીવન સાદું અને પ્રામાણિક હતું.  વાઈટ હૉઉસ છોડ્યા પછી એમની પાસે રહેવાનું ઘર ન હતું એટલે એમણે એમના સાસુના ઘરમાં રહેવું પડ્યું હતું. નિવૃત્ત પ્રમુખને મળતું ૨૫૦૦૦ ડોલરના વાર્ષિક પેંશનમાંથી જ પોતાનું  જીવન વિતાવ્યું હતું. એ પહેલા પ્રમુખ હતા જેણે રાજ્ય તરફતી મળતા સ્વાસ્થ્ય લાભ' મેડિકેર' નો ઉપયોગ કર્યો હતો.  કેટલાએ પ્રમુખો એમના નિવૃત્તિ સમયમાં કરોડો ડોલરના માલિકો હોય છે.  ટૂંકમાં  'ટ્રુમેન વાઈટ હૉઉસમાં   કઈ પણ  લીધા વગર આવ્યા હતા ને કઈ પણ લીધા સિવાય સામાન્ય માણસની જેમ  ગયા હતા' . આજ એમના સ્વચ્છ  રાજકીય જીવનનો પુરાવો છે.  લોકો માટે અને રાજકારણીઓ માટે ઉમદા દ્રષ્ટાંત છે.

                                           આદર્શ  નેતાઓજ  સમાજમાં બદલાવ લાવી શકે છે.

                                       ********************************************* 

                        

Sunday, January 17, 2021



વૃદ્ધાવસ્થા                                  

                                                  બુઝર્ગો જેઓ રાષ્ટ્રના ઘડતરમાં પોતાનો ફાળો વિવિધ ક્ષેત્રોમાં આપીને નિવૃત્ત થાય છે ત્યારે તેમની સાથે સમાજ કેવો વ્યહવાર  કરે છે એના પર માટે  સમાજનું મૂલ્યાંકન થાય છે.  બુઝર્ગોનું સમાજ કેટલું સન્માન કરેછે અને સગવડો આપીને એમની નિવૃત્ત જીવન  સરળ બનાવે એના પર જ સમાજની સંસ્કૃતિનો ખ્યાલ આવે છે.  દુનિયામાં વૃદ્ધોનું જીવન ધારીએ એટલું સરળ નથી  એમાં સમાજની  એને મદદ  અને સહાનુભૂતિ  આવશ્યક છે. 

                                                  પશ્ચિમી સમાજમાં વૃદ્ધોને યોગ્ય માન અને સ્થાન આપવામાં આવે  છે. એમના માટે જુદી બેઠકો, વિકલાંગ બુઝર્ગો માટે જુદી વ્યવસ્થાઓ, એમના માટે  અમુક દિવસોએ ઓછા ભાવથી વેચાણોની વ્યવસ્થા કરવામાં આવે છે. રેલવે/ વિમાન પ્રવાસમાં  અને સિનેમામાં પણ ઓછી કિંમતે ટિકિટો  આપી એમના જીવનને હળવું બનાવવામાં આવે છે.  એમને ઉત્તમ મેડિકલ સગવડો એમની આવક પ્રમાણે  પુરી પાડવામાં આવે છે .  વાહન ધારકો માટે પણ બુઝર્ગોને લાગતા ઉત્તમ નીતિ નિયમો બનાવ્યા છે.  જ્યારે બુઝર્ગો રસ્તા પરથી પસાર થતા હોય તો વાહનો તેમનાથી દૂર રાખવાના નિયમો બનાવવામાં આવ્યા છે.  આ રીતે રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેનું  એમનું  ઋણ અદા કરવામાં આવે છે. સામાજિક સમારંભો એમને અગત્યનું સ્થાન પણ આપવામાં આવે છે. સરકાર એમની ફરિયાદોને  મહત્વ  આપેછે . એમના માટે જુદા જુદા  કમિશનો બનાવવામાં આવ્યા છે જે એમની શારીરિક , આર્થિક જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. પરંતુ એમાં એકજ ઉણપ છેકે વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોની  નાજુક  લાગણીઓની ઘણીવાર અવગણના થતી હોય છે.  એમાં સમાજની આર્થિક અને કુટુમ્બીક વ્યવસ્થા જવાબદાર બની રહે છે. ઘણીવાર બધી સગવડો સાથે બુઝર્ગોની સ્થિતિ મશીન સમાન બની રહે છે. કુટુંબીજનો તરફથી  એમની  ઈમોશનલ જરૂરિયાતઓ સમયને  અભાવે સંતોષાતી નથી. એજ ભૌતિક સમાજની કમનસીબી છે.  વૃદ્ધ અવસ્થામાં ઘણીવાર આર્થિક સાથે પ્રેમ અને કુટુમ્બીક કાળજીની પણ જરૂરિયાત હોય છે. આજ પશ્ચિમી સંસ્કૃતિની કમી છે.

                                                  પૂર્વની   સંસ્કૃતિમાં સયુંકત કુટુંબ પ્રથાએ એક સમયે વૃદ્ધોની સ્થિતિ સારી  હતી.  એમનું  સમાજમાં માન દરજ્જો જળવાઈ રહેતો હતો . એમના જીવનના અનુભવો અને જ્ઞાનનો ઉપયોગ કુટુંબમાં ઉપયોગમાં લેવાતો. ભારત, ચીન અને જાપાન જેવા દેશોમાં સમાન સંસ્કૃતિ અને સંજોગો પ્રવર્તતા હતા   પરંતુ દેશોની  ભૌતિક  પ્રગતિએ અને ઉદ્યોગીકરણે  માનવી પોતાની જાત અને પોતાના કુટુંબને મહત્વ આપવા માંડયું અને સંયુક્ત કુટુંબ તૂટવા મંડાતા કુટુંબોમાં વૃદ્ધોની પરિસ્થિતિ વિપરીત થવા માંડી. કુટુંબોમાં એમનું માન ઓછું થવા માંડયું  અને એમને કુટુંબમાં એક બોજા સમાન કેટલાક લોકો માનવા લાગ્યા . આથી આજે ઘરડા ઘરો વૃદ્ધોથી ઉભરાવા માંડ્યા છે .અને ઘણા વૃદ્ધોની હાલત ખરાબ બની રહી છે. હવે સરકાર અને સમાજ વૃદ્ધો માટે જાત જાતની નાણાકીય સહાય  અને કાયદાઓ બનાવી રાહત આપવા  પ્રયત્નશીલ છે  પરંતુ કુટુમ્બીક લાગણી અને પ્રેમ  જેવી  રાહત આવી ભૌતિક વસ્તુઓ વૃદ્ધોને  વૃદ્ધાવસ્થામાં આપી શકે નહીં . ઘણીવાર વૃદ્ધોની અવગણના કરવામાં પણ આવે છે.  ઘણા સભારંભોમાં એમને અલગ પાડી એમને દૂર પણ રાખવામાં આવે છે. કેટલીક યુવા વસ્તી એમને વપરાઈ ગયેલી શક્તિ સમજી એમની અવગણના પણ કરે છે.  એ લોકો એ પણ ભૂલી જાય છે કે એક દિવસે તેઓ પણ વૃદ્ધાવસ્થામાં પહોંચવાના છે.  આ સમાજની એક કમનસીબી જ ગણાય.

                                                      વૃદ્ધો વિષે જે સર્વેના આંકડા  જોઈએ તો  વૃદ્ધોની બેહાલી સમજી શકાય છે.  સર્વે કહેછે કે ૫૦%વૃદ્ધોને જમવા જુદા બેસાડાય છે. ૨૦% ને સગવડો હોવા છતાં ઘરના લોકોથી અલગ રખાય છે. ૯૦%પુત્રોને કામ પરથી આવ્યા પછી માબાપ સાથે વાત કરવાનો સમય હોતો નથી .  ૭૦% માં બાપને તમને  શું સમજ પડે કહી ટાળવામાં આવે છે.  ૯૦%  માં બાપને સામેથી પૈસા વૃદ્ધ અવસ્થામાં   માંગવા પડે છે . શરીર સારું નથી ચાલતું  હોતું નથી. નજદીકના સગા સ્નેહીઓ, મિત્રો અને કદીક પતિ પત્નીમાંથી એક ચાલી જવાથી એકલા પડી જાય છે અને નવા નવા લોકો સાથે પારો પડે છે  એનાથી એમની તકલીફો વધી  જાય છે. 

                                                   વૃદ્ધ પ્રત્યે દરેકનો અભિગમ ખરાબ  હોય છે એમ  કહેવું યોગ્ય નથી પરંતુ એમાં અપવાદોને ગણી શકાય નહિ .  મૂળમાં તો  બુઝર્ગોને એમની વૃદ્ધાવસ્થામાં  પ્રેમ, લાગણી અને માવજતની પૈસા કરતા વધારે જરુરુયાત  હોય છે.  જે સમાજની અને કટુંબની  ફરજ બની રહે છે.

                                          ***************************************     

                                                    


Monday, January 11, 2021


 

પુણ્ય ભૂમિ ગુજરાત 

                                                    ગુજરાતની પુણ્ય ભૂમિ  હજારો સાલથી પવિત્ર થયેલી  છે. હજારો વર્ષ પહેલા ભગવાન કૃષ્ણે ગુજરાતમાં પોતાની રાજધાની દ્વારકા સ્થાપી એને પવિત્ર બનાવી દીધી હતી. આજે પણ આખી દુનિયાના હિંદુઓ જીવનમાં એકવાર એ ભૂમિના દર્શન માટે જરુર આવે છે.

                                                    મહાભારતકાળના દુર્યોધનથી તે  આધુનિક યુગના વિવેકાનંદ્દ ટાગોર , નહેરુ જેવાએ કેટલીક વાર ગુજરાતની લટાર મારી ચુક્યા છે અને અહીંથી કૈક સારી પ્રેરણાઓ લઇ ગયા છે. વિવેકાનંદને અમેરિકા યાત્રાની પ્રેરણા અને મદદ ગુજરાતમાંથી જ  મળી હતી. કોઈ પણ સદ્દવિચારને ગુજરાતે હંમેશા પ્રોત્સાહન અને મદદ આપી છે. હિન્દૂ ધર્મમાં આર્ય સમાજ દ્વારા  પરિવર્તન અને સુધારા લાવનાર દયાનંદ સરસ્વતી એ ગુજરાતની જ દેણ છે.

                                                     હિંદુત્વની ભાવનાને દ્રઢ બનાવનાર રાષ્ટ્રીય સેવક સંઘની સ્થાપના ભલે નાગપુરમાં થઇ પરંતુ એમાં નેતાગીરી, ટેકો અને નાણા પુરા પાડનાર પણ ગુજરાત છે.  ૫૫૦ થી વધારે દેશી રાજ્યોમાં વહેંચાયેલા ભારતને એક કરનાર  સરદાર પટેલ ગુજરાતની ભૂમિની ભારતને ભેટ હતી  ગાંધીજીએ ભારતને સ્વરાજ અપાવ્યું અને મહંમદ અલી ઝીંણા જેણે ભારતના ભાગલા કરાવ્યા એ બંને નેતાઓ ગુજરાતના જ હતા. એટલેકે ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા બંને ગુજરાતી હતા.  ગુજરાતે આઝાદી પછી ભારતને મોરારજી દેસાઈ  અને નરેન્દ્ર મોદી જેવા બે  પ્રખર પ્રધાન મંત્રી પણ આપ્યા છે. 



                                                      ગુજરાત પુરાણા કાલથી સમરુધ્ધ રહ્યું છે. ભારતના બધા જ રાજાઓ કે સમ્રાટો હંમેશા ગુજરાત જીત્યા  વિના પોતાની જાતને અધૂરા સમજતા. તેઓ ગુજરાતની સમરુધ્ધિથી હંમેશા આકર્ષાયા હતા. મહંમદ ગઝનવી સોમનાથને લૂંટવા આવ્યો તો અકબરે ગુજરાતવિજયના  ગર્વમાં પોતાની રાજધાની ફતેહપુર સિક્રીમાં બુલંદરવાજો  બનાવ્યો .આજ ગુજરાતની સમરુધ્ધિની ઇતિહાસિક ગાથા છે. પોટુગીઝ , ડચ , અને અંગ્રેજો પણ સુરત બંદરે ગુજરાતના સમરુધ્ધ  વેપારનો લાભ લેવા આવ્યા હતા . તે વખતે સુરત બન્દર  પર ૫૬ દેશોના ઝંડાઓ  ફરકતા હતા. આમ પણ ગુજરાતની સાહસિક પ્રજા સુમાત્રા, જાવા આફ્રિકા , મધ્ય એશિયા , અને યુરોપ સુધી પહોંચ્યા હતા. આજે પણ ગુજરાત વેપાર  અને ઉદ્યોગોમાં આગળ છે જે ગુજરાતીઓની સાહસિકતા અને વેપારી લાક્ષણિતાને  આભારી છે.  કવિ ખબરદારે લખ્યું છે ને ' જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી. '



                                        ગુજરાતની ઉત્તરમાં માં અંબા વસે છે .સૌરાષ્ટ્માં જ્યોતિર્લિંગ સોમનાથ અને દ્વારકામાં ભગવાન કૃષ્ણનું  ધામ છે , મધ્ય ગુજરાતના ડાકોરમાં દ્વારકાધીશ  છે. દક્ષિણ ગુજરાતમાં તડકેશ્વર મહાદેવ જેવા પવિત્ર ધામ છે. સૌરાષ્ટ્રમાંથી  કલાપીનો કલરવ , નરસિંહ મહેતાના પ્રભાતિયાં , અને મેઘાણીના શોર્ય ગીતો આવ્યા તો ઉત્તર ગુજરાતમાંથી તાનારીરીના સંગીત નિપુણતા તો મધ્ય ગુજરાતમાંથી ગોવેર્ધનરામનો  ભવ્ય ગ્રંથ સરસ્વતીચંદ્ર  આવ્યો.  નર્મદના ' યા હોમ  કરીને પડો, ફતેહ છે આગે ' ના બુલંદ આહવાન પણ ગુજરાતને મળ્યા છે. બોટાદકરની પેલી કવિતા હજુ ગુજરાતમાં ગુંજે છે ' સાચે જ જનની જોડ જગે નહિ જડે રે લોલ. '



                                                  ગુજરાતની પુણ્ય ભૂમિમાં આજે પણ મોરારી બાપુની  અને રમેશભાઈ ઓઝાની ધાર્મિક  કથાઓ  સંભળાય.  ટાટા , અંબાણી , અદાણી અને અઝીઝ પ્રેમજી એવા ઉદ્યોગ પતિઓ આજે પણ ગુજરાતને સમૃદ્ધ બનાવી રહયા છે. નર્મદાના પાણી હવે ગુજરાતની રસાતાળ ધરતીને વધુને વધુ  ફળદ્રુપ બનાવી રહ્યા છે.  આવું છે રૂપાળું ગુજરાત -

"પશ્ચિમે ઘૂઘવાતો સાગર , પૃર્વે ગિરી માળાઓ છે 

આવું  રૂપાળું ગુજરાત જ્યાં સ્વર્ગમય દિન રાત છે

બનાસ, સાબરમતી વહે ઉત્તરે, મધ્યે નર્મદા અને મહી

દક્ષિણે તાપી અને અંબિકાએ લીલી જાજમ બિછાવી અહીં 

નરસિંહના પ્રભાતિયાઓથી  જ્યાં સૂર્યોદય થાય  છે 

કૃષ્ણ અને ગાંધીની ગાથાઓ  જ્યાં રાત દિન ગવાય છે 

પરદેશોમાં પર્વતો  સાગરો   અને ભવ્ય નદીઓ ત્યાં 

તો પણ ગુજરાતીઓના ભૂલે ગુજરાતની માટી ત્યાં"

ભારત દેસાઈ  

( અમેરિકામાં / કૅલિફૉર્નિયા ખાતે  'ગુજરાત દિવસ' ના સોવેનિયરમાં પ્રસિદ્ધ )   

                                 **********************************

Friday, January 1, 2021

 


દુઃખોનું મૂળ અને નિવારણ  

                                                                                      માનવીનું  મન  જ બધા પ્રશ્નોના મૂળમાં હોય છે. મન હંમેશા કોઈને કોઈ બાબતમાં ભમ્યા કરતુ હોય છે. એને કાબુમાં રાખવું બહુજ મુશ્કેલ છે. એના માટે આધ્યાત્મિકતાને પચાવવી જરૂરી છે. માણસ આધ્યામિકતા અપનાવેછે પરંતુ માનવીનું મન મોહમાં તણાઈને આધ્યામિકતા સાથે દગો કરે છે.  ખરેખર આધ્યમિકતાને  જીવનમાં પચાવી જનાર બહુ ઓછા હોય છે. 

                               આધ્યમિકતાને જીવનમાં સાચા અર્થમાં ઉતારવામાટે  જીવન પ્રત્યેનો અભિગમ બદલવો પડે છે. જેમાંથી દુઃખ કે પછી  કડવાશ પેદા થાય એવી વસ્તુઓમાંથી મુક્ત થવું જોઈએ. તાઓ તે ચિંગ કહે છે તેમ' જીવનમાંથી કોઈની હરીફાઈ કે પછી દેખાદેખીનો ત્યાગ કરતા શીખવું જોઈએ. જેથી પોતાની પાસે રહેલી વસ્તુઓમાંથી સંતોષ માણી શકાય  અને મનથી આનંદિત રહી શકાય.આધ્યાત્મિકતા એજ  માર્ગે જઈ શકાય .

                                જીવનમાં બનતા પ્રસંગોને પોતાની મરજી પ્રમાણે વાળવાનો પ્રયત્ન કરવો એ પ્રવાહોની સામે તરવા બરાબર છે.  એ  જીવનમાં દુઃખોની હારમાળા સર્જે છે.  આંતરિક અશાન્તિઓ પેદા કરે છે. તે ઉપરાંત જીવનમાં  કોઈ પણ તૃષ્ણાને સંપૂર્ણ રીતે સંતોષી શકાતી નથી. તૃષ્ણા એવી વસ્તુછે જો એને અંકુશમાં ન રાખવાથી  વધતી  જ જાય છે.  એ દુઃખનું મોટું કારણ બની જાય છે. આથી જીવનની જરુરુયાતોને ઓછી કરવાથી જ તૃષ્ણા પર અંકુશ આવી શકે છે. જીવનમાં દુઃખોને દૂર રાખવા માટે જે રીતે સંજોગો રાખે એ રીતે રહીને એમાં સંતોષ માનવામાં છે.  કારણકે  આધ્યામિકતા એ એક સત્ય છે એ કોઈ ફેશન નથી. 

                                  ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છેકે કોઈ પણ કામ ફળની આશા વગર નિશ્વાર્થ ભાવે કરવાથી દુઃખને દૂર રાખી શકાય છે.  કોઈ પણ કામનું પરિણામ ઈશ્વર પર છોડી દેવાથી જ પરમ સંતોષ મળે  છે. અને દુઃખને દૂર રાખી શકાય છે. મહાભારતના યુદ્ધમાં  પાંડવોનો  વિજય થયો હતો  પરંતુ  તેઓ સુખી ન હતા. કારણકે પરિણામથી તેઓ પર ન હતા. એટલે  પરમ મુક્તિ માટે એમણે હિમાલયનો માર્ગ લીધો હતો. 

                                  અધ્યામિકતાનો ખરો પરચો તો મૃત્યુ સામે આવે  ત્યારે થાય છે અને એ  ક્ષણિક હોય છે. એમાં કોઈ ગહનતા હોતી નથી . મરેલા શબને જોઈને બે ઘડી  મનુષ્ય વિચારવા માંડે છે.

 શું લાવ્યા? અને શું લઇ જવાના?

આવ્યા ત્યારે શું લાવ્યા

જતી વખતે શું લઇ જવાના 

જીવ જતા નિજીવ શરીર ભૂમિ પર ઉતારી  દેવાય  

ક્યારે અંતિમ યાત્રા શરુ એની રાહ જોવાય  

ત્યારે સમજાયું  શું લાવ્યા ને શું લઇ જવાના 

શું લાવ્યા? ---

 જીવનમાં કપટ કે  કાવાદાવાનો  શું  અર્થ 

ઈર્ષા અને  અહમનો  નાકામતાઓ સમજાઈ.

જે મેળવ્યું  તે  સાથે  નથી  આવવાનું 

ન સગા સબંધીઓ પણ   આવવાના 

ત્યારે સમજાયું  શું લાવ્યા  ને શું લઇ જવાના 

શું લાવ્યા?---

સિકંદર પણ ગયો  ખાલી હાથે  કફનમાં 

સમજાવી ગયો નથી લઇ ગયો કઈ પણ અહીંથી 

રાજ અને ખજાનાઓ  અહીં જ  ગયો મૂકી

ત્યારે સમજાયું શું લાવ્યાને  શું લઇ જવાના 

શું લાવ્યો ?

ભારત દેસાઈ 

(  અમેરિકામાં પ્રસિદ્ધ થયેલ કવિતા સંગ્રહ -'હાર્ટ બિટ્સ ' માંથી )

                                 આને સ્મશાન વૈરાગ્ય કહેવાય આધ્યમિકતા નહિ  

                                          **************************************

 

Monday, December 14, 2020



 જૈન સમાજ 

                                                 જૈન સમાજ દુનિયામાં ચારથી પાંચ મિલિયન જેટલો છે પરંતુ શિક્ષિત સમાજ છે. એમનું શિક્ષણનું  પ્રમાણ ૯૦ % જેટલું છે.  ઘણેભાગે  જૈનો શાકાહારી અને એમાં પણ અમુક શાકભાજી ખાતા નથી. કોઈ પણ જાતના વ્યસનોથી દૂર રહે છે. દારૂ કે સિગારેટથી પણ દૂર રહે છે.

                                આમતો  નાનો સમાજ છે પરંતુ સમરુધ્ધ છે.  ભારતમાં જૈનો ૨૪% જેટલો આવક વેરો  ભરે  છે અને'જી ડી પી '  માં   એમનું ૧/૪ જેટલું  પ્રદાન છે. એટલેકે ભારતની અર્થ વ્યવસ્થામાં એમનું મહત્વનું પ્રદાન છે. હીરા ઉદ્યોગમાં જૈનો અગ્રગણ્ય છે. બેલ્જિયમમાં ૧૫૦૦ જૈનો છે જેઓ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. દુનિયાના હીરાના વેપારમાં એમનો ૨/૩ જેટલો હિસ્સો છે.



                                 તેઓ બહુ જ ધાર્મિક અને બોલવા ચાલે  બહુજ કોમળ હોય છે. જૈનો પોતાનું દૈનિક કામ શરુ કરતા પહેલા અમુક વસ્ત્ર પરાધીન કરીને એમના મંદિર એટલે દેરાસર પર જરૂર જાય છે. તેઓ ધાર્મિક પણ હોય છે. પર્યુષણ ,દશ લક્ષણ , મહાવીર જયંતિ  વગેરે એમના તહેવારો છે. તેઓ અપવાસો પણ કરે છે અને કેટલાક જૈનો તો આમરણાંત અપવાસો પણ કરે છે.જૈનોમાં બે  પંથો  છે-દિગંબર અને શ્વેતામ્બર. જૈનોમાં પંચ મહાવૃત એ  મુખ્ય સિદ્ધાંતો છે.  -અહિંસા , સત્ય , અસતય , અપરિગ્રહ , અને બ્રહ્મચર્ય. જૈનોમાં કોઈ જાતિભેદ નથી. તેઓ દરેક આત્માને  સમાન માને છે. દરેક મોક્ષ પ્રાપ્ત કરી શકે છે એવી એમની માન્યતા છે.જૈનોએ અબજો રૂપિયાના દાનો કરેલા છે અને કલાના નમૂના રૂપ જૈન મંદિરો બનાવેલા છે.ગુજરાતમાં આવેલા  પાલિતણાના અને હટ્ટીસિંઘના દહેરાઓ કલાની ઉત્તમ કૃતિઓ છે.



                                  જૈન તીર્થંકરોએ દુનિયાની આધ્યાત્મિક  વૈચારિકધારામાં સારું એવું પ્રદાન કરેલું છે. તે ઉપરાંત ગાંઘીજીની વિચારધારા પર જૈન સાધુ  રાજચંદ્રજીનો સારો એવો પ્રભાવ હતો. ગાંધીજીની સત્યાગ્રહની વિચારધારા એમના જૈન ગુરુ રાજચંદ્રજીને આભારી હતી. જૈન સાધુ  હીરા વિજયજીએ મોગલ સમ્રાટ અકબરને પણ શાકાહારી બનાવી દીધા હતા.



                                   અર્વાચીન જગતમાં પણ જૈનોએ સમાજમાં અનોખું પ્રદાન કરેલું છે. ગૌતમ અદાણી , વિક્રમ સારાભાઈ, અને સંજય લીલા ભણસાલીએ પણ એમના ક્ષેત્રોમાં ઉચ્ચ પ્રદાન કરેલું છે. જૈનો ભલે નાનો સમાજ છે પણ  યહૂદીઓની જેમ એમનું પ્રદાન પણ ઘણું છે. 

                                            **************************************