Monday, January 27, 2020


અહમનો   સંગર્ષ
                                                                                   દુનિયામાં સર્વત્ર  જંગો  જે ચાલી  રહયા છે એની પાછળ માનવીઓનો  અહમ જ હોય છે. સિરિયામાં અમેરિકા અને રશિયાનો અહમ ટકરાઈ  રહ્યો  છે. અમેરિકા અને ઇરાનના  અહમે યુદ્ધ સુધીની નોબત લાવી દીધી છે. સમાજમાં અને રાષ્ટ્રમાં માનવી માનવી અને રાજકારણીઓના અહમ ટકરાઈ જાય છે  ત્યારે અનાચાર સર્જાય છે.

                                                                                   માનવી એક વસ્તુ ભૂલી જાય છેકે  કુદરતની કે પ્રભુ આગળ એમની અમુક મર્યાદાઓ હોયછે, અને એમાં એના અહમના ચૂરેચૂરા થઇ જાય છે.  એને  કવિતામાં નીચે મુજબ વર્ણવી છે, પરંતુ  એ સમજવું માનવી માટે મુશ્કેલ છે.  માનવી મોહમાયાના અંધારપટમાં આંધળો બની ચુક્યો છે.

                                            " ઊંચા  ડુંગરો બનાવી પ્રભુએ
                                             માનવીના  અહમને પડકાર્યો છે
                                              ઊંડા સાગરો બનાવી
                                              માનવોને  તેમની મર્યાદા  બતાવી છે
                                              મગરમચ્છની જેમ દોડી જતી
                                               નદીઓ વહેવડાવી
                                               માનવોની ગતિને પડકારી છે
                                               વીજળીના ભયંકર કડાકાઓમાં
                                               માનવીના ઉન્માદને પડકાર્યો છે
                                                વંટોળોના વંટોળમાં
                                                માનવોને ચકરાવે  ચઢાવે  છે
                                                જંગલની  પરમ શાંતિમાં
                                                જંગલી પશુઓ  વસાવી
                                                માનવી માનવી વચ્ચેની    જંગલીયાતને
                                                 પ્રાણીઓ કરતા બદતર બતાવી છે"
                                                 ભારત દેસાઈ

                                              ****************************
 


                                                     
                                     

Sunday, January 12, 2020


કુદરતનું સ્વર્ગ
                                                                                       કુદરતમાં જ સ્વર્ગ સમાયેલું છે એવું આપણા પૂર્વજો માનતા હતા એથી કુદરતના ભાગરૂપ નદી , સમુદ્ર,  હિમપર્વતો, વાયુ , નીર, અગ્નિ અને ધરતી વગેરેની પુંજા કરતા. એમની જાળવણી કરતા. આથી કુદરત પણ એમના પર આફરીન રહેતી અને એમના અસ્તિત્વને જાળવવામાં હંમેશ અનુકૂળ રહેતી. પરંતુ પ્રગતિના નામે અથવા  પોતાના સ્વાર્થ સાધવા જ્યારથી  માનવોએ કુદરતને લૂંટવા માંડી  ત્યારથી કુદરત રૂઠી છે અને હવે  વાવાઝોડા, નદીઓમાં પૂર, દરિયાનું તાંડવ, હિમ પ્રપાત અને ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓ સામાન્ય થઇ ગઈ છે. હવામાન વિપરીતથઈ ગયું છે. માનવજાતને માટે વાતાવરણ વિષમય બની ગયું છે . રોગચાળો વધી ગયો છે.
                          ભૂતકાળમાં જે કુદરતને ખોળે માનવો  અંતિમ જીવન ગાળતા તેને બદલે કુદરતી  આપત્તિઓથી  રિબાઈ રિબાઈને  મરી  રહયા છે . માનવો અને ધરતીતો એજ છે, ફક્ત કુદરતી વાતાવરણ  બદલાઈ ગયું છે. આજે પણ સંતો , સાધુઓ  કુદરતને શરણે જ રહે છે કારણકે એજ ધર્મ કહે છે.
                             ભૂતકાળમાં પણ સાધુ સંતો હિમ પ્રદેશોમાં કુદરતને ખોળે રહેતા અને અદ્રશ્ય થઇ જતા. મહાભારતમાં  પણ શ્રી કૃષ્ણની  સલાહ મુજબ  પાંડવો  પિતાનું રાજકાજ છોડીને સ્વર્ગમય  હિમાલયમાં જ  કુદરતને શરણે થયા હતા કારણકે આખરે  કુદરતને ખોળે જ સ્વર્ગ સમાયેલું છે. એ સ્વર્ગમાં દિવ્ય માનવીઓ જ લાંબો વખત પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે.  એને  કવિએ બહુજ સુંદર રીતે મૂક્યું છે.
હિમાલયની નીરવ શાંતિમાં -
હિમાલયની નીરવ શાંતિમાં ધર્મરાજ આંસુઓ વહાવે
કુદરત પણ વિલાપ કરે  પ્રચંડ પડઘાઓના  રૂપમાં
રઝળતા રઝળતા લોથપોથ થઈને  ગુમ ભાઈઓને શોધે
જે કદી  ન હતા,  એમને છેહ  દેનારા
હિમાલયની નીરવ શાંતિમાં  -----
માથું ઠંડીમાં ફાટે,  પણ દબાવી આપનાર નકુલ ક્યાં છે ?
થાકમાં ખભે  લઇ દોડનારો  ભાઈ  ભીમ  ક્યાં છે.?
કપરા કાળનો   માર્ગદર્શક  સહદેવ દેખાતો નથી
એમના એકજ શબ્દે ગાંડીવ ચઢાવનાર અર્જુન પણ ગુમ છે.
હિમાલયની નીરવ શાંતિમાં  ---
ક્યાં છે મારા  મિત્ર કૃષ્ણ,  યાદવોના સ્વામી
મુસીબતોમાં  ખડકની જેમ સાથે રહેનારા
બધા બાંધવોને બરફ ખાઈ ગયા છે.
નિરાશ ધર્મરાજ એકલા શ્વાન સાથે સ્વર્ગ દ્વારે જઈ ચઢયા
હિમાલયની નીરવ શાંતિમાં  ----
ચારેકોર કુદરતી   સૌંદર્ય જોઈને  ધર્મરાજ અચરજ ઉભા
 ગમ એટલોજ છે કે એ જોવા એના ભાઈઓ  ન રહયા
ભારત દેસાઈ
                                     ટૂંકમાં કુદરતનું  સૌંદર્યમય  સ્વરૂપ જ સ્વર્ગ છે.
                                           *************************************
 

   

Monday, January 6, 2020


રવીન્દ્રનાથ ટાગોરનું મંથન
                                                                        રવીન્દ્રનાથ ટાગોર એક મહાન સાહિત્યકાર જેમણે એમની કૃતિ 'ગીતાંજલિ'  દ્વારા નોબલે ઇનામ  મેળવ્યું   હતું. તેઓ મહાત્મા ગાંધીની પણ નજદીક હતા અને ગાંધીજીએ એમને ગુરુદેવનું નામ આપ્યું હતું. તેઓ રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રપ્રેમી હતા. એમણે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ 'વિશ્વ ભારતી વિદ્યાલય ' બનાવ્યું હતું . તેઓ મહા ચિંતક પણ હતા.
                                          તેઓ કહ્યુંછેકે  માનવી મંદિર માં શામાટે જાય છે ? મંદિરમાં જઈને માનવી  ફૂલો ચઢાવી દીપ પ્રગટાવે છે. પ્રભુને પ્રાર્થના કરે છે.  પ્રભુ સામે મસ્તક નમાવી દે છે. તે ઘણીવાર પોતાની ભૂલોમાટે  માફી પણ માગે છે. એ બધું ઠીક છે પણ માનવી જીવનમાં શું છે એ વધારે મહત્વનું છે. માનવીનું સ્વરૂપ જે મંદિરમાં હોય છે એવું વ્યહવારમાં હોતું નથી.


                                         આથી ગુરુદેવ રવીન્દ્રનાથે  કહ્યું છે કે માનવીએ મંદિરમાં જતા પહેલા માનવીએ પોતાનું અંતર શોધ કરાવી જોઈએ  કે તે શું છે? એટલે કે એ  પહેલા પોતાના ઘરને  પ્રેમ અને દયાથી સુગંધિત કરવું જોઈએ.  પોતાનામાંથી  અંધકાર , પાપ , અભિમાન અને અહમને દૂર કરવો જોઈએ . બીજા તરફ નમ્રતા કેળવી અને કોઈને પણ દુઃખ પહોચાડ્યું  હોઈ તો એની માફી માંગવી જોઈએ.  નબળા લોકોને મદ્દદ કરી યુવાનોને શક્તિશાળી બનાવવા જોઈએ . બીજા જો કોઈ તમારું અપમાન કરે, અને  દિલ દુભાવે  તો એને માફ કરી દેવા જોઈએ.
                                           આવા વ્યક્તિવ સાથે મંદિરમાં  જવું   માનવ જીવન માટે વધુ  સુસંગત છે એવું તેઓ માનતા હતા. આવા ઉમદા ગુણો જીવનમાં ઉતાર્યા સિવાય મંદિરની મુલાકાત ફક્ત એક આંટાફેરા સમાન જ બની રહે છે. એવા એમના ઉમદા વિચાર હતા.
                                             *********************************